લક્ષ્મી : હિંદુ ધર્મ મુજબ સમુદ્રમાંથી પ્રગટ થયેલ એક દેવી. તે સમૃદ્ધિ અને સૌંદર્યની દેવી છે અને કમળના આસન ઉપર બિરાજેલી હોય છે. તે ધનની અધિષ્ઠાત્રી મનાઈ છે. સૌંદર્ય, સંપત્તિ અને ભાગ્યની દેવી તરીકે તેની સર્વત્ર પૂજા થાય છે.

‘લક્ષ્મી’ શબ્દના અનેક અર્થો છે. તે સર્વમાં અતિમાનુષશક્તિ, સંપત્તિ, શોભા, દૈવી સ્ત્રી, ભાગ્યશાળી સ્ત્રી, ધન આપનારી દેવતા, રાજસત્તા, આબાદી, સદભાગ્ય, ગૃહિણી, દીકરી વગેરે જેવા અર્થો નોંધપાત્ર છે.

લક્ષ્મીનાં વિવિધ નામોમાં ‘શ્રી’, ‘પદ્મા’, ‘ઇન્દિરા’, ‘કમલા’, ‘ચપલા’, ‘ચંચલા’, ‘સિંધુસુતા’, ‘હરિપ્રિયા’ વગેરે વિશેષ જાણીતાં છે.

‘લક્ષ્મી’ શબ્દ સૌપ્રથમ ઋગ્વેદમાં નિર્દેશાયો છે. ત્યાં તે શોભા, સૌન્દર્ય વગેરેનો દ્યોતક છે. તેનો અર્થ સદનસીબ પણ થાય છે; પરંતુ પાછળથી સમૃદ્ધિ કે સંપત્તિનો ભાવ તેમાં ઉમેરાયો અને સુખ તથા સમૃદ્ધિની દેવી તરીકે તેનો મહિમા સ્વીકારાયો.

લક્ષ્મી (એક પરંપરાગત ચિત્ર)

ઋગ્વેદમાં આવતા ‘શ્રીસૂક્ત’માં ઐશ્વર્યના પ્રતીકરૂપ દેવતા તરીકે લક્ષ્મીનું નિરૂપણ છે. સમૃદ્ધિ, સંપત્તિ, આયુષ્ય, આરોગ્ય, પુત્રપૌત્રાદિ પરિવાર, ધનધાન્યની વિપુલતા વગેરે પ્રાપ્ત કરવા માટે ‘શ્રી’ કહેતાં ‘લક્ષ્મી’ની ઉપાસના કરાય છે.

શ્રીસૂક્તમાં લક્ષ્મીનું જે સ્વરૂપવર્ણન પ્રાપ્ત થાય છે તેમાં તેને માટે ‘હિરણ્યવર્ણા’, ‘પદ્મસ્થિતા’, ‘પદ્મવર્ણા’, ‘પદ્મમાલિની’, ‘પુષ્કરિણી’ જેવાં વિશેષણો પ્રયોજાયાં છે.

 વાલ્મીકિ રામાયણ(બાલકાંડ–45)માં લક્ષ્મીને ‘શુભ્રવસ્ત્રધારિણી’, ‘તરુણી’, ‘મુકુટધારિણી’, ‘કુંચિતકેશા’, ‘ચતુર્હસ્તા’, ‘સુવર્ણકાન્તિ’, ‘મણિમુક્તાદિભૂષિતા’ વગેરે નામોથી નિર્દેશી છે.

તે પછી પુરાણોમાં લક્ષ્મીને ‘કમલાસના’, ‘કમલહસ્તા’, ‘કમલમાલાધારિણી’ તથા ‘સદા વિષ્ણુના વક્ષ:સ્થલમાં રહેતી’ વર્ણવી છે.

લક્ષ્મીની ઉત્પત્તિ અંગે પ્રચલિત માન્યતા મુજબ તે સમુદ્રમંથન દ્વારા ઉદભવેલ ચૌદ રત્નો પૈકીનું એક રત્ન છે, જેનો ભગવાન વિષ્ણુએ પત્નીરૂપે સ્વીકાર કર્યો. ત્યારબાદ તેમણે ક્ષીરસાગરમાં નિવાસ કર્યો.

તૈત્તિરીય સંહિતામાં લક્ષ્મી અને શ્રી બંને આદિત્યની પત્નીઓ હોવાનું કહ્યું છે.

પુરાણો અનુસાર, સૃષ્ટિની પણ પૂર્વે રાસમંડલમાં રહેલ પરમાત્મા શ્રીકૃષ્ણના વામભાગમાંથી લક્ષ્મીની ઉત્પત્તિ થયાનો નિર્દેશ છે. ઈશ્વરેચ્છાથી ઉદભવેલ તે સુંદર દેવીએ જન્મતાંની સાથે જ બે સ્વરૂપ ધારણ કર્યાં. તે બંને સ્વરૂપ રૂપસૌન્દર્ય, આકાર, અવસ્થા, આભૂષણ ઇત્યાદિ સર્વ દૃષ્ટિએ સમાન હતાં. તે પૈકી એક તે લક્ષ્મી ને અન્ય તે રાધા. આ બંને સ્વરૂપોની અભિલાષા પૂરવા પ્રભુ પણ પોતાના દક્ષિણાંશમાંથી દ્વિભુજ અને વામાંશમાંથી ચતુર્ભુજ બન્યા. તે પૈકી ચતુર્ભુજ મૂર્તિ નારાયણરૂપે ઓળખાઈ અને તે લક્ષ્મીની સાથે વૈકુંઠનિવાસી બની. ત્યાં નારાયણને વશ કરી લક્ષ્મી તેમની પટરાણી બની રહી.

પૃથ્વી ઉપર લક્ષ્મી બ્રહ્માના પુત્ર ભૃગુઋષિની કન્યારૂપે અવતર્યાં ને વિષ્ણુના નારાયણસ્વરૂપ સાથે વિવાહિત થયાં તે અંગેની કથા વેદોત્તર યુગમાં જાણીતી છે. ભૃગુના શાપને લીધે વિષ્ણુએ વિવિધ અવતાર ધારણ કર્યા ત્યારે તેને અનુરૂપ વિવિધ રૂપે અવતાર ગ્રહણ કરી લક્ષ્મીએ સાચા અર્થમાં પત્નીધર્મ બજાવ્યો છે.

વાસ્તવમાં તો લક્ષ્મી પોતે જ મહાલક્ષ્મી સ્વરૂપે આદ્યશક્તિ જગન્માતા છે. તેઓ સર્વોત્કૃષ્ટ શક્તિરૂપા છે. દેવીની જેટલી શક્તિઓ મનાઈ છે, તે સર્વનાં મૂળ મહાલક્ષ્મીમાં રહેલાં છે. પ્રકૃતિરૂપા મહાલક્ષ્મી જ સર્વ સ્થૂળ-સૂક્ષ્મ, દૃશ્ય-અદૃશ્ય કે વ્યક્ત-અવ્યક્ત રૂપોમાં વિલસે છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશ આદિ દેવો પણ તેમનામાંથી જ પ્રાદુર્ભાવ પામ્યા છે, તેમ છતાં આદ્યશક્તિ પોતે જ વિશેષ રૂપ ધરી તે સર્વ દેવોની સેવામાં રહે છે. તેઓ જેમ બ્રહ્મા પાસે સાવિત્રી કે મહેશ પાસે પાર્વતીરૂપે રહેલ છે, તે જ રીતે વિષ્ણુ પાસે લક્ષ્મી રૂપે રહેલાં છે.

મહાભારતમાં લક્ષ્મીના બે પ્રકાર દર્શાવ્યા છે : એક તે વિષ્ણુ પાસે રહેતી તેમની પત્ની લક્ષ્મી અને અન્ય તે રાજાઓ તથા પરાક્રમી લોકો પાસે રહેતી રાજલક્ષ્મી.

વળી, એક અન્ય મત મુજબ ધન, ધાન્ય, પશુ, સ્ત્રી, પુત્ર, આરોગ્ય, આશ્રય, આવરદા, ઉદ્યમ, સંતોષ અને જ્ઞાનને લક્ષ્મી કહે છે.

લક્ષ્મીના નિવાસ અંગે અનેક રૂપકાત્મક કથાઓ મળે છે. મહાભારત(શાન્તિપર્વ 124–45–60)માં આવતા લક્ષ્મી-પ્રહલાદ સંવાદ મુજબ, તેજ, ધર્મ, સત્ય, વૃત્ત, બલ અને શીલ જેવા માનવીય ગુણોમાં લક્ષ્મી રહે છે. તેમાં પણ શીલ કે ચારિત્ર્ય વિશેષ પસંદ હોઈ સત્-શીલ વ્યક્તિ પાસે રહેવાનું તે વધુ પસંદ કરે છે.

અન્યત્ર (શાન્તિપર્વ–21) લક્ષ્મી-ઇન્દ્ર સંવાદમાં જણાવ્યું છે કે પૃથ્વીનાં સૌ નિવાસસ્થાનોમાં ભૂમિ, જલ, અગ્નિ અને વિદ્યા  એ ચાર સ્થાન લક્ષ્મીને સૌથી વધુ પ્રિય છે. વળી, સત્ય, દાન, વ્રત, તપસ્યા, પરાક્રમ અને ધર્મ જ્યાં વાસ કરે છે, ત્યાં લક્ષ્મી પણ નિવાસ કરે છે. આમ છતાં ચોરી, વાસના, અપવિત્રતા અને અશાંતિ પ્રત્યે ઘૃણાને લીધે લક્ષ્મી પોતાને પ્રિય એવાં ભૂમિ વગેરે સ્થાનોનો પણ ત્યાગ કરે છે.

એક અન્ય પ્રસંગે (અનુશાસનપર્વ–11) લક્ષ્મી-રુક્મિણી સંવાદમાં કહ્યું છે કે સૃષ્ટિના સર્વ લોકોમાં પ્રગલ્ભ, ભાષણકુશલ, દક્ષ, નિરલસ, આસ્તિક, અક્રોધન, કૃતજ્ઞ, જિતેન્દ્રિય, વૃદ્ધજનોની સેવા કરનાર, સત્યનિષ્ઠ, શાન્ત, સદાચારી લોક લક્ષ્મીને વિશેષ પ્રિય છે; જ્યારે નિર્લજ્જ, કલહપ્રિય, નિદ્રાપ્રિય, મલિન, અશાંત અને અસમાધાની લોકો પ્રતિ તેમને તિરસ્કાર હોય છે.

એક અન્ય ઠેકાણે (દાનધર્મપર્વ–82) ગાય અને ગોબરમાં પણ લક્ષ્મીનો નિવાસ હોવાનું જણાવ્યું છે.

સામાન્ય જનમાનસની વ્યવહારુ સમજ એ છે કે જે ઘરમાં વડીલોનાં પૂજા-સત્કાર, આદર-સન્માન થતાં હોય, અનાજ સુસંસ્કૃત અને નીતિથી પેદા કરેલું હોય અને ક્લેશ કદી ન થતો હોય ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે.

બ્રહ્મવૈવર્તપુરાણ (2.35) અનુસાર, લક્ષ્મી જુદા જુદા સ્થળે જુદા જુદા રૂપે રહેલી છે. જેમ કે, વૈકુંઠમાં મહાલક્ષ્મી રૂપે, સ્વર્ગમાં સ્વર્ગલક્ષ્મી રૂપે, ગોલોકમાં રાધા સ્વરૂપે તો પૃથ્વી અને પાતાળલોકમાં રાજલક્ષ્મી રૂપે, ગૃહમાં ગૃહલક્ષ્મી રૂપે, ગોલોકમાં સુરભિ રૂપે, યજ્ઞમાં દક્ષિણા રૂપે ને વસ્તુમાત્રમાં શોભારૂપે.

આ ઉપરાંત ચન્દ્ર, સૂર્ય, આભૂષણ, રત્ન, ફળ, અન્ન, વસ્ત્ર, દેવપ્રતિમા, મંગલ, વસુ, હીરો, ચંદન, નવીન મેઘ ઇત્યાદિ અનેકમાં શોભારૂપે લક્ષ્મી વિદ્યમાન છે. લક્ષ્મી જ શોભાનો આધાર છે અને લક્ષ્મીરહિત સ્થળ શોભા વગરનું જણાય છે. આથી જ પ્રાચીન વૈદિક કાળમાં અને તે પછી પણ લક્ષ્મીને શિવ અને સૌન્દર્યના પ્રતીકરૂપ માનવામાં આવી છે.

ઐશ્વર્ય પ્રદાન કરનાર લક્ષ્મીદેવીની કલ્પના અથર્વવેદકાલીન છે. વિદ્યા, બુદ્ધિ, વાક્ચાતુર્ય વગેરે આપનાર અનુક્રમે સરસ્વતી, મેધા, વાક્ વગેરેની જેમ લક્ષ્મી પણ ભાવનાત્મક દેવતાઓમાં મુખ્ય છે.

શ્રી કહેતાં લક્ષ્મી મંગલદાયિની છે. તેના કલ્યાણકારી સ્વરૂપને દર્શાવવા માટે ‘ભદ્રા’, ‘શિવા’, ‘પુણ્યા’ વગેરે શબ્દો પ્રયોજાય છે. દિવાળીના દિવસોમાં તેની પૂજા થાય છે.

‘શ્રીસૂક્ત’ પ્રમાણે આનંદ, કર્દમ, શ્રીદ અને ચિકિલત એ તેનાં સંતાન છે. તો અન્ય એક સંદર્ભ અનુસાર ધર્મ, અગ્નિ, રાજા અને ચોર – એ ચાર લક્ષ્મીના પુત્રો છે. કામને પણ તેનો પુત્ર માનવામાં આવે છે. ભૃગુ અને ખ્યાતિથી જન્મેલ લક્ષ્મીને ધાતા અને વિધાતા નામે બે ભાઈ છે.

‘શ્રીસૂક્ત’ અને ઇન્દ્રકૃત ‘લક્ષ્મીસ્તોત્ર’ એ લક્ષ્મીવિષયક ખૂબ પ્રચલિત સ્તોત્રો છે. ચાર પુરુષાર્થો પૈકી દ્વિતીય પુરુષાર્થ અર્થની સિદ્ધિ અર્થેની લક્ષ્મીની આરાધના જરૂરી મનાઈ છે.

ભારતમાં વેપારી વર્ગમાં દીપાવલીના તહેવારમાં ધનતેરસે લક્ષ્મીની પૂજાનું ભારે મહત્વ છે. વળી વૈભવલક્ષ્મીનાં વ્રત અને પૂજન પણ વર્તમાન સમયમાં શરૂ થયાં છે અને દિનપ્રતિદિન તે વધુ ને વધુ પ્રચલિત થતાં ચાલ્યાં છે.

જાગૃતિ પંડ્યા