લગ્ન (આધુનિક સંદર્ભમાં) : માનવસમાજની પાયાની સંસ્થા. કુટુંબ, ધર્મ અને ભારતીય ઇતિહાસમાં જ્ઞાતિ લગ્ન સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી મહત્વની સામાજિક સંસ્થાઓ છે. લગ્નસંસ્થાની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ખાસ કરીને નૃવંશશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ લગ્નના ખ્યાલને સગાઈસંબંધોની વ્યવસ્થાના પરિપ્રેક્ષ્યમાં સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘‘લગ્ન એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચેનો એવો સંબંધ છે જેના થકી જન્મેલાં બાળકો એ માતાપિતાનાં કાયદેસરનાં સંતાનો ગણાય છે.’’ આ મુજબની મર્યાદિત વ્યાખ્યાથી લગ્ન જેવી યુગો પુરાણી સામાજિક સંસ્થાને સમજવાનો પ્રયત્ન સમાજમાં થતો રહ્યો છે. વ્યક્તિની જાતીયતાના સંતોષ અને પ્રજોત્પાદન દ્વારા સમાજના સાતત્ય માટે લગ્નસંસ્થા માનવસમાજની એક મહત્વની સંસ્થા તરીકે સ્વીકારાઈ છે. વર્તમાન સંદર્ભમાં સજાતીય સંબંધો ધરાવતાં સ્ત્રીઓ અને પુરુષો પણ લગ્ન દ્વારા માતાપિતાની ભૂમિકા અને સામાજિક દરજ્જાને પ્રાપ્ત કરવાના પ્રયત્નો વિશ્વના કેટલાક દેશોમાં કરી રહ્યા છે. આમ લગ્નની પરંપરાગત વ્યાખ્યામાં પુરુષ અને સ્ત્રીના સંબંધની વાસ્તવિકતા અને અનિવાર્યતાથી આગળ જઈ હાલ લગ્નમાં સાથીદારોનું સજાતીયપણું પણ ચર્ચામાં છે.
નૃવંશશાસ્ત્રી લીચ લગ્નને ‘a bundle of rights’ તરીકે ઓળખાવે છે. આ અધિકારોમાં કાનૂની માતૃત્વ અને પિતૃત્વ, દંપતી વચ્ચેના શારીરિક સંબંધોનો અધિકાર, ગૃહસેવા અને અન્ય શ્રમનો અધિકાર, મિલકતનો અધિકાર વગેરેનો સમાવેશ થાય છે. આ અધિકારોની પરિપૂર્તિ અને તેમાંથી મળતા સંતોષ અને ઊભા થતા સામાજિક કાનૂની પ્રશ્નો લગ્નસંસ્થા સાથે અનિવાર્ય રીતે સંકળાયેલા છે.
ભારતના ઇતિહાસમાં લગ્ન હિંદુઓના સામાજિક સંગઠનનું જ્ઞાતિવ્યવસ્થાનું મહત્વનું પાસું છે, તો બહારથી આવેલા અને વિકસેલા ઇસ્લામ, ખ્રિસ્તી, પારસી વગેરે ધર્મોની સંસ્કૃતિને એમના લગ્નના રીતરિવાજો સુપેરે વ્યક્ત કરે છે. પોતાની જ જ્ઞાતિ અને તેના વર્તુળમાં (અંતર્લગ્ન) લગ્ન કરવાની પરંપરાએ ભારતમાં જ્ઞાતિને સદીઓ સુધી અકબંધ જાળવી રાખી છે. બ્રિટિશ શાસન હેઠળ ‘સ્પેશિયલ મેરેજ ઍક્ટ’ અમલમાં આવ્યા પછી આંતરજ્ઞાતીય લગ્નો શક્ય બન્યાં. સ્વાતંત્ર્ય બાદ ભારતના બંધારણે વિવિધ જ્ઞાતિઓ વચ્ચેનાં લગ્નોને પ્રોત્સાહિત કર્યાં. ખાસ કરીને દલિત જ્ઞાતિઓ અને અન્ય જ્ઞાતિઓ વચ્ચેના લગ્નને સરકારે નાણાકીય અને અન્ય મદદ દ્વારા પણ ઉત્તેજન આપવાનું સ્વીકાર્યું છે.
‘લગ્ન એક સંસ્કાર છે, કરાર નથી’ – એ વિચાર સાથે હિંદુઓની લગ્નવ્યવસ્થાનાં અનેક પાસાંઓ ધર્મશાસ્ત્રોના અર્થઘટનની સમાંતર વિકસ્યાં છે. જોકે પ્રાદેશિક અને જ્ઞાતિના રિવાજોની ભિન્નતાને કારણે ભારત જેવા વિશાળ દેશમાં લગ્નની સંસ્થાનાં વિવિધ સ્વરૂપો વિકસ્યાં છે. કહેવાતી ઊંચી જ્ઞાતિઓમાં વીસમી સદીના મધ્યભાગ સુધી છૂટાછેડા દ્વારા પતિ-પત્ની અલગ ન થઈ શકે એવી વિચારસરણી વ્યવહારમાં પણ અમલી હતી. બીજી તરફ કહેવાતી પછાત જ્ઞાતિઓમાં અને આદિવાસીઓમાં જ્ઞાતિ પંચ અથવા તો એવી વ્યવસ્થાઓ દ્વારા છૂટાછેડા લઈ શકાતા અને આજે પણ લેવાય છે. વિધવા-પુનર્લગ્ન થઈ શકે છે. લગ્ન બાદ છૂટાછેડા અને પતિ કે પત્નીના મૃત્યુ બાદના પુનર્લગ્નની વિધિઓ કે રિવાજોને વ્યક્ત કરવા ગુજરાતમાં ‘નાતરું’ એવો શબ્દપ્રયોગ ચલણમાં છે. આ સંદર્ભમાં કવિ નર્મદે તો લખ્યું હતું કે ‘ઝટ નાતરાં કરો’, વળી ઓગણીસમી સદીનાં અંતિમ વર્ષોમાં સમાજસુધારાની અસર હેઠળ અમદાવાદમાં વિધવા-પુનર્લગ્ન ઉત્તેજક મંડળની સ્થાપનાએ પરંપરાગત લગ્ન-વ્યવસ્થામાં આવતાં પરિવર્તનો અને તેની સાથે સ્ત્રીઓના સમાજિક સ્થાનમાં સુધારાની દિશામાં પ્રયત્નો કર્યા.
રૂઢિચુસ્તતા અને પરંપરાના પ્રભાવ હેઠળ વિધવા પુનર્લગ્ન કરી ના શકે એવી સામાજિક પરિસ્થિતિ હતી. ખાસ કરીને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને અન્ય સમાજસુધારકોના પ્રયત્નોને કારણે વિધવા-પુનર્લગ્નની આસપાસનાં સામાજિક બંધનો દૂર થતાં ગયાં. તેમ છતાં ભારતીય સમાજમાં વિધવાને આજે પણ પતિની ગેરહાજરીમાં કુટુંબજીવનમાં અનેક પ્રશ્નો અને પીડાનો સામનો કરવો પડે છે. પતિના મૃત્યુ બાદ સતી થવાનો ચાલ બ્રિટિશ યુગ સુધી પ્રચલિત હતો. તેની સામે રાજારામમોહન રાયે આપેલ વૈચારિક લડત સતીપ્રથાના કાનૂની અંતમાં પરિણમી. વીસમી સદીમાં પણ ‘રૂપકુંવર’ જેવાં કોઈ કોઈ ઉદાહરણો સતીપ્રથાની અમાનુષી પરંપરાના અંશોનું હજુ પણ ભાન કરાવે છે.
લગ્નજીવનમાં દંપતી બનનાર વ્યક્તિઓની લગ્નવયની આસપાસનો પણ એક ઇતિહાસ છે. ઘોડિયામાં લગ્ન કરવાની પ્રથાથી માંડીને વર્તમાન સમયમાં સ્વપસંદગી દ્વારા થતાં લગ્નો અને ઊંચી જતી લગ્નવય આ સંદર્ભની ઉત્ક્રાંતિનું ઉદાહરણ છે. ભૂતકાળમાં બાળવયમાં થતાં લગ્નો અને તેના કારણે ઊભી થતી બાળવિધવાની પરિસ્થિતિ એક સામાજિક સમસ્યા હતી. છોકરા માટે 21 અને છોકરી માટે 18 વર્ષની કાયદાકીય લગ્નની ઉંમર હોવા છતાં આજે પણ વસ્તીગણતરીના આંકડાઓ હજારોની સંખ્યામાં બાળલગ્નો થાય છે તેની પુષ્ટિ કરે છે. આ પ્રકારનાં લગ્નો સ્ત્રીઓના શિક્ષણ અને વિકાસ માટે બાધારૂપ બને છે. ભારતમાં કેરળ રાજ્યમાં સ્ત્રીઓના અક્ષરજ્ઞાન અને ભણતર અન્ય રાજ્યોની તુલનાએ સૌથી વિશેષ છે. તેની અસર સ્ત્રીઓની ઊંચી લગ્નવય અને કુટુંબના નાના કદમાં પરિણમી છે. પશ્ચિમના વિકસિત દેશોમાં એક તરફ લગ્નવય ઊંચી જતી જાય છે, સ્ત્રીઓમાં લગ્ન વગર એકલા રહેવાનું વલણ વિકસ્યું છે અને સાથે સાથે છૂટાછેડાના દરમાં પણ ઉત્તરોત્તર વધારો થતો જાય છે. છૂટાછેડા બાદ પુનર્લગ્નનું પ્રમાણ ત્યાં ઘટતું જાય છે. પરિણામે પુખ્તવયની વ્યક્તિઓમાં અપરિણીત લોકોનું પ્રમાણ વધ્યું છે. અમેરિકાની વસ્તીગણતરીની માહિતી પ્રમાણે 1996માં પુખ્તવયની 40 % વ્યક્તિઓ અપરિણીત હતી.
નૅશનલ સેમ્પલ સર્વે (NSS)ની માહિતી પ્રમાણે આપણા દેશમાં 10 % કુટુંબોમાં માતાપિતાની જવાબદારી માત્ર સ્ત્રી સંભાળે છે. મોટાં શહેરોમાં પોતાની કારકિર્દીની સાથે લગ્નજીવન તાલ નહીં મેળવે એવા વિચારોથી લગ્ન વગર એકલી રહેલી સ્ત્રીઓના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે.
લગ્નના એક મહત્વના પાસામાં સામાજિક અને આર્થિક વ્યવહાર કે લેવડદેવડ પણ છે. કન્યાના પક્ષ તરફથી વરના પક્ષને કે વરના પક્ષ તરફથી કન્યાને લગ્નમાં નાણાં અને વસ્તુઓ આપવામાં આવે છે. નૃવંશશાસ્ત્રીઓનું માનવું છે કે જે સમાજોમાં પશુપાલન કેન્દ્રસ્થાને છે. ત્યાં લગ્નમાં વર-પક્ષ કન્યાને વ્યવહાર કરે છે; જ્યારે કૃષિવ્યવસ્થા કે તેનાથી વિકસિત અર્થવ્યવસ્થાવાળા સમાજોમાં કન્યા-પક્ષ વર-પક્ષને ભેટસોગાદો આપે છે. આ પ્રથાને ‘દહેજ’ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં અનેક જ્ઞાતિઓ અને ધાર્મિક સમૂહોમાં ‘દહેજ’ એક સામાજિક સમસ્યા બની રહી છે. 1961માં દહેજ પ્રતિબંધક કાનૂન અમલમાં આવ્યો હોવા છતાં આજે પણ દહેજની માંગણી દ્વારા સ્ત્રીઓને તેમનાં સાસરિયાઓ માનસિક–શારીરિક ત્રાસ આપે છે. દહેજને કારણે સ્ત્રીઓમાં થતાં અપમૃત્યુ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
હિંદુ લગ્નમાં છૂટાછેડાની પ્રક્રિયા પ્રમાણમાં સરળ છે; છતાં જો કાયદાકીય રીતે લગ્નવિચ્છેદ કરવો હોય તો તે ઠીક ઠીક સમય માગી લે છે. ઇસ્લામમાં ‘તલાક’ની વિધિ પ્રમાણમાં સરળ છે. પરંપરાથી ઇસ્લામમાં એકથી વધુ પત્ની કરવાની છૂટ છે. સામે પક્ષે હિંદુઓમાં આ સમાજમાન્ય નથી, તેમ છતાં એકથી વધુ પત્નીઓ હોવાનાં અનેક ઉદાહરણો હિંદુઓમાં પણ જોવા મળે છે. રક્તસંબંધીઓ સાથે લગ્ન ન થાય એવો રિવાજ વિશ્વમાં અનેક સમાજોમાં જોવા મળે છે, તેમ છતાં મામા ફોઈના, કાકા કાકાનાં સંતાનો વચ્ચેનાં લગ્નો કેટલીક જ્ઞાતિઓમાં અને ધાર્મિક જૂથોમાં અસ્તિત્વ ધરાવે છે.
લગ્નવ્યવસ્થામાં સદીઓથી નાનાં-મોટાં પરિવર્તનો આવતાં રહ્યાં છે; પરંતુ વીસમી સદી માનવસમાજના ઇતિહાસમાં કદાચ સૌથી વિશેષ પ્રભાવી રહી છે. જેની અસર લગ્નની સંસ્થા પર ભિન્ન ભિન્ન રીતે જોઈ શકાય છે. સ્ત્રીઓની આર્થિક પ્રવૃત્તિઓમાં ભાગીદારી વધતા તેની પરંપરાગત લગ્ન બાદની ભૂમિકામાં પરિવર્તનો આવ્યાં છે. સ્ત્રી કુટુંબની આવકમાં વધારો કરીને બાળકોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે પોતાનો ફાળો આપતી થઈ છે. વ્યક્તિગત સિદ્ધિ અને મૂલ્યોમાં પરિવર્તનને કારણે લગ્નજીવનમાં સંઘર્ષની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વળી સંયુક્ત કુટુંબો તૂટતાં લગ્નજીવનમાં ભૂતકાળમાં મળતા કુટુંબના સાથ અને સહકારમાં ઘટાડો દેખાય છે. લગ્નજીવનમાં ઊભા થતા પ્રશ્નોના સમાધાન માટે હજુ ભારતમાં માર્ગદર્શન-કેન્દ્રો સ્થાપિત થયાં નથી. જાતીયજીવન અંગેની ગેરમાન્યતાઓના તથા વૈજ્ઞાનિક અભિગમના અભાવના કારણે લગ્નજીવનમાં આ મુદ્દાની આસપાસ પતિ-પત્ની વચ્ચે અનેક પ્રશ્નો સર્જાતા હોય છે. લગ્નજીવનમાં થતાં ભંગાણ અને તેમાં આર્થિક પરિસ્થિતિની નકારાત્મક અસરોને પરિણામે આત્મહત્યાના કિસ્સાઓમાં અનેકગણો વધારો નોંધાયો છે. આમ એકવીસમી સદીના પ્રારંભે લગ્નની સામાજિક સંસ્થા અનેક પ્રશ્નો વચ્ચે પણ માનવજીવનના સાતત્યનું મહત્વનું સામાજિક કાર્ય કરી રહી છે.
ગૌરાંગ જાની