લશ્કરી ઇયળ (army worm)

January, 2004

લશ્કરી ઇયળ (army worm) : જુવાર, મકાઈ, ડાંગર, ઘઉં, શેરડી, શુગર બીટ, કપાસ તેમજ અન્ય ખેતીપાકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરતી બહુભોજી જીવાત. આ જીવાતનો સમાવેશ રોમપક્ષ (lepidoptera) શ્રેણીના Noctuidae કુળમાં કરવામાં આવે છે. શાસ્ત્રીય નામ : Mythimma separata. તેનો ઉપદ્રવ આખા દેશમાં ખરીફ અને શિયાળુ ઋતુમાં મોટા પ્રમાણમાં જણાય છે. સામાન્ય રીતે આ જીવાત જુલાઈથી નવેમ્બર માસ દરમિયાન સક્રિય જીવન પસાર કરે છે. ખાસ કરીને ઑગસ્ટમાં તે પાકને વધુ નુકસાન પહોંચાડે છે. ગુજરાતમાં આ જીવાતનો ઉપદ્રવ સૌપ્રથમ 1978માં પંચમહાલ જિલ્લામાં મકાઈના પાકમાં નોંધવામાં આવ્યો હતો, જેને લીધે કેટલાંક ખેતરોમાં તો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. વિશેષત: મકાઈના પાકમાં સાંઠા અને પાંદડાંની નસો સિવાય કશું જ બચ્યું નહોતું. મકાઈ ઉપરાંત રાગી, કોદરા, બંટી વગેરે તૃણધાન્યોમાં પણ નુકસાન નોંધાયેલ. છેલ્લાં પાંચેક વર્ષથી પંચમહાલ અને દાહોદ જિલ્લાના મકાઈ ઉગાડતા વિસ્તારોમાં દર વર્ષે આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. આ ઇયળનો ઉપદ્રવ મધ્ય ગુજરાતમાં ડાંગરના પાકમાં ઑગસ્ટ–સપ્ટેમ્બર દરમિયાન સવિશેષ હોય છે.

માદા ફૂદી 200થી 300ના જથ્થામાં 600થી 1,100 જેટલાં ઈંડાં પાંદડાં પર મૂકે છે. 5થી 7 દિવસના સેવન બાદ ઈંડાં ઇયળ (maggot) અવસ્થા પ્રાપ્ત કરે છે. ઇયળ નિશાચર હોઈ રાત્રે પાંદડાં ખાઈ પાકને ખૂબ નુકસાન પહોંચાડે છે. પોતાની 15થી 20 દિવસની અવસ્થા દરમિયાન ઇયળ 6 વખત નિર્મોચન કરે છે. પ્રથમ બે અવસ્થાની ઇયળો લીલાશ પડતા રંગની હોવા ઉપરાંત ભૂખરા રંગના પટ્ટા ધારણ કરે છે. ત્રીજી અવસ્થામાં તે 3થી 4 દિવસ ગાળે છે અને 20 મિમી. લાંબી બને છે. તે આગળના ભાગે આછા લીલા રંગની, માથું બદામી રંગનું જ્યારે પાછળના ભાગમાં રંગે પીળી હોય છે. ચોથી અવસ્થામાં તેની લંબાઈ વધીને 25 મિમી. જેટલી બને છે. ચાર દિવસ બાદ તે પાંચમી અવસ્થામાં પ્રવેશે છે. ત્રણ દિવસની આ અવસ્થામાં માથું રંગે ભૂખરું અને બાકીનું શરીર ઘેરું લીલાશ પડતું બને છે. લંબાઈ 30 મિમી.ની બને છે. છેલ્લી અવસ્થામાં ઇયળ કાળો રંગ ધારણ કરી બે દિવસ પસાર કરે છે. કેટલીક ઇયળો સાતમી અવસ્થામાં પણ પ્રવેશ કરતી હોય છે. ત્યારબાદ જમીનની તિરાડમાં, માટીના આવરણમાં અથવા તો પાંદડાંઓની કરચલીમાં ઘૂસીને ઇયળ કોશેટા અવસ્થામાં રૂપાંતર પામે છે.

કોશેટો ભૂખરા રંગનો હોય છે. આ અવસ્થામાં તે 10થી 15 દિવસ સુષુપ્ત અવસ્થામાં રહીને ફૂદા રૂપે ફેરવાય છે. ફૂદાં આછા ભૂરા રંગનાં હોય છે. તેની પાંખો 30થી 40 મિમી. લંબાયેલી જોવા મળે છે.

શરૂઆતની અવસ્થાની ઇયળો ઊભા પાકમાં તથા ધરુવાડિયામાં કુમળાં પાન ખાય છે, જે પાનની કિનારી પાસે કાપીને ધોરી નસ તરફ ખાય છે. ચોથી, પાંચમી અને છઠ્ઠી અવસ્થામાં ઇયળો ખૂબ જ ખાઉધરી થઈ જાય છે, જે ડાંગરનાં આખાં પાન, કંટી તથા સાંઠાના ભાગને રાત્રે કાપી ખાય છે. મકાઈના પાકમાં પાન ઉપરાંત દૂધિયા દાણા અને રેશમના તાંતણા પણ ખાય છે. સામાન્ય રીતે રાત્રે નુકસાન કરી દિવસે ભૂંગળીમાં, થડમાં, જમીનમાં કે ઘાસ નીચે કે કચરામાં ભરાઈ રહે છે. આ જીવાત એક ખેતરમાં નુકસાન કરી બીજા ખેતરમાં સામૂહિક રીતે જાય છે. આથી તેને ‘લશ્કરી ઇયળ’ તરીકે ઓળખવામાં આવે છે. ફૂદાનું આયુષ્ય 4થી 17 દિવસનું હોય છે. જીવાતનો સંપૂર્ણ જીવનક્રમ લગભગ 33થી 45 દિવસમાં પૂરો થતો હોય છે. આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં ઈંડાંનાં સમૂહ વીણી નાશ કરવો આવશ્યક છે. ઇયળો દિવસ દરમિયાન સૂકાં પાંદડાં કે જમીનમાં સંતાઈ રહે છે અને રાત્રે નુકસાન કરે છે. આથી ખેતરમાં થોડા થોડા અંતરે કચરાની ઢગલીઓ મૂકવામાં આવે છે, જેથી દિવસે તેમાં સંતાઈ રહેલી ઇયળો વીણી લઈ નાશ કરી શકાય. જ્યાં શક્ય હોય ત્યાં પ્રકાશપિંજર ગોઠવી ફૂદાંને આકર્ષી નાશ કરી શકાય. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીનાં મીંજનું 5 %નું દ્રાવણ બનાવી છાંટવાથી ઇયળના ખોરાક લેવામાં અવરોધક તરીકે નીવડે છે. વધુ ઉપદ્રવમાં સુમિથિયોન 10 મિલી., મિથાઇલ પેરાથિયોન 10 મિલી., મૉનોક્રોટોફૉસ 10 મિલી., કાર્બારિલ 40 ગ્રામ, ક્લોરપાયરિફૉસ 20 મિલી. અથવા ડાયક્લોરવૉશ 7 મિલી. 10 લિટર પાણીમાં ભેળવી ઉપદ્રવિત પાક બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. મિથાઇલ પેરાથિયોન 2 % ભૂકી અથવા ક્વિનાલફૉસ 1.5 % ભૂકી 2.5 કિગ્રી.\હે. છોડ અને થડની આસપાસ પડે તે રીતે સાંજના સમયે છાંટવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય. પાકની કાપણી બાદ ખેતરમાં ઊંડી ખેડ કરવી અને જડિયાંનો નાશ કરવો જરૂરી છે.

પરબતભાઈ ખી. બોરડ