લક્ષ્મીકાન્તમ્, બાલિજેપલ્લી (જ. 1881; અ. 1953) : તેલુગુ નાટ્યકાર અને નવલકથાકાર. તેમણે તેમના પિતા અને મામાના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત અને તેલુગુમાં શિક્ષણ મેળવ્યું. મૅટ્રિક પાસ કરીને કર્નૂલની સબ-રજિસ્ટ્રારની કચેરીમાં હેડક્લાર્ક બન્યા. પછી ગંતુરની મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં અધ્યાપન કર્યું.
તેમણે 1922માં ચલાપિલ્લીના રાજા અંકિનિડુ પ્રસાદુ બહાદરના રાજ્યાશ્રય હેઠળ ગંતુર ખાતે ‘ચંદ્રિકા ગ્રંથમાલા’ની રચના કરી. તેઓ મીઠાના સત્યાગ્રહમાં જોડાયા અને 1929–30 સુધી જેલવાસ ભોગવ્યો. તે દરમિયાન તેમણે ‘સત્ય હરિશ્ચંદ્ર’ નામક નાટક રચ્યું. આ કૃતિ તત્કાલીન સાહિત્યમાં ઉત્તમ કૃતિઓ પૈકીની એક લેખાઈ. તેમના આ નાટકમાં ‘નક્ષત્રક’ના પાત્રની તેમની ભૂમિકાએ તેમને ખ્યાતિ અપાવી. ‘સત્રજિતિયુ નાટકમુ’ અને ‘બુદ્ધિમતી વિલાસમુ’ તેમની અન્ય નાટ્યકૃતિઓ છે. તેમણે ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’નો ‘ઉત્તરરાઘવ’ તરીકે અનુવાદ કર્યો હતો.
તેમની અન્ય કૃતિઓમાં ‘બ્રહ્મરથમ્’ અને ‘મંજૂષા’ નવલકથાઓ; ‘સ્વરાજ્ય સમસ્યા’ કાવ્યસંગ્રહ અને આદિ શંકરાચાર્યની કૃતિનો અનુવાદ ‘શિવાનંદલહરી’ ઉલ્લેખનીય છે.
રામાયણના સુંદરકાંડનું તેમનું ભાષાંતર અપૂર્ણ છે. 1930માં તેમણે શૈક્ષણિક હેતુસર રંગૂનની મુલાકાત લીધી હતી. 1942માં સિનેમાક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેમને ‘પુંભાવ સરસ્વતીમૂર્તિ’નો ઇલકાબ આપવામાં આવ્યો હતો.
બળદેવભાઈ કનીજિયા