લઘુકથા : ગુજરાતી કથાત્મક ગદ્યપ્રકારોમાં સૌથી વધુ લાઘવયુક્ત સાહિત્યપ્રકાર. વિષયવસ્તુના ફલકવ્યાપના આધારે પદ્યમાં જેમ લઘુકાવ્ય, ખંડકાવ્ય, મહાકાવ્ય, વિરાટકાવ્ય જેવી કાવ્યશ્રેણી તેમ ગદ્યમાં લઘુકથા, ટૂંકી વાર્તા, લઘુનવલ, નવલકથા અને બૃહન્નવલકથા જેવી લઘુથી બૃહદના ક્રમમાં કથાશ્રેણી સર્જાયેલી જોઈ શકાય છે. લઘુકથામાં નાનો સુઘટ્ટ, સુઘડ, સ્વયંસંપૂર્ણ, વ્યંજનાગર્ભ ને આકર્ષક કથાપિંડ એવી રીતે પ્રગટ થયો હોય છે કે તે ગદ્યમાંના લઘુતમ કથાત્મક કલાપિંડરૂપ પ્રતીત થાય. આમ લઘુકથાની રજૂઆત સ્થળકાળપ્રસંગથી પરિબદ્ધ, સુશ્લિષ્ટ હોવા સાથે ચિત્તવિક્ષોભક મર્મવાળી પણ હોય જ. ઉત્કટ વિલક્ષણ પરિસ્થિતિ ને મન:સ્થિતિમાંથી સહજ પ્રભવેલું સંવેદન લઘુકથાના કેન્દ્રમાં રહીને વલયની રીતે પોતાની અખંડ લઘુ સીમાપરિધિ રચીને રહે છે. લઘુકથાના સર્જનમાં મુક્તકની શિસ્ત અને શૈલી દૃષ્ટિગોચર થાય છે. લઘુકથા જાપાની બૉન્સાઇ વૃક્ષ જેવી ન લાગે તો જ નવાઈ. એની વામન આકૃતિમાં વૈશ્વિકતાના તારને અલપઝલપ રીતે સ્પર્શવા જેટલી રણક-તણખ વરતાય છે. આમ લઘુકથામાં લાઘવ, અંતસ્તત્વ ને સંઘટક તત્ત્વ છે, તો એની પરિણતિ બચુભાઈ રાવતના મતે, સૉનેટના અંતના જેવી ધ્વન્યાત્મક ચમત્કૃતિમાં છે. લઘુકથાના અત્યંત મર્યાદિત ફલકમાંયે કુશળ કથાસર્જક પોતાની કથનકળાનો અશ્વ સફળતાથી ખેલાવી શકે છે. લઘુકથામાં સર્જકે સર્જકે, પ્રત્યેક સર્જનાત્મક કૃતિએ, અપાર વૈવિધ્ય તેમજ તાજગીને પૂરતો અવકાશ રહે છે.
સ્વરૂપની દૃષ્ટિએ લઘુકથા જેવી ટૂંકી વાર્તાથી, તેમ ટુચકાથી પણ ભિન્ન છે. ટુચકામાં ચમત્કૃતિનો એક વાર ઉઘાડ થઈ જાય એ પછી એનું આકર્ષણ ઓસરી જાય છે; જ્યારે લઘુકથા સંવેદન-આધારિત હોવાથી એનો પાઠ વારંવાર કરવામાં આવે તોપણ એના પ્રત્યેનું આકર્ષણ ઓછું થતું નથી.
ઑગસ્ટ, 1951ના ‘કુમાર’માં ‘ડબલ સોપારી’ (લે. મોહનલાલ પટેલ) શીર્ષક હેઠળ પ્રગટ થયેલી રચના ગુજરાતી સાહિત્યની પ્રથમ લઘુકથા ગણાઈ છે. અલબત્ત, કુમારના તંત્રીએ નવેમ્બર, 1953ના અંકમાં એ જ લેખકની ‘શાળાનો રિપૉર્ટ’ કૃતિને પ્રથમ વાર લઘુકથા સંજ્ઞા હેઠળ પ્રગટ કરી હતી. ગુજરાતી લઘુકથાનો ખરેખરો વિકાસ તો 1963 પછી થયો અને એનું ખેડાણ પણ વિપુલ પ્રમાણમાં 1963 પછી જ થવા લાગ્યું છે. એના વિકાસમાં દેખીતી રીતે મોહનલાલ પટેલનું નામ મહત્વનું છે. તે ઉપરાંત આ કાવ્યપ્રકારના વિકાસમાં બહાદુરભાઈ વાંક, રતિલાલ બોરીસાગર, રમેશ ત્રિવેદી (કડીવાળા), સરોજ ત્રિવેદી, ઇજ્જતકુમાર ત્રિવેદી, નરેન બારડ, અશ્વિન વસાવડા, પ્રફુલ્લ રાવળ, ભગીરથ બ્રહ્મભટ્ટ, જયંતિ મકવાણા, દિલીપ રૉય, મનોહર ત્રિવેદી, ઈશ્વર પરમાર, રામજીભાઈ કડિયા, ભગવત સુથાર, સુમંત રાવલ, રાજેન્દ્રસિંહ રાયજાદા જેવા અનેક લઘુકથાસર્જકોનું પ્રદાન ઉલ્લેખનીય છે.
મોહનલાલ પટેલ