લશ્કરી ઔદ્યોગિક સંકુલ (ordnance factories) : લશ્કરને લગતી લગભગ બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે ઊભા કરવામાં આવેલા ઔદ્યોગિક એકમોની શૃંખલા. લશ્કરની જરૂરિયાતોમાં શસ્ત્ર-સરંજામ, દારૂગોળા, બખ્તરબંધ ગાડીઓ, તોપો, પ્રાણઘાતક સાધનો, લડાઈના મેદાન પર ઉપયોગમાં લેવાતા તાર (કેબલો), ટૅન્ક, રણગાડી, લશ્કરનાં સાધનોની હેરફેર માટે ઉપયોગમાં લેવાતાં વાહનવ્યવહારનાં સાધનો, સંદેશાવ્યવહારનાં સાધનો, વિવિધ પ્રકારના સુરંગ તથા બૉમ્બ જેવા વિસ્ફોટકો, સૈનિકો માટેના પોશાક, તંબૂઓ, છત્રીધારી સૈનિકો માટેના પૅરાશુટ, ચામડાનાં પગરખાં અને પટ્ટા જેવાં અન્ય સાધનો, તાત્કાલિક લટકતા પુલ બનાવવા માટેનાં સાધનો અને લશ્કરની જરૂરિયાત મુજબનો અન્ય સરસામાન વગેરેનો સમાવેશ થાય છે. એક રીતે કહીએ તો લડાઈના મેદાન પર કે દેશની સરહદ પર જંગ ખેલતા સૈનિકોની સફળતામાં લશ્કરી ઔદ્યોગિક સંકુલનો ફાળો અત્યંત મહત્વનો હોય છે. તેમના પર અને તેમને અસરકારક બનાવતી પાયાની સુવિધાઓ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે, કારણ કે લશ્કરની આવી જરૂરિયાતો સમયસર, પૂરતા પ્રમાણમાં અને સર્વોચ્ચ ગુણવત્તા સાથે પૂરી કરવામાં આવે તો જ દેશની સાર્વભૌમતા અને અખંડિતતાનું રક્ષણ શક્ય બને.
ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં 39 જેટલાં આવાં ઔદ્યોગિક સંકુલો ઊભાં કરવામાં આવ્યાં છે, જેમાંથી કેટલાંક 1947 પહેલાં સ્થાપવામાં આવેલાં. આ સંકુલો લશ્કરની જરૂરિયાતો ઉપરાંત અર્ધલશ્કરી સશસ્ત્ર દળોની જરૂરિયાતો પણ પૂરી કરતાં હોય છે.
તાજેતરનાં વર્ષો દરમિયાન અને વિશેષે કરીને ભારતના કેટલાક પડોશી દેશો સાથેના આપણા રાજકીય સંબંધો વણસ્યા છે ત્યારથી લશ્કરનાં ઔદ્યોગિક સંકુલોની ઉત્પાદનક્ષમતા અને ગુણવત્તા સુધારવાના સઘન પ્રયાસો થઈ રહ્યા છે. લશ્કરી સરંજામની ઘણી ચીજવસ્તુઓની બાબતમાં ભારત હવે સ્વાવલંબી બન્યો છે, જે અસરકારક સંરક્ષણવ્યવસ્થા માટે ઉપકારક ગણાય.
આવાં સંકુલોની પ્રવૃત્તિઓની બાબતમાં ગુપ્તતા જાળવી રાખવા માટે તેમાંનાં કેટલાંક એકમો ભૂગર્ભમાં ઊભાં કરવામાં આવ્યાં છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે