લદો, ક્લાઉદે નિકોલસ (જ. 1736; અ. 18૦6) : ફ્રાન્સના સ્થપતિ. તેમણે લુઈ 15માના ફૅશનેબલ સ્થપતિ તરીકે કારકિર્દીની શરૂઆત કરી. માદામ દુ બેરિએ તેમને પ્રોત્સાહન આપ્યું. તેમણે ફ્રાન્સમાં નવ્યપ્રશિષ્ટતાવાદને વિકસાવ્યો. તેમના સમકાલીનોમાં માત્ર બુલિ જ તેની કલ્પના અને મૌલિકતાની દૃષ્ટિએ સમકક્ષ હતો, પરંતુ બુલિની ડિઝાઇનો માત્ર કાગળ પર જ રહી. અતિશય ભૌમિતિક સાદાઈનો અનાદર હોવા છતાં એ બંનેનું વિકસિત કામ અમૂર્ત નહિ, પરંતુ રજૂઆતપૂર્ણ હતું. સ્થાપત્યના પ્રથમ અધ્યાપક જે. એફ. બ્લૉન્ડેલ નીચે પૅરિસમાં લદો ક્લાઉદે ઈકોલ દર બિએક્સ-આટર્સમાં અભ્યાસ કર્યો. તેમણે એલ. એફ. ટ્રાઉર્ડ પાસે પણ શિક્ષણ મેળવ્યું હતું. ઇટાલીનું શિષ્ટ સ્થાપત્ય જોવા તેઓ ક્યારેય ત્યાં ગયા ન હતા. છતાં ત્યાંના સ્થાપત્યની ઘણી અસર તેમની કૃતિઓ પર પડી હતી. તેમની પ્રથમ ઇમારતો આ પ્રમાણે હતી : હોટલ દી હૉલ વિલ, પૅરિસ (1766), ધ શેટો દી – બેનો વિલે (177૦–77) અને હોટલ દ મૉન્ટ મોરેન્સિ પૅરિસ (177૦–72). આમાંની છેલ્લી ઇમારતમાં વર્તુળાકાર અને લંબગોળાકાર ઓરડાઓના પ્રકોણીય ધરી(diagonal axis)ના આયોજનમાં તેમની મૌલિકતાનાં દર્શન થાય છે.
1771માં તેમણે માદામ દુ બેરી માટે કામ કરવાનું શરૂ કર્યું. તેના બીજા વર્ષે પેવેલિયન દ લુવે-સિયનેસનું કામ પૂરું કર્યું. ફ્રાન્સના ઇતિહાસમાં આ ઇમારત નોંધપાત્ર છે. આ આખીયે ઇમારત નવ્યપ્રશિષ્ટતાવાદ (neoclassical) શૈલી અનુસાર સુશોભિત અને પૂર્ણ કરવામાં આવી હતી. અંદરની બાજુએ શાસ્ત્રીય અર્ધશિલ્પોભાસ્કર્યો(bas-relief)નાં અલંકરણ છે. 1776માં તેમણે પૅરિસ મુકામે હોટલ થેલુસન(હાલ નાશ પામી છે)નું કામ શરૂ કર્યું. ઉદ્યાનમાં ગોઠવેલી ભવ્ય કમાનમાં થઈને હોટલમાં જઈ શકાય તેવું સુંદર આયોજન તેમાં જોવા મળે છે. ઇંગ્લિશ લૅન્ડસ્કેપની પદ્ધતિએ આ આયોજન કરવામાં આવ્યું છે. 1992માં પૅરિસમાં પશ્ચિમ ભારતના મુસ્લિમ સુલતાન માટે 15 ઇમારતોનો સમૂહ આ પદ્ધતિએ જ બાંધ્યો હતો, જે હાલ નાશ પામ્યો છે.
1773માં તેઓ ઍકેડેમિશિયન અને આર્કિટેક્ચર દુ રોઈ બન્યા, ત્યારથી તેમની વધુ વિકસિત અને મૌલિક કૃતિઓ જોવા મળે છે. બિસન્કોન ખાતેનું ભવ્ય થિયેટર એ તેમનું સૌથી મહાન કાર્ય છે. તેનું બાંધકામ 1775–84 દરમિયાન થયું હતું અને 1957માં તે આગને કારણે નાશ પામ્યું હતું. આર્કેટસેનાન્સ ખાતેનાં તેમનાં કેટલાંક બાંધકામ (1775–79) આજે ભગ્નાવસ્થામાં ઊભાં છે. તેની પ્રવેશ-ચોકી (entrance-portico) કુદરતી પર્વતની બરોબરી કરી શકે તે આકારે બનાવી છે. ખડકમાંથી નીકળતું પાણી પણ અહીં પથ્થરમાં કંડારેલું દર્શાવ્યું છે. ચોક્સના એક આદર્શ નગરની ઇમારતોનું તેમણે માનસિક ચિત્ર ઘડ્યું હતું, પરંતુ તે કામ સાકાર થઈ શક્યું નહિ.
1785–89માં પૅરિસ મુકામે નિર્માણ પામેલાં તેનાં ઊંચાં મકાનો પૈકી બેરિયર દ લા વિલેટ નોંધપાત્ર છે. 1783માં તેમણે કામ્પિજમાં સૉલ્ટ વેર-હાઉસનું નિર્માણ કર્યું. 178૦માં પેલેઇસ દ જસ્ટિસ અને એક્સએન પ્રૉવિન્સમાં જેલનું બાંધકામ કર્યું. આ જેલ તેની ડિઝાઇન પ્રમાણે બંધાઈ નથી.
તેમનું પ્રથમ કાર્ય પૅરિસમાં કાફે ગોડે (અથવા કાફે મિલિહેઇટ) અને રુએ સેંટ ઑનરના અલંકરણમાં જોવા મળે છે (1762). તે પછીનાં તુરતનાં વર્ષોમાં તેઓ પૅરિસને બદલે બર્ગન્ડી, શૅમ્પેન અને ફ્રાન્સેટે કૉમ્ટેમાં કાર્યશીલ બન્યા. ત્યાં તેમણે દેવળો, પુલો અને ઉપયોગાત્મક ઇમારતોનું બાંધકામ કર્યું. વાસ્તવમાં તેનું શરૂઆતનું કાર્ય પૅરિસમાં હોટલ દ હોલવિલ અને હોટલ દ ઉઝેસમાં જોવા મળે છે. 1771માં તેમણે પેવેલિયન દ મેદામ દુ બેરિનું બાંધકામ કર્યું. 178૦માં તેમણે પોતાનાં કાર્યો વિશેનું પુસ્તક લખવાનું શરૂ કર્યું. 1786માં તે પ્રકાશન માટે તૈયાર થયું હતું, પરંતુ ક્રાંતિના કારણે 18૦4માં તેમના મૃત્યુનાં થોડાં વર્ષ પહેલાં પ્રકાશનમાં વિલંબ થયો હતો. 1847 સુધી તેની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ ન હતી.
ફ્રાન્સની ક્રાંતિ દરમિયાન તેમની કારકિર્દીનો અંત આવ્યો. 179૦માં તેમને કેદ કરવામાં આવ્યા અને જેલમાં પ્રકાશન માટે ડિઝાઇનો તૈયાર કરવામાં જીવનનાં અંતિમ વર્ષો તેમણે પસાર કર્યાં હતાં.
સ્નેહલ શાહ
અનુ. થોમસ પરમાર