લક્ષ્મણ, આર. કે. (જ. 1927, મૈસૂર) : ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વ્યંગચિત્રકાર. આખું નામ રાસીપુરમ કૃષ્ણસ્વામી લક્ષ્મણ. આર. કે. લક્ષ્મણે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ મૈસૂરમાં જ લીધું હતું. મૈસૂર યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમના મોટા ભાઈ અને સુપ્રસિદ્ધ લેખક આર. કે. નારાયણની વાર્તાઓ માટે આર. કે. લક્ષ્મણ વ્યક્તિચિત્રો દોરતા હતા. પરંતુ પિતા દ્વારા ઘરે લાવવામાં આવતાં તે સમયનાં વિદેશી સામયિકોમાં પ્રકાશિત થતાં વ્યંગચિત્રો જોઈને પ્રભાવિત થયેલા લક્ષ્મણે એ કળા ઉપર હાથ અજમાવવાનું શરૂ કર્યું.
યુનિવર્સિટીશિક્ષણ પૂરું કર્યા પછી લક્ષ્મણે કાર્ટૂન (વ્યંગચિત્ર) માટે સ્થાનિક અખબારોનો સંપર્ક કર્યો, પરંતુ સાવ નવા છોકરા દ્વારા તૈયાર કરવામાં આવેલાં કાર્ટૂન પ્રકાશિત કરવા કોઈ તૈયાર નહોતું. છેવટે મુંબઈથી પ્રકાશિત થતા ‘ફ્રી પ્રેસ જર્નલ’ દૈનિકે લક્ષ્મણે દોરેલાં કાર્ટૂન છાપવાનું શરૂ કર્યું. આ અખબારમાં તેમણે છ મહિના સુધી કાર્ટૂન દોર્યાં. એવામાં ટોચના અખબાર ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’એ લક્ષ્મણમાં રહેલી અસાધારણ કાર્ટૂનિસ્ટ તરીકેની પ્રતિભાને ઓળખી, અને તેમને આ માતબર અખબારમાં સ્ટાફ કાર્ટૂનિસ્ટ તરીકે રોકી લીધા. આમ છેલ્લાં 50 વર્ષ કરતાં વધુ સમયથી આર. કે. લક્ષ્મણ ‘કૉમન મૅન’ને પ્રતીક બનાવી ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના પ્રથમ પાને બિરાજમાન છે.
આર. કે. લક્ષ્મણનાં કાર્ટૂન એટલાં સચોટ અને ધારદાર હોય છે કે ઘણી વાર હજારો શબ્દોના સમાચાર કે લેખ કરતાં વધારે મોટું કામ તે કરી દે છે અને તેથી જ તેઓ તમામના આદરપાત્ર બન્યા છે.
કાર્ટૂનની સાથે લક્ષ્મણે ટૂંકી વાર્તાઓ, નિબંધો, પ્રવાસલેખો ઉપરાંત બે નવલકથાઓ પણ લખી છે. તેમની બે નવલકથાઓ છે : ‘ધ હોટેલ રિવિયેરા’ તથા ‘ધ મેસેન્જર’. જૂન 1998માં ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’એ ‘50 ઇયર્સ ઑવ્ ઇન્ડિપેન્ડન્સ થ્રૂ ધ આઇઝ ઑવ્ આર. કે. લક્ષ્મણ’ (‘આર. કે. લક્ષ્મણની દૃષ્ટિએ સ્વાતંત્ર્યનાં 50 વર્ષ’) નામે પુસ્તક પ્રકાશિત કર્યું હતું. તે જ વર્ષમાં લક્ષ્મણે ‘ધ ટનલ ઑવ્ ટાઇમ’ નામે તેમની આત્મકથા પણ પ્રકાશિત કરી હતી.
દેશના આ ટોચના વ્યંગચિત્રકારને ભારત સરકારે પ્રતિષ્ઠિત ‘પદ્મભૂષણ’ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. મરાઠાવાડા યુનિવર્સિટીએ લક્ષ્મણને ‘ડૉક્ટર ઑવ્ લિટરેચર’ની માનદ ડિગ્રી એનાયત કરી હતી. 1984માં તેમને રેમોન મૅગ્સેસે ઍવૉર્ડ એનાયત થયો હતો.
2001–2002માં વડોદરામાં હૉલિડે ઇન કન્વેન્શન સેન્ટરના ઉદઘાટન માટે આવેલા લક્ષ્મણે ઉપસ્થિત લોકોને સંબોધતાં કહ્યું હતું કે ‘રાજકારણીઓએ કદાચ નાગરિકોની કાળજી નથી લીધી, પણ એક વ્યક્તિએ લીધી છે અને એ હું છું. મારા તમામ પુરસ્કારો તેમને (રાજકારણીઓને) આભારી છે.’ કાર્ટૂનિસ્ટ કેવી રીતે બનવું તે કોઈ શાળા શીખવી શકે નહિ તેમ કહેતા લક્ષ્મણ માને છે કે કાર્ટૂન બનાવવા માટે વ્યક્તિ પાસે ‘બે લાઇનની વચ્ચે, લાઇનની ઉપર અને લાઇનની નીચે વાંચી શકવાની ક્ષમતા હોવી જોઈએ.’
તેમની કારકિર્દી સાવ સરળ પણ નથી રહી. એક જગ્યાએ તેમણે કબૂલ્યું છે કે એક વખત તેમને પાર્સલમાં કોઈએ બૉંબ મોકલ્યો હતો, પરંતુ ઘરના ચોકીદારની સતર્કતાથી કોઈ નુકસાન થયું નહિ. તેમને ધમકીભર્યા પત્રો પણ મળતા રહ્યા છે. આમ છતાં તેઓ નિર્ભીકતા ને અડગતાથી કાર્ટૂનો દ્વારા રાષ્ટ્રની ને માનવતાની સેવા કરતા રહ્યા છે.
અલકેશ પટેલ