લઘુમતીહિત (જૉઇન્ટ સ્ટૉક કંપની) : કંપનીમાં બહુમતી શૅરહોલ્ડરોના અત્યાચાર અને ગેરવહીવટ સામે રક્ષણ મેળવવાપાત્ર લઘુમતી શૅરહોલ્ડરોનું હિત. કંપનીમાં ઊભા થતા પ્રત્યેક પ્રશ્ન અંગેનો નિર્ણય શૅરહોલ્ડરોની સાદી અથવા વિશિષ્ટ બહુમતીથી લેવામાં આવે છે. આમ તેનું સંચાલન બહુમતી નિર્ણય ઉપર આધારિત હોય છે. રાજામુંદ્રી ઇલેક્ટ્રિસિટી વિ. નાગેશ્વર રાવ કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે 1956માં ઠરાવ્યું છે કે કંપનીના આર્ટિકલ્સ ઑવ્ ઍસોસિયેશન હેઠળ પ્રાપ્ત થયેલા અધિકારોની મર્યાદામાં રહીને જો સંચાલકો વહીવટ કરતા હોય તો શૅરહોલ્ડરોના જૂથની માગણીને લક્ષમાં લઈને કંપનીના પ્રબંધ અને આંતરસંચાલનમાં ન્યાયાલય ઘણું કરીને હસ્તક્ષેપ કરશે નહિ તથા જો સંચાલકોના કાર્યને બહુમતી શૅરહોલ્ડરોનું અનુમોદન હોય તો લઘુમતી શેરહોલ્ડરોને કશો ગણગણાટ કરવાનો અધિકાર નથી. બહુમતીની સર્વોપરિતાનો આ સિદ્ધાંત દરેક પરિસ્થિતિમાં શ્રેયસ્કર નથી, તેથી કેટલાક સંજોગોમાં ન્યાયિક નિર્ણયો અને કંપની અધિનિયમ, 1956ની જોગવાઈઓ હેઠળ લઘુમતી હિતનું રક્ષણ કરવામાં આવ્યું છે.
ન્યાયિક નિર્ણયો : (1) કંપનીના સંચાલકો તેમનામાં મૂકેલા નાણાકીય વિશ્વાસનો ભંગ કરે અથવા તેઓ સ્પષ્ટત: અનૈતિક કાર્ય કરતા હોય; (2) બહુમતી શૅરહોલ્ડરો તેમના અનુચિત નિર્ણયો વડે લઘુમતી શૅરહોલ્ડરો સાથે કપટી વ્યવહાર અથવા અત્યાચાર કરતા હોય; (3) વિશિષ્ટ બહુમતી દ્વારા પસાર કરાવવાનું આવશ્યક હોય તેવો ઠરાવ સાદી અથવા અસ્પષ્ટ બહુમતીથી પસાર કર્યો હોય; (4) મત આપવાનો, ડિવિડન્ડ મેળવવાનો કે એવા પ્રકારના શૅરહોલ્ડરોના અન્ય અંગત હકોનો બહુમતી દ્વારા અનાદર કરવામાં આવ્યો હોય અને (5) કંપની તેના અધિકાર બહારનું ગેરકાયદેસરનું (ultra vires) કામ કરતી હોય – તે સંજોગોમાં કોઈ પણ એકલદોકલ શૅરહોલ્ડર દાદ માગી શકે છે. તેવા નિર્ણયો સર્વોચ્ચ અદાલતે આપેલા છે.
વૈધિક જોગવાઈઓ : લઘુમતી શૅરહોલ્ડરોના હિતનું રક્ષણ કરવા માટે કંપની અધિનિયમ, 1956 હેઠળ પણ કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. (1) ઇક્વિટી શૅર, પ્રેફરન્સ શૅર એમ જુદા જુદા વર્ગોમાં કંપનીની શૅરમૂડી વહેંચાયેલી હોય છે. તેમાંથી કોઈ વર્ગના શૅરહોલ્ડરોના હકમાં તેમની ¼ બહુમતીથી ફેરફાર કરી શકાય છે; પરંતુ 1૦ %થી વધારે શૅરમૂડી ધરાવનાર શૅરહોલ્ડરો જો આવા ફેરફાર માટે અસંમત હોય તો તેઓ અધિનિયમની કલમ 1૦7 હેઠળ ન્યાયાલયમાં દાદ માગી શકે છે. આ ફેરફારથી શૅરહોલ્ડરોના હકને અનુચિત હાનિ પહોંચે તેમ છે તેવો અદાલતને જો સંતોષ થાય તો અદાલત આ ફેરફાર રદ કરી શકે છે. (2) જો કંપની તેની પુનર્રચના અથવા તેનું અન્ય કંપની સાથે જોડાણ કરવાની યોજના બનાવે તો ઉપર્યુક્ત યોજનામાં લઘુમતી શૅરહોલ્ડરોના હકને રક્ષણ મળવું જોઈએ તેવા હેતુથી સંબંધિત યોજના અદાલત પાસે મંજૂર કરાવવી પડે તેવી જોગવાઈ અધિનિયમની કલમ 391 હેઠળ કરવામાં આવી છે. અદાલતને જો એવો સંતોષ થાય કે બહુમતી શૅરહોલ્ડરોની ઉપર્યુક્ત યોજના શુદ્ધ બુદ્ધિથી મંજૂર કરેલી છે અને એકલદોકલ અસરગ્રસ્ત શૅહોલ્ડરને પ્રામાણિકપણે અને વિવેકપૂર્ણ નિર્ણય લેવાની તક મળે તો તે અસરગ્રસ્તો પણ તે યોજના માટે સંમત થશે. તો જ અદાલત યોજનાને મંજૂરી આપે છે. (3) સંચાલકોના અત્યાચાર અને ગેરવહીવટથી જનસમૂહ, શૅરહોલ્ડરો અથવા ખુદ કંપનીને અનુચિત હાનિ થાય તેમ હોય તો 1૦ %થી વધારે શેરમૂડી ધરાવનારા શૅરહોલ્ડરો અથવા સંખ્યામાં 1૦૦થી વધારે શૅરહોલ્ડરોનો સમુદાય અધિનિયમની કલમ 397 અને 398 હેઠળ કંપની લૉ બૉર્ડ સમક્ષ દાદ માગી શકે છે. કંપની લૉ બૉર્ડના સાંપ્રત નિર્ણયો અનુસાર, (1) કંપની દ્વારા કરવાયોગ્ય અથવા ન કરવાયોગ્ય કાર્યો માટે અસંમત શૅરહોલ્ડરોને સ્પષ્ટ અથવા ગર્ભિત ધમકી આપીને મેળવેલી સંમતિ; (2) કંપનીના નાણાકીય બોજમાં બિનજરૂરી વધારો; (3) સંચાલકોની અનૈતિક, અયોગ્ય, અન્યાયી અને નિષ્ઠુર વર્તણૂક એ અત્યાચારનાં કેટલાંક સ્વરૂપો છે અને (1) સાર્વજનિક હિત અથવા કંપનીના હિત વિરુદ્ધનો વહીવટ અને (2) અનિચ્છનીય તત્વોના હાથમાં કંપનીનો વહીવટ ચાલ્યો જવો એ ગેરવહીવટનાં સ્વરૂપો છે. કંપની લૉ બૉર્ડ અધિનિયમની કલમ 397 અને 398 હેઠળ (1) કંપનીના ભાવિ વ્યવહારો ઉપર નિયંત્રણ, (2) કંપનીના એક જૂથે અન્ય જૂથો પાસેથી ખરીદી લીધેલા શૅરો, (3) પોતાના શેરો ખરીદી લઈને કંપનીની શૅરમૂડી ઘટાડવાનું સંચાલકોનું વલણ, (4) કંપની અને સંચાલકો વચ્ચે અથવા કંપની અને ત્રાહિત વ્યક્તિ વચ્ચે થયેલા હાનિકારક કરારોનો અંત; (5) શૅરહોલ્ડરોએ દાદ માગવા માટે કરેલી અરજીના 3 માસ અગાઉના સમયમાં નાદાર થયેલી વ્યક્તિ અને કંપની વચ્ચેનો અપ્રામાણિક કરાર અને (6) ન્યાયી અને ન્યાયોચિત દાદ એવી વિવિધ બાબતો અંગે આદેશ આપી શકે છે.
જયન્તિલાલ પો. જાની