લસણવેલ : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bignonia magnifica છે. તેનાં પુષ્પો લસણ જેવી વાસ ધરાવતાં હોવાથી તેનું નામ લસણવેલ પડ્યું છે. તે આરોહી વનસ્પતિ છે. આરોહી પ્રકૃતિને કારણે તેની ઝડપથી વૃદ્ધિ થાય છે. તેનાં પર્ણો સંમુખ ગોઠવાયેલાં, સંયુક્ત અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. પર્ણિકાઓ 7.0 સેમી.થી 8.0 સેમી. લાંબી, લંબગોળ અને સદાહરિત હોય છે. સંમુખ ગોઠવાયેલી બે પર્ણિકાઓની વચ્ચેથી 10 સેમી.થી 12 સેમી. લાંબી સૂત્ર (tendril) જેવી રચના ઉદભવે છે. તેના છેડે આવેલી અગ્ર ત્રણ પર્ણિકાઓ અંકુશમાં જ રૂપાંતર પામી અંકુશ વડે આરોહણ કરે છે. પુષ્પો નાનાં સુંદર ઝૂમખાંઓમાં શિયાળામાં ઉત્પન્ન થાય છે. તેઓ પ્રમાણમાં મોટાં, દ્વિઓષ્ઠી, નિવાપાકારનાં અને ગુલાબી-જાંબલી રંગનાં હોય છે અને ક્રમશ: આછા ગુલાબી રંગનાં બને છે.
સમુદ્રના સમતલથી થોડી ઊંચાઈએ આ વેલ સારી રીતે ફૂલે-ફાલે છે. તેની ખાસ કાળજી રાખવી પડતી નથી. સામાન્ય ખાતર અને પાણીની વ્યવસ્થા પૂરતી હોય છે. પ્રસર્જન કટકારોપણ, દાબ કે ગુટી દ્વારા થાય છે.
આ વેલનો આડશવાળી જગાએ, કમાન ઉપર કે મંડપ ઉપર ચઢાવવામાં ખૂબ ઉપયોગ થાય છે. વેલને મંડપ કે કમાન ઉપર ચઢાવી હોય તો 3થી 4 વર્ષે એક વખત તેનું કૃંતન (prunning) કરવામાં આવે છે. તેથી નવી ફૂટ આવતાં વેલ વધારે આકર્ષક બને છે.
Bignonia venusta (ગોલ્ડન શાવર) લસણવેલને મળતી આવતી બીજી જાતિ છે. તેના પર સુંદર અને આકર્ષક નારંગી રંગનાં પુષ્પો સારાં એવાં ઝૂમખાંઓમાં લાંબો સમય સુધી આવે છે.
બંને પ્રકારની વેલો ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે, છતાં લસણવેલ ગોલ્ડન શાવર જેટલી પ્રચલિત બની નથી. Bignonia gracilis અને અન્ય જાતિઓ પણ શોભન-વનસ્પતિઓ તરીકે જાણીતી છે.
મ. ઝ. શાહ