લક્ષ્મણમંદિર, સિરપુર

January, 2004

લક્ષ્મણમંદિર, સિરપુર : મધ્યપ્રદેશના રાયપુર જિલ્લામાં આવેલું ગુપ્તકાલીન મંદિર. ગુપ્તકાલીન ઈંટેરી મંદિરોના સમૂહમાં સિરપુરનું લક્ષ્મણમંદિર ઘણું વિકસિત સ્વરૂપ ધરાવે છે.

આ મંદિર ભીતરગાંવના ઈંટેરી મંદિરની રચનાને સામાન્ય રીતે મળતું આવે છે. લગભગ સાતમી સદીની શરૂઆતમાં તેનું બાંધકામ થયેલું જણાય છે. આ મંદિરના ભગ્નાવશેષોમાંથી માત્ર તેનું ગર્ભગૃહ અને મંડપના ભાગ જળવાઈ રહ્યાં છે. તેનું સમચોરસ ગર્ભગૃહ પંચરથ ધરાવે છે. ગર્ભગૃહની ઉપરનું શિખર સહેજ રેખાન્વિત છે અને તે ભૂમિ-આમલક વડે ચાર મજલાઓમાં વિભક્ત છે. તે ચૈત્ય-બારીઓના સુશોભન વડે અલંકૃત છે. ગર્ભગૃહની બહારની દીવાલો પર ચૈત્ય-બારીઓ અને કૃત્રિમ ગવાક્ષો કંડારેલાં છે.

લક્ષ્મણમંદિર, સિરપુર

આખુંય મંદિર ઊંચા વ્યાસપીઠ પર ઊભું છે. બે બાજુએ આવેલી સોપાનશ્રેણીઓ દ્વારા વ્યાસપીઠ પર જઈ શકાય છે.

થૉમસ પરમાર