લઘુ રમતો (minor games) : આબાલવૃદ્ધ સૌ રમતોનો આનંદ લઈ શકે તેવી સરળ ગૌણ રમત. એ એવી પ્રવૃત્તિ છે કે જેમાં વ્યક્તિને રમવાથી આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય છે. બાળકો, યુવાનો, સ્ત્રીઓ, વડીલો સૌને તે ગમે છે. તેમનાથી શરીરના સ્નાયુઓની યોગ્ય વૃદ્ધિ થાય છે, શરીરનો વિકાસ થાય છે. રમતો રમવાથી મગજની આંખ, કાન જેવી જ્ઞાનેન્દ્રિયો સાથે આખા નાડીતંત્રનો વિકાસ થાય છે. કુશળ શિક્ષકો રમતો દ્વારા બાળકોના જીવનમાં નેતાગીરી, શિસ્ત, ખેલદિલી, સહકારવૃત્તિ, અંતરઉકેલ જેવા ચારિત્ર્ય ઘડનાર ગુણોનો વિકાસ સાધી શકે છે.
રમતોના બે પ્રકાર છે. પહેલા પ્રકારની રમતોમાં નિયમોનું બંધન બહુ જ ઓછું હોય છે. ગતિઓ તેમજ શરીરનું હલનચલન સાદા પ્રકારનું હોય છે. નાનાં બાળકો સહેલાઈથી રમી શકે છે. હરીફાઈનું તત્વ તેમાં ઓછું હોય છે. આ પ્રકારની રમતોને લઘુ રમતો તરીકે ઓળખવામાં આવે છે. લઘુ રમતો નાના મેદાનમાં, શેરી, પોળ અથવા સોસાયટીના સહિયારા મેદાનમાં રમાડી શકાય છે. લઘુ રમતો માટે બહુ જ ઓછાં સાધનોની જરૂર પડે છે. લઘુ રમતો ઓછી ખર્ચાળ છે. લઘુ રમતોમાં રમત શરૂ કર્યા પછી તે ગમે તે સમયે બંધ કરી શકાય છે અને બીજી રમત શરૂ કરી શકાય છે. લઘુ રમતોમાં બાળકો ઓછાં હોય તોપણ રમી શકાય છે. રમત દરમિયાન બાળકને રમવું ન હોય તો તે બેસી જઈ શકે છે અથવા નવો બાળક આવીને રમતમાં જોડાઈ શકે છે, પરંતુ રમતના સાતત્યમાં ફરક પડતો નથી. બીજા પ્રકારની રમતોને મોટી રમતો (major games) કહેવામાં આવે છે. મોટી રમતો આંતરરાષ્ટ્રીય રમતસંઘોએ નક્કી કરેલા નિયમો મુજબ રમવામાં આવે છે. નિયમ મુજબનાં મેદાનો, સાધનો, ખેલાડીઓ, પંચઅધિકારીઓ વગેરે રાખવામાં આવે છે. રમત માટેનો સમય નક્કી જ હોય છે. ગમે ત્યારે એ રમતો બંધ કરી શકાતી નથી. મોટી રમતોના આયોજન માટે આર્થિક વ્યવસ્થા વધારે હોવી જરૂરી છે.
લઘુ રમતો શરીરનાં વિવિધ તંત્રો જેવાં કે શ્વસનતંત્ર, રક્તપરિભ્રમણતંત્ર, પાચનતંત્ર, મળવિસર્જનતંત્ર, સ્નાયુતંત્ર, અસ્થિતંત્ર વગેરેને ઉત્તેજિત કરી તેમને કામ કરતાં રાખી તેમની ક્ષમતામાં વધારો કરે છે. માનસિક દૃષ્ટિએ એ રમતો આનંદપ્રદ અને પ્રેરક હોય છે, કારણ કે માનવીની સ્વાભાવિક વૃત્તિઓ જેવી કે સ્પર્ધા, સહકાર, દોડવું કૂદવું, ફેંકવું જેવી સ્વાભાવિક ક્રિયાઓ દ્વારા તેનો આવિર્ભાવ થાય છે, પરિણામે તેના અંતરની માંગ સંતોષાય છે. કેળવણીની દૃષ્ટિએ રમતોથી વિવિધ સ્નાયુઓને જ્ઞાનતંતુઓના મેળમાં કામ કરવાની; સ્નાયુગતિમેળ કેળવવાની; દોડવા, કૂદવા, ફેંકવા તેમજ ફટકો મારવા જેવી સહજ ક્રિયાઓની તથા આરોગ્યવર્ધક ટેવોની તાલીમ મળે છે, એટલું જ નહિ પરંતુ આંતરઉકેલ, સમયસૂચકતા તથા નેતૃત્વશક્તિનો વિકાસ થાય છે. સામાજિક દૃષ્ટિએ રમતોનું યોગ્ય સંચાલન થાય તો સહકાર, ખેલદિલી, શિસ્ત, પ્રામાણિકતા, જુસ્સો વગેરે જેવા નાગરિકત્વના ગુણોનો વિકાસ થાય છે.
લઘુ રમતો શાળા, વ્યાયામશાળા, આનંદપ્રમોદનાં સ્થળો તથા રમતોનાં મેદાનો પર રમાડી શકાય છે. લઘુ રમતો અનેક પ્રકારની હોવાથી ગમે તે સ્થળે નાનાંમોટાં મેદાનોમાં, પોળમાં, નાનાં ચોકઠાંમાં, મકાનમાં અથવા કમ્પાઉન્ડમાં રમાડી શકાય છે. લઘુ રમતોમાં કૌશલ્યોની ખાસ જરૂર પડતી નથી. કૌશલ્યોમાં નિપુણતાની જરૂર પડતી ન હોવાને કારણે તથા અટપટા નિયમો ન હોવાને કારણે કોઈ પણ જાતની પૂર્વતૈયારી વગર વિદ્યાર્થીઓ, વેપારીઓ, નોકરિયાતો તથા શ્રમજીવીઓના વર્ગને સરળતાથી અને રસપ્રદ રીતે રમાડી શકાય છે.
લઘુ રમતોના ઘણા પ્રકારો છે. સાતતાળી રમતો, સ્પર્ધારમતો, દડાની રમતો, રિલે-રમતો તેમજ બેઠી રમતો છે. સાતતાળી રમતોમાં ખાસ કરીને પીછો પકડવાની પ્રવૃત્તિ હોય છે. એક અથવા વધારે જણ, રમનારાઓમાં બાકીનાઓમાંથી એક અથવા વધારે જણની પાછળ પકડવા માટે અથવા કોરડા વડે મારવા માટે દોડે છે. આ પ્રકારની રમતોમાં કોઈ પણ બાળક રમત રમવા માગતો ન હોય તો બેસી શકે છે અથવા નવો બાળક રમતમાં ઉમેરાય તોપણ રમતમાં ખલેલ પડતી નથી. સાતતાળીની રમતોમાં મેદાનની હદ પહેલેથી જ નક્કી કરવામાં આવે છે. સાતતાળીની રમતોમાં પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલા પ્રકારમાં પકડવા જનાર અને રમનાર બધા એક જ સરખી ક્રિયા કરતા દોડે છે. બીજા પ્રકારમાં પકડવા જનારના પંજામાંથી બચવા માટે બાકીના દોડનારાઓ નક્કી કરેલી ક્રિયા અથવા સ્થિતિ લેતા હોય છે. માર ગણાતો નથી. આવા બચાવ પ્રકારની સાતતાળીની રમતોમાં એક બાળક બે કરતાં વધુ વાર બચવાનો પ્રયત્ન કરે તો ત્રીજી વાર તે માર ગણાશે અને તેના માથે દાવ આવશે તેવું નક્કી કરવામાં આવે છે. ત્રીજા પ્રકારની રમતો વર્તુળાકારે રમાય છે, જેમાં ગોળાકાર દોડવાની પ્રવૃત્તિ આવે છે. ચોથા પ્રકારની રમતો કોરડા રમતો છે. કોરડો મારવા માટે હોય છે, જે રમતોમાં પીછો કરવામાં આવે છે અને કોરડા વડે મારવામાં આવે છે. પાંચમા પ્રકારની રમતોમાં વિષમ પ્રકારની દોડ હોય છે. આવી રમતોમાં દાવ આપનારની આંખો કપડા વડે બંધ કરવામાં આવે છે અથવા હાથ અથવા પગને બાંધવામાં આવે છે અથવા કઠિન પ્રકારની દોડ નક્કી કરવામાં આવે છે. છઠ્ઠા પ્રકારની રમતોમાં હદપસારની રમતો છે. આવી રમતોમાં કતારમાં ઊભેલા રમનારાઓએ દાવ આપનારના પંજામાંથી બચવા માટે અગાઉથી નક્કી કરેલી હદ પસાર કરવા દોડી જવાનું હોય છે. સ્પર્ધા-રમતોમાં રમનારાઓ નિયત નિયમ અનુસાર અમુક ક્રિયા કરવા માટે વ્યક્તિગત, ટુકડીગત અથવા દ્વંદ્વ સ્પર્ધા કરે છે, અને તે મુજબ વિજયી નીવડવાનો ક્રમ નક્કી કરવામાં આવે છે. ટુકડીગત સ્પર્ધા-રમતોમાં ટુકડીના બધા જ રમનારાઓ એક જ ક્રિયા વારાફરતી કરતા હોય છે. અંતિમ રમનાર વિજયરેખા પસાર કરે તે મુજબ વિજેતાક્રમ આપવામાં આવે છે. દડારમતોમાં દડાને ઉછાળવો, ફેંકવો, ગબડાવવો, ફટકો મારવો, લાત મારવી વગેરે રીતે રમવામાં આવે છે. દડારમતો માટે ટેનિસબૉલ, લૂગડાનો સીવેલો બૉલ અથવા વૉલીબૉલનો ઉપયોગ કરવામાં આવે છે. દડારમતોમાં ઝીલવાની તથા તાકવાની રમતોનો સમાવેશ થાય છે. રિલે-રમતોમાં જુદી જુદી રમનાર ટુકડીઓના દરેક રમનારે નિયત કરેલી ક્રિયા વારાફરતી કરવાની હોય છે. અને તે મુજબ જે ટુકડીના તમામ સભ્યો નિયત ક્રિયા પહેલી પૂરી કરે તે વિજેતા ગણાય છે. દરેક ટુકડીમાં રમનારાઓની સંખ્યા એકસરખી હોવી જોઈએ. બેઠી-રમતોમાં ખાસ કરીને ઊભાં ઊભાં અથવા બેઠાં બેઠાં માનસિક સમતોલપણું તથા ચપળતા જાળવીને રમવાની તેમજ નિરીક્ષણ તથા યાદશક્તિ ઉપર નિર્ભર એવી રમતોનો સમાવેશ થાય છે.
હર્ષદભાઈ પટેલ