લસિકાતંત્ર (lymphatic system) : પેશીમાંથી પ્રોટીન અને તૈલી દ્રવ્યોના મોટા અણુઓને બહાર વહેવડાવી જવાની ક્રિયામાં સક્રિય તંત્ર. તેમાં લસિકાતરલ (lymph) નામના પ્રવાહી, લસિકાકોષો (lymphocytes), લસિકાપિંડ અથવા લસિકાગ્રંથિ (lymphnode) તથા કાકડા, બરોળ અને વક્ષસ્થગ્રંથિ (thymus) નામના અવયવો, લસિકાવાહિનીઓ (lymphatics) નામની લસિકાતરલને વહેવડાવતી નળીઓ તથા વિવિધ પેશીઓમાં ફેલાયેલી લસિકાભપેશીની પિંડિકાઓ(lymphnod tissues)નો સમાવેશ થાય છે. પેશીમાં ધમની વાટે લોહી જાય છે અને શિરા દ્વારા પાછું આવે છે. કોષોની બહાર આવેલા બહિષ્કોષીયજળ(extracellular fluid)માંથી વિવિધ દ્રવ્યો લઘુશિરામાં પ્રવેશીને મુખ્ય રુધિરાભિસરણમાં પ્રવેશે છે પરંતુ તે સમયે પ્રોટીન અને તૈલી દ્રવ્યોના મોટા અણુ ધરાવતાં રસાયણોના બહિર્વહન (drainage) માટે લસિકાવાહિનીઓની જરૂર પડે છે. લસિકાતંત્રની વક્ષસ્થનલિકા (thoracic duct) દ્વારા તે મુખ્ય રુધિરાભિસરણમાં પ્રવેશે છે. લસિકાતંત્ર અન્ય કાર્યો પણ કરે છે; જેમ કે આંતરડામાં પચેલા તૈલી દ્રવ્યોનું વહન તથા લસિકાકોષો અને રોગપ્રતિકારમાં ઉપયોગી પ્રતિદ્રવ્યો(antibodies)નું ઉત્પાદન.
લસિકાતરલ : તેને લસિકા પણ કહે છે. તે પેશીમાંના કોષોની બહાર આવેલું પેશી પ્રવાહી જેવું જ પ્રવાહી છે. જ્યારે તે લસિકાવાહિનીઓમાં હોય છે, ત્યારે તેને લસિકાતરલ કહે છે અને જ્યારે તે બહાર હોય ત્યારે તેને આંતરકોષીય (intercellular) પ્રવાહી, અંતરાલીય (interstitial fluid) કે પેશીપ્રવાહી (tissue fluid) કહેવાય છે. તેઓ લોહીના રુધિરપ્રરસ (blood plasma) જેવું બંધારણ ધરાવે છે. પરંતુ તેમાં લોહીમાં જોવા મળતાં મોટા પ્રોટીનના અણુઓ હોતા નથી. તેથી તેમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું રહે છે. લસિકાતરલમાં રક્તકોષો અને ગંઠનકોષો હોતા નથી. જોકે લસિકાભપેશીમાં લસિકાકોષોનું ઉત્પાદન થાય છે. જુદા જુદા સ્થળેથી લસિકાતરલ લઈને તપાસ કરાય તો તેમના બંધારણમાં થોડો તફાવત જોવા મળે છે; જેમકે, પાચનમાર્ગમાંથી નીકળતી લસિકાવાહિનીઓમાં પચેલાં તૈલદ્રવ્યો હોય છે.
લસિકાવાહિનીઓ (lymphatics) : પેશીમાં કોષો વચ્ચેની જગ્યામાં બંધ નળી રૂપે લસિકાકેશવાહિની અથવા લસિકાકેશિકાર (lymphatic capillaries) શરૂ થાય છે. કોષોની વચ્ચે તે નલિકાઓની જાળી બનાવે છે. તેમનું પોલાણ લોહીની નસો કરતાં મોટું હોય છે અને અનિયમિત આકારનું હોય છે. તેની અંતશ્છદીય દીવાલમાંના છિદ્રોમાંથી પેશીમાં બનતા પ્રોટીનના મોટા અણુઓ પસાર થઈ શકે છે.
જે પેશી કે અવયવમાં લોહીની નસો ન હોય ત્યાં લસિકાકેશવાહિનીઓ પણ હોતી નથી; જેમ કે, આંખમાં આવેલું સ્વચ્છા (cornea) નામનું પારદર્શક ઢાંકણ. આ ઉપરાંત તે મગજ, કરોડરજ્જુ, બરોળની મૃદુપેશી (splenic pulp) તથા અસ્થિમજ્જા(bone marrow)માં પણ હોતી નથી. લસિકાકેશવાહિનીઓ મળીને લસિકાવાહિની બનાવે છે, જે ચામડીની નીચે શિરાઓ સાથે કે શરીરના ઊંડાણમાં ધમની કે શિરાઓ સાથે હોય છે. લસિકાવાહિનીઓ સૌપ્રથમ પ્રાદેશિક લસિકાગ્રંથિ(લસિકાપિંડ)માં પ્રવેશે છે, જે તેમાંના કણસ્વરૂપનાં દ્રવ્યોને ગાળી લે છે. ગળાયેલું લસિકાતરલ મોટી લસિકાવાહિનીઓ દ્વારા આગળ વધે છે અને એકબીજાં સાથે જોડાઈને મોટી ગુરુવાહિનીઓ બનાવે છે : વક્ષસ્થવાહિની (thoracic duct) અને જમણી લસિકાકીય ગુરુવાહિની (right lymphatic duct). તેઓ તેમનામાંનું લસિકાતરલ માથા અને હાથમાંથી લોહી લાવતી શિરાઓમાં ઠાલવે છે. આમ લસિકાતરલ મુખ્ય રુધિરાભિસરણમાં ભળે છે. લસિકાવાહિનીઓ પોતાની બાજુની તથા સામેની બાજુની લસિકાવાહિનીઓ સાથે મુક્તપણે જોડાય છે. મોટી લસિકાવાહિનીઓની દીવાલમાં પોષણ માટે લોહી પહોંચાડવા માટે વાહિ–વાહિની (vasavasorum) રૂપે લોહીની નસ હોય છે. આવી ઝીણી નસોનું જાળું તેમની આસપાસ હોય છે. જ્યારે લસિકાવાહિનીમાં ચેપ ફેલાય ત્યારે તેને લસિકાવાહિનીશોથ (lymphangitis) કહે છે. તે સમયે ચામડી નીચે લાલ રંગની રેખિકાઓ જોવા મળે છે. આ રક્તરંગી રેખિકાઓ વાહિ–વાહિનીની બનેલી હોય છે. લસિકાવાહિનીઓને ઈજા થાય તો તેમનું પુન:સર્જન ઝડપી હોય છે.
લસિકાભપેશી (lymphnoid tissue) : લસિકાભપેશીમાં વિવિધ પેશીઓમાં ફેલાયેલી પિંડિકાઓ, બરોળ, વક્ષસ્થગ્રંથિ તથા અસ્થિમજ્જા તેમજ લસિકાકોષોનો સમાવેશ થાય છે. વક્ષસ્થગ્રંથિ (thymus) અને અસ્થિમજ્જા(bone marrow)ને કેન્દ્રીય લસિકાભપેશી કહે છે. ગર્ભાવસ્થાની શરૂઆતના સમયે લસિકાકોષો બરોળ અને યકૃતમાં બને છે, પરંતુ ત્યારબાદ સમગ્ર જીવન દરમિયાન, તે હાડકાંનાં પોલાણોમાં આવેલી અસ્થિમજ્જા નામની પેશીમાં બને છે. આ પેશીમાં બહુક્ષમ આદિકોષો (pluripotent stem cells) આવેલા હોય છે, જેમાંથી લસિકાકોષો(lymphocyts)નું પ્રસર્જન થાય છે. આદિકોષમાંથી લસિકાબીજકોષ (lymphoblast) બને છે, જે વધુ વિભેદન (differentiation) પામીને લસિકાકોષ બને છે. તેઓ રોગપ્રતિકાર કરતા મુખ્ય કોષો છે અને આમ તે રોગપ્રતિકારક તંત્ર – પ્રતિરક્ષાતંત્ર(immune system)ના મુખ્ય કોષો છે. આ લસિકાકોષો પ્રતિબદ્ધ (committed) કોષો કહેવાય છે. તેમનું વિભેદન અસ્થિમજ્જામાં થાય તો તેમને ‘બી’ પ્રકારના લસિકાકોષો કહે છે. પક્ષીઓમાં ‘બી’ કોષો ફૅબ્રિસિયસની સ્યૂન(bursa of fabricius)માં વિભેદિત થાય છે. તેમને અંગ્રેજી નામ bursa પરથી ‘બી’ કોષો કહે છે. જે લસિકાકોષો વક્ષસ્થગ્રંથિ(thymus)માં વિભેદિત થાય છે, તેમને ‘ટી’ કોષો કહે છે. તેઓ લાંબું જીવે છે, રુધિરાભિસરણમાં જોડાય છે અને લસિકાપિંડો તથા અન્ય પરિઘવર્તી લસિકાભપેશીના વક્ષસ્થગ્રંથિ આધારિત વિસ્તારોમાં સ્થાન પ્રાપ્ત કરે છે. આ ‘ટી’ કોષો અપ્રતિબદ્ધ હોય છે અને તે અનેક પ્રકારની બહારથી આવતી પ્રતિજનકારી (antigenic) ઉત્તેજનાઓમાં સક્રિય થઈને વિષાણુથી ચેપગ્રસ્ત કોષો, કૅન્સરના કોષો, ફૂગ, પ્રતિરોપિત પેશી (tissue graft) વગેરેને મારે છે. આ પ્રક્રિયાને કોષવૈષિક અસર (cytotoxic effect) કહે છે. આ માટે તે મહાભક્ષી કોષો (macrophages), મોટા એકકેન્દ્રી કોષો અથવા મારક કોષો(killer cells)ને સજ્જ કરે છે. તે ‘બી’ લસિકાકોષોને પણ મદદગાર બને છે. આવા ‘ટી’ કોષોને સહાયક (helper) કોષો કહે છે.
પરિઘવર્તી લસિકાભપેશી ધરાવતા અવયવો અને પેશીપિંડિકાઓમાં લસિકાપિંડો (લસિકાગ્રંથિઓ), બરોળ તથા પાચનમાર્ગ અને શ્વસનમાર્ગમાં આવેલી અધિચ્છદીય લસિકાભ પેશીપિંડિકાઓનો સમાવેશ થાય છે. બી અને ટી લસિકાકોષો આ પેશીપિંડિકાઓ અને અવયવોમાં પહોંચીને ત્યાં સંખ્યાવૃદ્ધિ (proliferate) કરે છે તથા પુખ્તતા પામીને સક્ષમકોષો બને છે. પુખ્ત લસિકાકોષો રુધિરાભિસરણમાં પણ જોડાય છે અને લોહી(રુધિર)ના ભાગરૂપ પણ બને છે. લોહીમાં ‘બી’ તથા ‘ટી’ એમ બંને પ્રકારના લસિકાકોષો પરિભ્રમણ કરે છે.
શરીરમાં અનેક સ્થળે લસિકાકોષોના સંગ્રહો છે. તે બધામાં એક મૂળભૂત સંરચના છે. તેને લસિકાપિંડિકા (lymph follicle) કહે છે. તે એક ગોળા આકારનો લસિકાકોષોનો સંગ્રહ છે. તેની મધ્યમાં ફિક્કા રંગનું બીજમય કેન્દ્ર (germinal centre) હોય છે. તેમાં લસિકાકોષો હોય છે. આ કેન્દ્રસ્થ કોષો કદમાં મોટા તથા અભિરંજન વખતે સહેજ ઝાંખા હોય છે. તે ઝડપથી દ્વિભાજન પામે છે.
લસિકાપિંડ (lymphnodes) : તેમને લસિકાગ્રંથિ પણ કહે છે. નાની લસિકાવાહિનીઓ પર નાના પેશી પિંડ રૂપે લસિકાપિંડો આવેલા હોય છે. લસિકાવાહિનીઓમાંનું લસિકાતરલ એક કે વધુ લસિકાપિંડમાંથી પસાર થાય પછી જ મોટી લસિકાવાહિનીઓમાં જાય છે. તે લંબગોળ આકારના તથા 1થી 25 મિમી. લંબાઈવાળા હોય છે. યકૃત પાસે તે છીંકણી રંગના, ફેફસાં પાસે કાળા રંગના અને આંતરડાં પાસે સફેદ રંગની હોય છે. સામાન્ય રીતે જૂથમાં હોય છે. બગલમાં આવેલા તેના જૂથને બાહુકક્ષીય (axillary) જૂથ કહે છે. આંત્રપટમાંના તેના જૂથને આંત્રપટીય (mesenteric), મધ્યવક્ષમાંના જૂથને મધ્યવક્ષીય અને ઊરુપ્રદેશમાંના તેના જૂથને ઊરુપ્રદેશીય કહે છે. ક્યારેક એકાદ છૂટો લસિકાપિંડ પણ હોય છે. ચામડીની નજીકના (સપાટીગત, superficia) પિંડો શિરાઓની આસપાસ અને શરીરમાં ઊંડે આવેલા પિંડો ધમનીઓની આસપાસ હોય છે. દરેક પિંડમાં એક બાજુ એક ખાંચ હોય છે અને તેને તેની પ્રવેશદ્વારિકા (hilum) કહે છે. આ દ્વારિકામાંથી ધમની પ્રવેશે છે અને શિરા બહાર આવે છે. લસિકાપિંડ તરફ લસિકાતરલ લાવતી અભિસારી (afferent) લસિકાવાહિની લસિકાપિંડની કિનારી પરથી પ્રવેશે છે, જ્યારે તેમાંથી લસિકાતરલને બહાર લઈ જતી અપસારી (efferent) લસિકાવાહિની પ્રવેશદ્વારિકામાંથી બહાર આવે છે. લસિકાપિંડની સંરચના નીચે પ્રમાણે હોય છે : (1) તંતુમય અને તનુતંતુમય જાલિકા (fibrous and reticular frame work), (2) લસિકાનલિકાઓ (lymphatic channels) તથા (3) બાહ્યક (cortex).
લસિકાપિંડની બહાર મુખ્યત્વે શ્વેતતંતુઓ અને થોડા સ્થિતિસ્થાપક તંતુઓનું બનેલું આવરણ (સંપુટ) હોય છે. સંપુટ(capsule)ની અંદરની સપાટી પર રેષિકાઓ (traleculae) નીકળે છે, જે લસિકાપિંડમાં આરા રૂપે લંબાય છે. તેની સાથે અતિ ઝીણા તંતુઓ – તનુતંતુ(reticular fibres)ની જાળી જોડાયેલી હોય છે. આ સમગ્ર જાળી લસિકાભપેશીને આધાર આપે છે. સંપુટની નીચે અવસંપુટીય વિવર (subcapsular sinus) નામનું એક સૂક્ષ્મ પોલાણ હોય છે. તે પ્રવેશદ્વારિકા સિવાયના સમગ્ર પિંડમાં સંપુટની નીચે આવેલું હોય છે. બહારથી લસિકાતરલ લાવતી અભિસારી લસિકાવાહિનીઓ તેમાં ખૂલે છે. તેમાંથી અનેક બાહ્યકીય વિવરો (cortical sinuses) બને છે, જે લસિકાપિંડના મધ્યસ્તર (medulla) તરફ જાય છે અને ત્યાં તે એકબીજા સાથે જોડાઈને મોટા મધ્યસ્તરીય વિવરો (medullary sinuses) બનાવે છે. તે મધ્યસ્તરીય વિવરો જોડાઈને લસિકાતરલ બહાર લઈ જતી એક કે બે લસિકાવાહિની બનાવે છે, જે પ્રવેશદ્વારિકાથી બહાર જાય છે. વિવરોની દીવાલ અંતશ્ચછદીય કોષો (endothelial cells) વડે આચ્છાદિત છે, વિવરોમાં થઈને લસિકાકોષો, મહાભક્ષીકોષો તથા અન્ય કોષો બંને દિશામાં ગતિ કરી શકે છે. અવસંપુટીય વિવરની નીચે આવેલા ભાગને બાહ્યક કહે છે. તેમાં લસિકાપિંડિકાઓ (lymphatic follicles) આવેલી છે અને તેમાંથી તંતુમય રેષિકાઓ પસાર થાય છે. મધ્યસ્તર કરતાં બાહ્યક વધુ ઘટ્ટ રીતે કોષોથી ભરેલું હોય છે. તેને 3 વિસ્તારોમાં વહેંચવામાં આવે છે. પ્રથમ વિસ્તારમાં મોકળાશથી ભરાયેલા નાના લસિકાકોષો, મહાભક્ષીકોષો, થોડાક પ્રરસકોષો (plasma cells) હોય છે. આ વિસ્તાર પિંડિકાની કિનારી પર હોય છે અને મધ્યસ્તરની રજ્જુકાઓ(medullary cords)માં લંબાય છે. બીજો વિસ્તાર વધુ ઘટ્ટ રીતે ભરાયેલા નાના લસિકાકોષો અને મહાભક્ષીકોષોનો બનેલો હોય છે. તે પ્રથમ વિસ્તારથી ઊંડાણમાં હોય છે અને બાહ્યક અને બાહ્યકના અંદરના ભાગ–પરાબાહ્યક(paracortex)–માં આવેલો હોય છે. ત્રીજા વિસ્તારમાં બીજમય કેન્દ્ર (germinal centre) હોય છે; જેમાં મોટા લસિકાકોષો અને મહાભક્ષીકોષો હોય છે. લસિકાકોષો જેમ જેમ પુખ્તતા મેળવતા જાય તેમ તેમ તે ત્રીજા વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં અને છેલ્લે પહેલા વિસ્તારમાં પહોંચે છે. બાહ્યકના બહારના ભાગમાં ‘બી’ લસિકાકોષો અને બાહ્યક અંદરનો ભાગ કે જે મધ્યસ્તર તથા બીજમય કેન્દ્રની વચ્ચે આવેલો છે, તેમાં ‘ટી’ લસિકાકોષો હોય છે. તેને પરાબાહ્યક અથવા વક્ષસ્થગ્રંથિ આધારિત વિસ્તાર (thymus dependent zone) પણ કહે છે. પુખ્ત બી કોષો તથા પ્રરસકોષો મધ્યસ્તરમાં હોય છે. બીજમય કેન્દ્રમાં બી, ટી કે અન્ય પ્રકારના કોષો હોય તો તે વિષયક માહિતી અસ્પષ્ટ છે.
લસિકાપિંડના મધ્યભાગને મધ્યસ્તર (medulla) કહે છે. તેમાં આંતરજાલીરૂપ રેષિકાઓ આવેલી હોય છે. તેમની વચ્ચેની જગ્યામાં લસિકાકોષો આવેલા હોય છે, જે શાખાઓવાળી મધ્યસ્તરીય રજ્જુકાઓ (medullary cords) બનાવે છે. તેમની સાથે પ્રરસકોષો અને મહાભક્ષીકોષો પણ હોય છે. પ્રવેશદ્વારિકામાંથી પ્રવેશતી ધમનીની સીધી શાખાઓ રેષિકાઓ દ્વારા ફેલાય છે. બાહ્યકમાં આ ધમનિકાઓની કમાનશાખાઓ અથવા ધનુશાખાઓ (archade) ફેલાય છે. તેમાંથી નીકળતી કેશવાહિનીઓ લસિકાપિંડમાં જાળી બનાવે છે. આ કેશવાહિનીઓમાંથી ફરી લઘુશિરાઓ બને છે, જે જોડાઈને શિરાઓ બનાવે છે, જે પ્રવેશદ્વાર તરફ જાય છે. લસિકાભપિંડિકામાં કેશવાહિનીઓ અને પરાબાહ્યક વિસ્તારમાં લઘુશિરાઓ વધુ પ્રમાણમાં હોય છે.
લસિકાકોષો (lymphocytes) : તેમની રચના, સંખ્યા અને કાર્યો ‘રુધિર’ અંતર્ગત ચર્ચ્યા છે. (જુઓ રુધિર ) લોહીમાંના શ્વેતકોષોના 30 % કોષો લસિકાકોષો હોય છે. આ ઉપરાંત લસિકાકોષો અસ્થિમજ્જા અને લસિકાભપિંડિકાઓમાં આવેલા હોય છે. આમ તે આખા શરીરમાં વ્યાપેલા હોય છે. તેમને કદ પ્રમાણે નાના અને મોટા એમ 2 જૂથમાં વહેંચવામાં આવે છે. નાના લસિકાકોષોમાં ઘટ્ટ કોષકેન્દ્ર, થોડો કોષરસ (cytoplasm) અને અંગિકાઓ હોય છે. તેઓને વિશ્રામ કરતા કોષો (અસક્રિય કોષો) માનવામાં આવે છે. મોટા લસિકાકોષો પણ 2 પ્રકારના હોય છે. તેમાં કેટલાક લસિકાબીજકોષો (lymphoblasts) હોય છે, જે દ્વિભાજિત થઈને લસિકાકોષો બનાવે છે. જ્યારે અન્ય સક્રિય તથા પુખ્ત લસિકાકોષો હોય છે; જે કોઈ પ્રતિજન(antigen)ની હાજરીને કારણે ઉત્તેજિત થયેલા હોય છે. ગર્ભમાં યકૃત, બરોળ અને યોકસેકમાં તેમનું ઉત્પાદન થાય છે. પુખ્ત વયે તે અસ્થિમજ્જામાં બને છે અને વક્ષસ્થગ્રંથિ(thymus)માં કે અસ્થિમજ્જામાં પુખ્તતા પામે છે. તેમને અનુક્રમે ‘ટી’ કે ‘બી’ પ્રકારના લસિકાકોષો કહે છે. લોહીમાં ફરતા લસિકાકોષોમાં 85 % ‘ટી’–કોષો હોય છે. ‘બી’ કોષો પુખ્ત થઈને પ્રરસકોષો (plasma cells) બને છે અને તેઓ રોગપ્રતિકાર માટે અસરકારક પ્રતિદ્રવ્યો (antibodies) તરીકે ઓળખાતાં રસાયણો બનાવે છે. ‘ટી’–કોષો મારક (killer) કોષો તરીકે, અન્ય કોષોના સહાયક (helper) કોષો તરીકે કે તેમના અવદાબક (suppressor) કોષો તરીકે કાર્ય કરીને રોગપ્રતિકારમાં સક્રિય હોય છે. આ ઉપરાંત કેટલાક ‘ટી’કોષો વિલયનકારી પ્રોટીનના અણુઓ બનાવે છે અને તેમની મદદથી રોગ સામે રક્ષણ કરે છે. તેમને કોષવૈષિક ટી-કોષો (cytotoxic T cells) કહે છે. આ ઉપરાંત કેટલાક ટી–કોષો ઇન્ટરલ્યુકિન2 નામનું કોષગતિક (cytokine) બનાવીને મોડેથી થતી અતિપ્રતિગ્રાહ્યતા (hypersensitivity) સર્જે છે. આમ ટી-કોષોના 5 ઉપપ્રકારો છે. લસિકાકોષો પર કેટલાક પ્રતિરક્ષાલક્ષી પ્રોટીનના અણુઓ આવેલા છે. તેઓ કોષપટલ પર કે કોષરસમાં હોય છે. તેમની સામેના પ્રતિદ્રવ્યોની મદદથી તેમને વર્ગીકૃત કરી શકાય છે. આ પ્રોટીનના અણુઓને જૂથ-નામાંકનકારક અણુઓ (cluster designation molecules, CD molecules) કહે છે અને તેમને CD–1, CD–2 જેવી સંજ્ઞાથી દર્શાવાય છે. HIV નામનો ચેપ CD–4 કોષોનો નાશ કરે છે, તેથી CD–4 લસિકાકોષોની સંખ્યા ઘટે છે. CD–4/CD–8નો ગુણોત્તર જાણીને HIVના ચેપની સારવાર કરાય છે.
લસિકાગ્રંથિશોથ અને લસિકાવાહિનીશોથ (lymphadenitis and lymphangitis) : સપાટી પરનો ચેપ લસિકાવાહિનીઓ દ્વારા ફેલાઈને લસિકાગ્રંથિ સુધી પ્રસરે ત્યારે થતો પીડાકારક સોજાનો વિકાર. ચામડી કે શ્લેષ્મકલાની સપાટી પર લાગેલા વિષાણુજ કે જીવાણુજ ચેપ ફેલાઈને સ્થાનિક લસિકાગ્રંથિઓને અસર કરે છે, તેને ‘વેળ ઘાલવી’ કહે છે. ચામડી પર લાગેલા સ્ટ્રેપ્ટોકોકસ કે સ્ટેફાઇલોકોકસ જીવાણુના ચેપ જ્યારે લસિકાવાહિનીઓ દ્વારા ફેલાય છે, ત્યારે લસિકાવાહિનીઓમાં પણ લાલાશ અને પીડા ઉદભવે છે. તેને લસિકાવાહિનીશોથ કહે છે. તે સમયે ઠંડી વાઈને તાવ આવે છે તથા માંદા પડ્યાની લાગણી ઉદભવે છે. લસિકાવાહિનીશોથ હોય તો ચામડી નીચે લાલ રંગની રેખિકાઓ જોવા મળે છે. ચેપના સ્થળે દુખાવો થાય છે અને જો તેમાં પરુ થાય તો લપકારા મારે છે અને વધુ તીવ્રતાથી તાવ આવે છે. લોહીમાં શ્વેતકોષો વધે છે. જે તે પ્રકારના જીવાણુને અનુરૂપ ઍન્ટિબાયૉટિક દવાઓ તથા દુખાવો અને સોજો ઓછો કરવા માટે આઇબુપ્રોફેન કે ડાઇક્લોફેનેક અપાય છે. તેને કારણે તાવ પણ ઘટે છે.
ગોપાલ વસંતલાલ શાહ
શિલીન નં. શુક્લ