લક્ષ્મણરાવ, જે. આર.

January, 2004

લક્ષ્મણરાવ, જે. આર. (જ. 21 જાન્યુઆરી 1921, જાગલુર, જિ. ચિત્રદુર્ગા, કર્ણાટક) : જાણીતા કન્નડ વિજ્ઞાનલેખક. 1943–81 દરમિયાન તેઓ વિવિધ કૉલેજોમાં અધ્યાપક, રીડર અને પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ ઇંગ્લિશ–કન્નડ ડિક્શનરી(મૈસૂર યુનિવર્સિટી)ના મુખ્ય સંપાદક; 1969–78 સુધી વિજ્ઞાનને લગતા ત્રૈમાસિક ‘વિજ્ઞાન કર્ણાટક’ના સ્થાપક-સંપાદક અને 1978–88 સુધી માસિક ‘બાલવિજ્ઞાન’ના સ્થાપક-સંપાદક રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં 24 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પરમાણુ ચરિત્ર’ (1949); ‘લુઈ પાશ્ચર’ (1973), ‘મેઘનાદ સહા’ (1993) તેમના ઉલ્લેખનીય ચરિત્રગ્રંથો છે; જેમાં છેલ્લી અનૂદિત કૃતિ ‘ગેલેલિયો’ (1976) નાટ્યકૃતિ છે. ‘આર્કિમિડીઝ’ (1976) બાળકો માટેનો ગ્રંથ છે. ‘ચક્ર’ (1995) તેમનો વિજ્ઞાનને લગતો અતિ લોકપ્રિય નિબંધ-સંગ્રહ છે. તેમણે ‘પ્રબુદ્ધ કર્ણાટક’ના ‘સુવર્ણજયંતી’ અંકની વિજ્ઞાન-પુરવણીનું સંપાદન કર્યું હતું.

તેમને મદ્રાસ યુનિવર્સિટી ઍવૉર્ડ; શૈક્ષણિક સંશોધન અને તાલીમની રાષ્ટ્રીય પરિષદનો ઍવૉર્ડ; હિંદી સાહિત્ય સંમેલન, દિલ્હી દ્વારા વિજ્ઞાન સરસ્વતી ઍવૉર્ડ (1978); અને 1992માં શિવરામ કારંથ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. 1977માં કન્નડ સાહિત્ય પરિષદે તેમનું સન્માન કર્યું હતું.

બળદેવભાઈ કનીજિયા