લવાણિયા, જગદીશપ્રસાદ (જ. 1૦ જુલાઈ 1945, છૈન્છઉ, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ) : વ્રજભાષા અને હિંદીના લેખક. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી અને પંજાબીમાં ડિપ્લોમા મેળવ્યો. હાથરસ ખાતે તેમણે સી.એલ.આર.એન. કૉલેજમાં અધ્યાપન-કાર્ય કર્યું. તેમણે વ્રજકલા કેન્દ્ર, હાથરસના જનરલ સેક્રેટરી તરીકે કામગીરી કરી. ‘અમર વિજેતા’ના તેઓ સંયુક્ત સંપાદક રહ્યા હતા.
તેમણે 5 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ભારતીય પોલીસ સંગઠન એવમ્ પ્રશિક્ષણ’ (1988), ‘ભારતીય પોલીસ : એક સર્વેક્ષણ’ (199૦), ‘ભારતીય પોલીસ : અતીત એવમ્ સાંપ્રત સમાજ’ (1992) તેમની હાસ્યકૃતિઓ છે. ‘વ્રજરાજ’ (199૦) અને ‘વ્રજબાંસુરી’ (1992) તેમના વ્રજભાષામાં જાણીતા કાવ્યસંગ્રહો છે.
આ માટે તેમને 1994માં પંડિત ગોવિંદ વલ્લભ પંત ઍવૉર્ડ અને ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન દ્વારા શ્રીધર પાઠક ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા.
બળદેવભાઈ કનીજિયા