લવિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા મિરટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Syzygium aromaticum (Linn.); Merrill & Perry syn. Caryophyllus aromaticus Linn.; Eugenia caryophyllata Thunb.; E. aromatica Kuntze (સં., મ., બં., ક., લવંગ; હિં. લોંગ; તે. લવંગા-મુચેટ્ટુ, લવંગામુલુ.; ત. કિરામ્બુ; મલ. કરાયામ્પુ, ક્રામ્બુ; અં. ક્લોવ ટ્રી) છે. તે પિરામિડ કે શંકુ આકારનું 9 મી.થી 12 મી. ઊંચું સદાહરિત વૃક્ષ છે. તેનું થડ આશરે 1૦૦ સેમી.નો ઘેરાવો ધરાવે છે અને ઘણી વાર 1.5 મી.થી 1.8 મી.ની ઊંચાઈએ શાખિત બને છે. તેની છાલ લીસી અને ભૂખરી હોય છે. પર્ણો સંમુખ, ભાલાકાર અને ટોચ ઉપરથી અણીદાર અને 7.5 સેમી.–12.3 સેમી. લાંબાં અને 2.5 સેમી.–3.75 સેમી. પહોળાં હોય છે. તેઓ ટપકાંવાળી ગ્રંથિઓ ધરાવે છે. શાખાઓની ટોચ ઉપર પુષ્પીય કલિકાઓ નાના ગુચ્છમાં ઉત્પન્ન થાય છે. તેઓ શરૂઆતમાં લીલી અને પરિપક્વતાએ ગુલાબી રંગની અને સુગંધિત બને છે. ફળ અષ્ઠિલ પ્રકારનું, માંસલ, ઘેરા ગુલાબી રંગનું, 2.5 સેમી. લાંબું અને 1.5 સેમી. પહોળું હોય છે. બીજ લંબચોરસ, મૃદુ, એક બાજુથી ખાંચવાળું  અને 1.5 સેમી. લાંબું હોય છે.

લવિંગ મલાયા દ્વીપસમૂહના મોલુક્કા જેવા કેટલાક ટાપુઓનું મૂલનિવાસી હોવાનું કહેવાય છે. તેનું મોટા પાયા પર વાવેતર ઝાંઝીબાર, ટાન્ઝાનિયા, ઇંડોનેશિયા, પિનાંગ, માલાગાસી અને નાના પાયા પર સિચિલિસ, મૉરેશિયસ અને શ્રીલંકામાં થાય છે. ભારતમાં તે તામિલનાડુ (નીલગિરિ, કોર્ટેલામ અને કન્યાકુમારી) અને કેરળ(કોટ્ટારકારા, ચેંગાન્નુર, પામ્બાન અને મનીમૈયા નદીઓની ખીણો અને પીદાવૂર અને કોટ્ટાયમ વિસ્તારોના બગીચાઓ)માં ઉગાડવામાં આવે છે.

લવિંગ : (અ) પુષ્પીય શાખા, (આ) પુષ્પ, (ઇ) કલિકાનો ઊભો છેદ.

લવિંગનું વૃક્ષ સમુદ્રના સમતલથી 9૦૦ મી.ની ઊંચાઈ સુધીની બધી પરિસ્થિતિઓમાં સારી રીતે ઊગે છે. તે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં અને વર્ષ દરમિયાન એકસરખો કુલ 15૦ સેમી.થી 3૦૦ સેમી. વરસાદ પડતો હોય તેવા પ્રદેશોમાં થાય છે. જ્યાં લાંબો ગરમ ઉનાળો કે લાંબો ઠંડો શિયાળો હોય તેવા વિસ્તારોમાં લવિંગનાં વૃક્ષ સારી રીતે ઊગી શકતાં નથી. અર્ધ-વન (semi-forest) વિસ્તારની કાળી ગોરાડુ જમીનમાં તેની સૌથી સારી વૃદ્ધિ થાય છે. ઊંડી અને ફળાઉ અને પુષ્કળ પાંસુક (humus) દ્રવ્ય ધરાવતી ગોરાડુ જમીન સૌથી અનુકૂળ છે. કેરળની ખુલ્લી રેતાળ ગોરાડુ અને કંકરિત મૃદા(laterite)વાળી જમીનમાં પણ તેના વૃક્ષનો સારો વિકાસ થાય છે. તેનું વૃક્ષ દલદલ જમીનમાં ટકી શકતું નથી અને સારી નિતારવાળી જમીન તેની વૃદ્ધિ માટે આવશ્યક છે.

લવિંગની ખેતી પૂર્ણ વિકસિત એકસરખાં ગુલાબી છાંટવાળાં અને ઉગાવાની ચોક્કસ ક્ષમતા ધરાવતાં બીજ વાવીને થાય છે. લવિંગનાં બીજ તૈયાર કરવા માટે ફળને વૃક્ષ પર પૂરતાં પાકવા દઈ ફળ ખરી પડ્યા બાદ તે વીણી લઈ સીધાં જ નર્સરીમાં વાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બીજી એક રીતમાં, ઉપરનું કવચ દૂર કરી બીજને પાણીમાં એક રાત પલાળી રાખી વાવવાથી ઉગાવો વધારે સારો મળે છે. જે ફળમાંથી બીજનો વાવણી માટે ઉપયોગ કરવામાં આવે છે તેવા ફળને માતૃફળ કહે છે. ઠંડી આબોહવામાં છાંયડા નીચે બીજ પાથરીને થોડા દિવસ સંગ્રહી શકાય છે, પરંતુ સંગ્રહથી બીજનો ઉગાવો ઘટતો હોવાથી તુરત વાવણી કરવી લાભદાયી છે. ભેટકલમ દ્વારા પણ લવિંગના રોપ તૈયાર કરવામાં આવે છે.

લવિંગના વાવેતર માટે 15 સેમી.થી 2૦ સેમી. ઊંચી અને એક મીટર પહોળી ગાદી-ક્યારીઓ બનાવવામાં આવે છે. ભરભરી જમીનની ક્યારી તૈયાર કરવા રેતીનું પ્રમાણ ઓછું હોય તો ઉપરના ભાગમાં 5 સેમી.થી 8 સેમી.નો રેતીનો થર ઉમેરવામાં આવે છે. બીજને નદીના રેતાળ પટમાં પણ સીધાં વાવી શકાય છે, પરંતુ વરસાદી પાણીને લીધે બીજ ઊંડાં ઊતરી ન જાય તેની કાળજી રાખવી પડે છે. બીજને 2 સેમી.ના અંતરે વાવવામાં આવે છે. વાવણી કરેલા વિસ્તારમાં સીધો સૂર્યપ્રકાશ હિતાવહ નથી. વાવણી પછી ઉગાવો 1૦થી 15 દિવસે શરૂ થઈ 4૦ દિવસ સુધી લંબાય છે. ઊગેલા રોપની માટી, રેત અને છાણિયું ખાતર 3 : 3 : 1ના પ્રમાણમાં ધરાવતી પ્લાસ્ટિકની કોથળી(3૦ સેમી. × 15 સેમી.)માં ફેરરોપણી કરવામાં આવે છે. એક વર્ષ પછી છોડ મુખ્ય ખેતરમાં રોપવા માટે તૈયાર થાય છે. નર્સરીમાં યોગ્ય સમયાંતરે પિયત આપતા રહી ક્રિકેટ-જીવાતના નુકસાનને રોકવા 5 % બી.એચ.સી. પાઉડરનો છંટકાવ કરવામાં આવે છે.

લવિંગના છોડને મુખ્ય ખેતરમાં રોપવા માટે 75 સેમી. × 75 સેમી. × 75 સેમી.ના ખાડા 6 મી.થી 7 મી.ના અંતરે કરી તેમાં છાણિયું ખાતર, લીલાં પાન અને કમ્પોસ્ટ ખાતર નાખી ઉપર માટી પાથરી દેવામાં આવે છે. છોડની ફેરરોપણી ચોમાસું બેસતાં જૂન–જુલાઈમાં કરવામાં આવે છે. નીચાણવાળા વિસ્તારોમાં કે જ્યાં પાણી ભરાય તેવી શક્યતાઓ રહેલી હોય ત્યાં ચોમાસું ઊતરતાં સપ્ટેમ્બર–ઑક્ટોબરમાં વાવણી કરવામાં આવે છે. લવિંગના છોડને છાંયો અનુકૂળ હોવાથી મિશ્ર પાક તરીકે જૂની નાળિયેરી, સોપારીનાં ઝાડ કે કૉફીના બગીચામાં તેનું વાવેતર કરવામાં આવે છે. આંતરપાક તરીકે લવિંગના પાક સાથે કેળ, ફણસ અને નાળિયેરી પણ લઈ શકાય છે.

લવિંગના વૃક્ષની ફરતે ખાડો કરી વર્ષમાં એક વાર ચોમાસું બેસતા પહેલાં 15 વર્ષ સુધી પ્રત્યેક વૃક્ષને 5૦ કિગ્રા. છાણિયા ખાતર સાથે રાસાયણિક ખાતર 2૦-18-5૦ ગ્રા. નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ અનુક્રમે આપવામાં આવે છે. પૂર્ણ વિકસિત અને 15 વર્ષથી મોટા વૃક્ષને 3૦૦-25૦-75૦ ગ્રા. નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ પ્રતિવર્ષ અનુક્રમે બે સરખા ભાગમાં મે–જૂન અને સપ્ટેમ્બર–ઑક્ટોબર દરમિયાન અપાય છે. છોડની ફરતે 1.૦ મી.થી 1.5 મી.ના અંતરે ખાતર આપી ખામણાં નીંદામણ-મુક્ત રાખવામાં આવે છે અને જરૂરિયાત મુજબ પિયત આપવામાં આવે છે.

ભારતમાં લવિંગનું વૃક્ષ ગંભીર રોગો કે જીવાતથી મુક્ત છે. ત્રણ વર્ષની ઉંમરના તરુણ છોડને ગ્રીવાનો સડો (collar rot) ફૂગના ચેપને લઈને થાય છે અને કેટલાક વિસ્તારોમાં રોપેલા રોપમાં 9૦ % જેટલું નુકસાન પહોંચાડે છે. આ રોગને નિયંત્રિત કરવા બોર્ડો-મિશ્રણ કે સલ્ફરચૂર્ણનો છંટકાવ કરવામાં આવે છે.

મલાયામાં, Cephaleurus mycoidea Karst. દ્વારા વૃક્ષને પાનનો રોગ લાગુ પડે છે, જેથી કુમળાં પાન ખરી પડે છે. રોગની ઓછી તીવ્રતાએ બોર્ડો-મિશ્રણ દ્વારા રોગનિયંત્રણ થઈ શકે છે. ઝાંઝીબારમાં અચાનક મોત (sudden death) કે મૂર્છા (apoplexy)નો મૂળને થતો ગંભીર રોગ Valsa eugeniae Nutman & Roberts નામની ફૂગ સાથે સંકળાયેલો છે. સુકારાનાં ચિહ્નો જણાતાં તુરત જ રોગગ્રસ્ત વૃક્ષને કાપી નાખવામાં આવે છે. તેના મુખ્ય થડ અને મૂળને બાળી નંખાય છે. રોગિષ્ઠ વૃક્ષની ફરતે 75 સેમી. પહોળો ખાડો કરી અલગ કરવામાં આવે છે. જમીનને ચૂનો આપી સજ્જ કરવામાં આવે છે. પશ્ર્ચ-ક્ષય(die-back)નો રોગ Cryptosporella eugeniae Nutman & Roberts નામની ફૂગ દ્વારા શાખાઓને થાય છે. આ રોગ બેકાળજીથી શાખાઓ તોડતાં થાય છે.

કૉકચેફર (cockchafer) ભમરાની એક જાતિ કેટલાક વિસ્તારોમાં તરુણ છોડનાં કુમળાં પાન ખાઈ જઈ નુકસાન પહોંચાડે છે. ગૅમેક્સિનનો છંટકાવ આ જીવાતની સામે અસરકારક છે. વેધક કીટકો (borers) જૂનાં વૃક્ષોના કાષ્ઠ નીચે દટાઈ રહીને કાષ્ઠને મૃદુ અને વાદળીસદૃશ બનાવે છે. Nothopeus fasciatipennisની ઇયળો મૃત કાષ્ઠને અને Paralecta antistolaની ઇયળો પ્રરોહો અને થડને કોરી ખાય છે. ઇતરડીઓ, લાલ કીડીઓ, વૃક્ષના કરોળિયા અને શલ્ક-કીટકો પણ વૃક્ષને નુકસાન પહોંચાડે છે. વનસ્પતિ-સંરક્ષણના સામાન્ય ઉપાયો યોજીને તેમના જોખમથી લવિંગના વૃક્ષને બચાવી શકાય છે.

લવિંગનું વૃક્ષ રોપણી પછી ચાર વર્ષ બાદ ફળ આપવાની શરૂઆત કરે છે; પરંતુ આર્થિક રીતે પૂરતું ઉત્પાદન 15 વર્ષ પછીથી શરૂ થાય છે અને 6૦ વર્ષ સુધી તે લવિંગ આપે છે. લવિંગનાં ફળ સપ્ટેમ્બર-ઑક્ટોબર અને ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં બે વાર આવે છે. પરિપક્વ ગુલાબી રંગનાં ફળ લવિંગના વાવેતર માટે ઉતારવામાં આવે છે. તેમને માતૃફળ કહે છે.

પુષ્પ 2 સેમી. કરતાં ઓછી લંબાઈનાં હોય છે. પુષ્પ ખીલી ગયા પછી તે મરી-મસાલા તરીકે ઉપયોગી નથી. લવિંગનું વધારે આર્થિક ઉત્પાદન લેવા વૃક્ષ ઉપર બીજ-ઉત્પાદન માટે માતૃફળ બનવા દેવામાં આવતાં નથી. લવિંગનાં પુષ્પોનાં ઝૂમખાંઓને, ડાળીઓને નુકસાન ન થાય તે રીતે ઉતારી, કલિકાઓને છૂટી પાડી ઢાળિયામાં કે વૃક્ષ નીચે છાંયડામાં સૂકવવામાં આવે છે. કલિકા સુકાતાં દાંડી બદામી રંગની અને પુષ્પ આછા બદામી રંગનાં થાય ત્યારે એકત્રિત કરી લેવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલાં લવિંગ બજારમાં વેચાય છે. સામાન્યત: વૃક્ષ પરથી ઉતારેલી તાજી પુષ્પકલિકાનું વજન સુકવણી બાદ ત્રીજા ભાગનું થઈ જાય છે.

સૂકાં લવિંગના ઉત્પાદનનો આધાર વૃક્ષની ઉંમર, કદ, સ્વરૂપ અને સ્થિતિ પર છે. તેનું ઉત્પાદન 2.5 કિગ્રા.થી 4.5 કિગ્રા. વૃક્ષદીઠ પ્રતિવર્ષ થાય છે. તામિલનાડુમાં સરેરાશ વાર્ષિક ઉત્પાદન 3.6 કિગ્રા. પ્રતિવૃક્ષ મળે છે. સારા વર્ષમાં આ ઉત્પાદન 6.8 કિગ્રા. પ્રતિવૃક્ષ થઈ શકે છે.

દેખાવ અને અશુદ્ધિઓના જથ્થાને આધારે લવિંગના વર્ગો (grades) પાડવામાં આવે છે. પિનાંગ અને એમ્બૉઇનના લવિંગ ઝાંઝીબાર અને માલાગાસીના કરતાં ચઢિયાતી કક્ષાનાં ગણાય છે. ઝાંઝીબારનાં લવિંગોના ચાર વર્ગો આપવામાં આવ્યા છે : (1) વિશિષ્ટ, (2) વર્ગ 1, (3) વર્ગ 2 અને (4) વર્ગ 3 (સારણી 1).

સારણી 1 : ઝાંઝીબારના લવિંગના વર્ગો

વર્ગ વિદેશી દ્રવ્ય % ખોકર % ભેજ %
વિશિષ્ટ 3 2 16
વર્ગ 1 5 3 16
વર્ગ 2 5 7 16
વર્ગ 3 5 2૦ 16

(વિદેશી દ્રવ્યમાં શાખાઓ, માતૃફળો, વિદેશી અને હલકાં દ્રવ્યનો સમાવેશ થાય છે. ખોકર નીચલી ગુણવત્તા ધરાવતાં લવિંગ છે.)

ઔષધનિર્માણ માટે જરૂરી લવિંગની ગુણવત્તા આ પ્રમાણે છે : વિદેશી કાર્બનિક દ્રવ્ય 1 %, દંડો 5 %, ભસ્મ 7 %, ઍસિડ-અદ્રાવ્ય ભસ્મ  ૦.75 % અને બાષ્પશીલ તેલ  15.૦ %.

લવિંગનું કેટલીક વાર માતૃફળો, પ્રકાંડ, નિષ્કાસિત (exhausted) લવિંગ, ચીમળાયેલાં લવિંગ, તૂટી ગયેલા પુષ્પ અને પુંકેસરના ભાગો, ચરબીયુક્ત નીપજો અને ધાન્યના સ્ટાર્ચ સાથે અપમિશ્રણ કરવામાં આવે છે.

સૂકાં લવિંગનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 25.2 %, પ્રોટીન 5.2 %, લિપિડ 8.9 %, રેસો 9.5 %, અન્ય કાર્બોદિતો 46.૦ %, ખનિજ-દ્રવ્ય 5.2 %, કૅલ્શિયમ 74૦ મિગ્રા., ફૉસ્ફરસ 1૦૦ મિગ્રા., લોહ 4.9 મિગ્રા. અને આયોડિન 5૦.7 માઇક્રોગ્રામ/1૦૦ ગ્રા.. લવિંગમાં પ્રજીવકોનું વિશ્લેષણ આ પ્રમાણે છે : કૅરોટિન 253 માઇક્રોગ્રામ, થાયેમિન ૦.૦8 મિગ્રા., રાઇબોફ્લેવિન ૦.13 મિગ્રા., નિકોટિનિક ઍસિડ 1.51 મિગ્રા./1૦૦ ગ્રા.. લવિંગમાં 13 % જેટલું ટૅનિન (ગૅલોટૅનિક ઍસિડ) હોય છે.

લવિંગની કલિકાઓમાંથી બાષ્પનિસ્યંદન દ્વારા 14 %થી 23 % જેટલું (લવિંગનું) તેલ મળે છે. તે રંગહીન કે આછા પીળા રંગનું અને લવિંગની વિશિષ્ટ સુગંધી અને સ્વાદવાળું હોય છે. સમય જતાં કે ખુલ્લું રહેતાં તે રતાશ પડતું બદામી બને છે. તેલનું ઉત્પાદન અને ગુણધર્મો લવિંગનાં ઉદભવ અને ગુણવત્તા ઉપર અને નિસ્યંદનની પદ્ધતિ ઉપર આધાર રાખે છે. આખી કળીઓથી મેળવેલી નીપજમાં યુજેનૉલ (C1૦H12O2) લગભગ 97 % જેટલો હોય છે. જલ-નિસ્યંદનથી બાષ્પ-નિસ્યંદન કરતાં વધારે સારી ગુણવત્તાવાળું અને ઓછું વિશિષ્ટ ગુરુત્વ ધરાવતું (યુજેનૉલ, 85 % – 89 %) તેલ પ્રાપ્ત થાય છે. લવિંગની કળીઓના તેલમાં મુક્ત યુજેનૉલ (7૦ % – 9૦ %), યુજેનૉલ એસિટેટ (2 %  17 %) અને કેયૉફાઇલિન (C1૦H16O4; મુખ્યત્વે b-સ્વરૂપ) મુખ્ય ઘટકો છે. અન્ય ઘટકોમાં સૌથી અગત્યનો ઘટક મિથાઇલ-એન-એમાઇલ કીટોન છે. તેના લીધે તાજી અને ફળ જેવી સુગંધી હોય છે. આ ઉપરાંત, તેલમાં અત્યંત અલ્પ પ્રમાણમાં મિથાઇલસેલિસિલેટ, મિથાઇલ બેન્ઝોએટ, મિથાઇલ આલ્કોહૉલ, બેન્ઝાઇલ આલ્કોહૉલ, ફરફ્યુરાઇલ આલ્કોહૉલ, ફરફ્યુરલ, a મિથાઇલ ફરફ્યુરલ, ડાઇ-મિથાઇલ, ફરફ્યુરલ, મિથાઇલ-એન-હેપ્ટાઇલ કીટોન, મિથાઇલ-એન-એમાઇલ કાર્બિનૉલ, મિથાઇલ-એન-હેપ્ટાઇલ કાર્બિનૉલ અને વેનિલિન હોય છે. કળીઓના દ્રાવક નિષ્કર્ષણ દ્વારા મેળવેલા તેલમાં કેર્યોફાઇલિન હોતું નથી, અથવા અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે; તેમાં એપૉક્સિ-ડાઇ-હાઇડ્રોકેર્યોફાઇલિન (C15H22O) હોય છે.

પુષ્પદંડોમાંથી 5.5 %થી 7.૦ % બાષ્પશીલ તેલ મળે છે. લવિંગની કળીઓના તેલ કરતાં પુષ્પદંડના તેલની સુગંધી ઓછી સારી હોય છે. લવિંગના પર્ણનું તેલ પર્ણોના બાષ્પ-નિસ્યંદન દ્વારા મેળવવામાં આવે છે. આ ઉત્પાદન લગભગ 4 %થી 5 % જેટલું કે તેથી ઓછું હોય છે.

લવિંગનો મસાલા તરીકે અને પદાર્થો સુગંધિત કરવા માટે મોટે પાયે ઉપયોગ થાય છે. તે ખોરાકને ઉષ્ણ ગુણધર્મ આપે છે અને ડુક્કરની જાંઘ, ભૂંજેલું માંસ, અથાણાં, કૅચઅપ, સૉસ અને પરિરક્ષિત ખોરાકને સુગંધિત કરવા; મસાલેદાર માંસની વાનગીઓના પરિપક્વન (seasoning) માટે; પૂરીઓ, ખીર, કૅન્ડી વગેરેને તીખાશ આપવા અને સુગંધિત કરવા માટે વપરાય છે. મસાલેદાર દારૂ, ચૂસવાની સોપારી અને તમાકુની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. ઇંડોનેશિયામાં ‘કૅરેટેક’ નામની વિશિષ્ટ પ્રકારની સિગારેટ બનાવવામાં તે ઉપયોગી છે. આ સિગારેટ બળે છે ત્યારે ‘ફટ ફટ’ અવાજ આવે છે.

સારણી 2 : લવિંગની કળી, પુષ્પદંડ અને પર્ણોના બાષ્પશીલ તેલની તુલના

લવિંગની કળીનું તેલ પુષ્પદંડોનું તેલ લવિંગના પર્ણનું તેલ
આખી કળી કચડેલી કળી
વિશિષ્ટ ગુરુત્વ 1.૦811 1.૦8૦૦ 1.૦69 1.૦535
યુજેનૉલ % 97 % 94 % 95 % 9૦ %
7૦ % આલ્કો- હૉલમાં દ્રાવ્યતા બે કદમાં દ્રાવ્ય બે કદમાં દ્રાવ્ય એક કે તેથી વધારે કદમાં દ્રાવ્ય એક કે તેથી વધારે કદમાં દ્રાવ્ય
તેલનું ઉત્પાદન (%) 16 17 6 % 4.5 %

લવિંગનું તેલ અત્યંત સુગંધિત હોવાથી તેનો ઉપયોગ પણ માંસ, ભૂંજેલો ખોરાક, મીઠાઈ, કૅન્ડી, સૉસ અને અથાણાં જેવી ખોરાકની નીપજો અને આથવેલાં પીણાં સુગંધિત કરવામાં થાય છે. તે દાંતની દવા, કોગળા કરવાની દવા અને ચૂઇંગ ગમના એક ઘટક તરીકે પણ ઉપયોગી છે. તેનો સાબુ અને હાથ-મોં ધોવાનાં પ્રવાહીને સુગંધિત કરવા, અત્તર-ઉદ્યોગમાં અને પેશીવિદ્યાકીય કાર્યમાં સ્વચ્છક (clearing agent) તરીકે ઉપયોગ થાય છે.

તેલ Vibrio cholerae સામે 1 : 2૦૦૦ની સાંદ્રતાએ જીવાણુનાશક અસર કરે છે. તે ગાર્ટનર બેસિલસ અને સ્વાઇન Erysipelas બૅક્ટેરિયાની સામે અસરકારક છે. તે Brucella, Mycobacterium, Trichophyton, Achorion અને Epidermophytonની વૃદ્ધિને અવરોધે છે. ખાદ્ય ચરબી અને તેલમાં આ તેલ ઉમેરતાં ઉપચાયક (oxidative) ખટાશ સામે તે પરિરક્ષિત થાય છે.

આયુર્વેદ અનુસાર લવિંગ લઘુ, કડવું, ચક્ષુષ્ય, રુચિકર, તીક્ષ્ણ, પાકકાળે મધુર, ઉષ્ણ, પાચક, અગ્નિદીપક, સ્નિગ્ધ, હૃદ્ય, વૃષ્ય અને વિશદ છે અને વાયુ, પિત્ત, કફ, આમ, ક્ષય, ઉધરસ, શૂળ, આનાહવાયુ, શ્વાસ, ઊંચકી, વાંતિ, વિષ, ક્ષતક્ષય, ક્ષય, તૃષ્ણા, પીનસ, રક્તદોષ અને આધ્માનવાયુનો નાશ કરે છે. તેનો શરદી, મૂર્છા અને વાયુના ઝટકાં પર, રતાંધળાપણું, કફ અને ઉધરસ અને દાંતના દુખાવા પર તેમજ અગ્નિમાંદ્ય, અજીર્ણ અને વિષૂચિકા (કૉલેરા) પર ઉપયોગ થાય છે. ઉધરસ ઉપર લવંગાદિ વટી આપવામાં આવે છે. કાસાદિક ઉપર લવંગાદિ ચૂર્ણ આપતાં પ્રબળ ઉધરસ, જ્વર, અરુચિ, મેહ, ગુલ્મ, શ્વાસ, અગ્નિમાંદ્ય અને સંગ્રહણીનો નાશ થાય છે. વિષૂચિકામાં તરસ અને બકારી માટે લવિંગ અને જાયફળ કે નાગરમોથનું પાણી તપાવી ઠંડું કરી પાવામાં આવે છે. લવિંગનું તેલ સંધિવાના દુખાવામાં અને શિરોવ્યથામાં બહારથી લગાડવામાં આવે છે. લવિંગના સેવનથી ભૂખ લાગે છે. તે લોહીમાં શ્વેતકણોની સંખ્યામાં વધારો કરી રોગ સામે પ્રતિકાર કરવાની શક્તિ આપે છે. તેનો ઉપયોગ ત્રિદોષ, સંનિપાત પર પણ થાય છે. તે મૂત્રનિર્માણક છે. દાંતનાં પોલાણો પૂરવા માટે ઝિંક ઑક્સાઇડ અને લવિંગના તેલના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

સુરેશ યશરાજભાઈ પટેલ

ભાલચન્દ્ર હાથી

બળદેવભાઈ પટેલ