લર્નર, એ. પી. (જ. 19૦5; અ. 1982) : મુક્ત વ્યાપાર અને સમાજવાદી – આ બે અતિરેકી વિચારસરણીઓ વચ્ચેનો મધ્યમમાર્ગ (golden mean) શોધવાનો પ્રયાસ કરનાર સમાજવાદી ચિંતક. આખું નામ અબ્બા પટાચ્યા લર્નર. તેમનો જન્મ રૂમાનિયામાં થયો હતો અને બાલ્યાવસ્થામાં જ તેમણે માતા-પિતા સાથે ઇંગ્લૅન્ડમાં કાયમી વસવાટ માટે સ્થળાંતર કર્યું હતું. 1929માં લંડન સ્કૂલ ઑવ્ ઈકોનૉમિક્સના રાત્રીવર્ગોમાં અર્થશાસ્ત્રના અભ્યાસ માટે દાખલ થતા પહેલાં તેમણે ઘણા વ્યવસાયોમાં દરજીકામ, હિબ્રૂ ભાષાના શિક્ષક, છાપકામ વગેરેમાં નસીબ અજમાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાંથી એક પણ વ્યવસાયમાં તેઓ સફળ થયા ન હતા. લંડન સ્કૂલમાં દાખલ થવાનો તેમનો ઉદ્દેશ સાવ અંગત હતો. તે પોતે શરૂઆતની કારકિર્દી દરમિયાન એક પણ વ્યવસાયમાં સફળ કેમ થયા નહિ તે જાણવા ઉત્સુક હતા. સ્નાતક કક્ષાનો અભ્યાસ કરતા હતા તે દરમિયાન અર્થશાસ્ત્રને લગતા તેમણે લખેલા કેટલાક નિબંધો તેમની તર્કશુદ્ધ રજૂઆત માટે ખૂબ પ્રશંસા અને ખ્યાતિ પામ્યા હતા. 1936માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાં તેઓ મદદનીશ વ્યાખ્યાતા તરીકે જોડાયા હતા અને ત્યારબાદ 1937થી તેમણે અમેરિકાની ઘણી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં અર્થશાસ્ત્ર વિષયનું અધ્યાપનકાર્ય કર્યું હતું, જેમાં કોલંબિયા, વર્જિનિયા, કૅન્સાસ સિટી, ઍમ્હર્સ્ટ, જૉન હૉપકિન્સ, મિશિગન, કૅલિફૉર્નિયા અને બર્કલી યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.
તેમનો સૌપ્રથમ નિબંધ 1934માં પ્રસિદ્ધ થયો હતો, જે આંતરરાષ્ટ્રીય વ્યાપારના સૈદ્ધાંતિક પાસાને લગતો હતો. તેની રજૂઆત દરમિયાન લર્નરે કેટલાક વિશિષ્ટ પ્રકારના આલેખોનો ઉપયોગ કર્યો હતો. તે પૂર્વે ચીજવસ્તુઓના મુક્ત વ્યાપારને કારણે હેરફેર દરમિયાન ઉત્પાદનનાં સાધનોની કિંમત એકસરખી કે સમાન થવાનું વલણ કેમ ધરાવે છે તેનું વિશ્લેષણ કરતો એક નિબંધ તેમણે તૈયાર કર્યો હતો, પરંતુ તે અપ્રકાશિત રહ્યો હતો. ‘ધ કનસેપ્ટ ઑવ્ મોનૉપોલી ઍન્ડ ધ મેઝરમેન્ટ ઑવ્ મોનૉપોલી પાવર’ શીર્ષક હેઠળના તેમના 1935માં લખાયેલા લેખ દ્વારા તેમણે P = MC એટલે કે વસ્તુની કિંમત સીમાવર્તી ખર્ચ બરાબર કેમ થવી જોઈએ તે સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સૈદ્ધાંતિક બાબત પ્રસ્થાપિત કરનાર તેઓ સૌપ્રથમ અર્થશાસ્ત્રી હતા.
‘કાર્યસાધક નાણાવ્યવસ્થા’ને લગતી તેમણે રજૂ કરેલ વિભાવના(functional finance)ને લર્નરનું અર્થશાસ્ત્રમાં સૌથી મહત્વનું પ્રદાન ગણવામાં આવે છે. આ વિભાવના દ્વારા તેમણે એવું પ્રતિપાદન કર્યું હતું કે જે સરકારો કુલ માંગમાં વધારો કરી રોજગારીના નિર્માણને પ્રોત્સાહિત કરવા માગતી હોય અને જેમનું અંદાજપત્ર સમતુલામાં હોય તે સરકારોએ જાહેર ખર્ચમાં વધારો કરી ખાધપૂરક નાણાનીતિ અખત્યાર કરવી જોઈએ અથવા વિકલ્પે કરવેરામાં ઘટાડા કરવા જોઈએ. એનાથી ઊલટું, જે સરકારો કુલ માંગમાં ઘટાડો કરવા માગતી હોય તે સરકારોએ અંદાજપત્ર સમતોલ હોવાની સ્થિતિમાં જાહેર ખર્ચમાં ઘટાડો કરવો જોઈએ અથવા કરવેરામાં વધારો કરવો જોઈએ, જેથી અધિશેષ (surplus) અંદાજપત્રની સ્થિતિ હાંસલ કરી શકાય. જે. એમ. કેઇન્સ(1883–1946)ના અર્થશાસ્ત્રમાં આ તારણો સ્પષ્ટ અને અસંદિગ્ધ રીતે રજૂ થયેલાં ન હતાં. તેના પર પ્રકાશ પાડવાનો વિચક્ષણ પ્રયાસ લર્નરને ફાળે જાય છે.
લર્નર અવસાનના દિવસ સુધી આર્થિક વિશ્લેષણની કામગીરીમાં રોકાયેલા રહ્યા હતા. 198૦માં ‘ઓપેક’ (OPEC) પરના લેખમાં તેમણે સૂચવ્યું હતું કે વિશ્વના જે દેશો ‘ઓપેક’ પાસેથી પેટ્રોલ ખરીદે છે તેમણે સામૂહિક રીતે તે સંસ્થામાં દાખલ થઈ તેના પર પોતાનું વર્ચસ્ દાખલ કરવું જોઈએ, જેથી તેની ઇજારાશાહી સામે પડકાર ફેંકી શકાય, જોકે તેમનાં આ અંગેનાં સૂચનોનો અમલ થયો ન હતો.
મુક્ત બજારવ્યવસ્થામાં તેમને દૃઢ શ્રદ્ધા હતી. તેમણે રાજ્ય દ્વારા થતા લઘુતમ વેતનનિર્ધારણનો અને કિંમતોના નિર્ધારણનો સખત વિરોધ કર્યો હતો. વિશ્લેષણાત્મક કાબેલિયત અને તર્કશુદ્ધ રજૂઆતોની બાબતમાં તેઓ ખૂબ ઊંચી ગુણવત્તા ધરાવતા હતા.
તેમણે લખેલ ગ્રંથ ‘ઇકોનૉમિક્સ ઑવ્ કન્ટ્રોલ’ જાણીતો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે