લખીસરાઈ (Lakhisarai) : બિહાર રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા મથક. ભૌગોલિક સ્થાન : તે 25° 11´ ઉ. અ. અને 86° 05´ પૂ. રે.ની આજુબાજુનો 1,229 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પટણા અને બેગુસરાઈ જિલ્લા, પૂર્વમાં મુંગેર જિલ્લો, દક્ષિણમાં જામુઈ તથા પશ્ચિમે શેખપુરા જિલ્લો આવેલા છે. જિલ્લામથક લખીસરાઈ જિલ્લાની મધ્યમાં આવેલું છે. તેના નામ પરથી જિલ્લાને લખીસરાઈ નામ આપવામાં આવ્યું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ જિલ્લો બિહારનાં મેદાનોનો એક ભાગ છે. તેનું ભૂપૃષ્ઠ સમતળ મેદાની લક્ષણવાળું છે. ગંગા નદી જિલ્લાની ઉત્તર સરહદ રચે છે.
ખેતી–પશુપાલન : ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે, તે ઉપરાંત ઘઉં અને તેલીબિયાંના પાકો પણ લેવાય છે. બોરિંગ, કૂવા, રેંટ અને ટ્યૂબવેલ દ્વારા સિંચાઈ થાય છે. ગાય, ભેંસ, બળદ, આખલા, ઘેટાં-બકરાં અને ડુક્કર અહીંનાં મુખ્ય પશુઓ છે. પશુઓ માટે પશુદવાખાનાં, ચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રોની સુવિધા પણ છે.
ઉદ્યોગ–વેપાર : સિંદૂર બનાવવાના એક કારખાના સિવાય બીજો કોઈ ઉદ્યોગ અહીં વિકસેલો નથી, પરંતુ ટોપલીઓ, માટીનાં વાસણો તથા બીડીઓ બનાવવાનું કામ ચાલે છે.
લખીસરાઈ અને બારાહિયા અહીં મુખ્ય વેપારી-મથકો છે. અહીં લોખંડની ખુરશીઓ અને જાળીઓ, નિસ્યંદિત જળ, કઠોળ, રાઈનું તેલ, દવાઓ અને સિંદૂરનું ઉત્પાદન લેવાય છે. જિલ્લામાંથી ચણા, મસૂર, રાઈનું તેલ, શાકભાજી અને ચોખા બહાર મોકલાય છે, જ્યારે ખાતરો, કાપડ, રાઈ અને ઘડિયાળોની આયાત થાય છે.
પરિવહન–પ્રવાસન : જિલ્લો રેલમાર્ગો અને સડકમાર્ગોથી સારી રીતે જોડાયેલો છે. પૂર્વ અને ઈશાન વિભાગના રેલમાર્ગો આ જિલ્લામાંથી પસાર થાય છે. પૂર્વ વિભાગની રેલશાખા કિઉલથી ગયા તરફ જાય છે. આ જિલ્લો સડકમાર્ગોથી પટણા, ગિરિદિહ, દેવઘર અને ભાગલપુર સાથે જોડાયેલો છે. અહીં કોઈ જોવાલાયક સ્થળો નથી. જિલ્લામાં કાર્તિકી પૂર્ણિમા, વસંતપંચમી, માઘી પૂર્ણિમા અને દશેરાના મેળા ભરાય છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 8,01,173 જેટલી છે. હિન્દી અને ઉર્દૂ અહીંની મુખ્ય ભાષાઓ છે.
શિક્ષણ : અહીંનાં બે નગરોમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની સગવડો છે. ચાર જાહેર પુસ્તકાલયો છે. જિલ્લામાં ચાર કૉલેજો આવેલી છે. લખીસરાઈ અને બારાહિયા ખાતે હોમિયોપથી સહિતનાં ત્રણ દવાખાનાં, ચિકિત્સાલયો, સ્વાસ્થ્યકેન્દ્રો અને કુટુંબનિયોજન-કેન્દ્રની સુવિધા પણ છે.
વહીવટી સરળતા માટે તેને એક ઉપવિભાગ અને ચાર સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં માત્ર બે જ નગરો છે.
ઇતિહાસ : લખીસરાઈનો ઇતિહાસ મુંગેર જિલ્લાના ઇતિહાસ સાથે સંકળાયેલો છે, કારણ કે તે પાછળથી મુંગેર જિલ્લામાંથી અલગ કરવામાં આવેલો છે.
ગિરીશભાઈ પંડ્યા