લક્ષ્મણરાવ, કોમારરાજુ વેંકટ (જ. 1876; અ. 1923) : તેલુગુ સાહિત્યકાર અને સંશોધક. મરાઠી માધ્યમમાં પુણે અને નાગપુરની કૉલેજોમાં અભ્યાસ પૂરો કરીને અંગ્રેજી સાથે એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અંગ્રેજી ઉપરાંત તમિળ, કન્નડ, તેલુગુ, સંસ્કૃત, મરાઠી અને બંગાળીના નિષ્ણાત હતા. ઇતિહાસના અભ્યાસ અને સંશોધનમાં તેમની રુચિ સવિશેષ હતી.
તેમણે મરાઠી ભાષા અને સાહિત્યની અનુકરણીય અને સંસ્મરણીય સેવા કરી. મરાઠી દૈનિકો અને મૅગેઝીનોમાં ઘણાં લેખો અને કાવ્યોનું પ્રદાન કર્યું. મરાઠીના પ્રાચીન કવિ મોરો પંતની રચના ‘ભરતકાવ્ય’ તેમણે સુધારીને નવી આવૃત્તિ પ્રગટ કરી. બાળ ગંગાધર ટિળક વાલ્મીકિના રામાયણમાં દર્શાવેલ પર્ણશાળા મહારાષ્ટ્રમાં આવેલ નાશિકમાં હોવાનું માનતા હતા; જ્યારે લક્ષ્મણરાવે ઝીણવટપૂર્વકના સંશોધન દ્વારા પુરવાર કર્યું કે તે પર્ણશાળા આંધ્રપ્રદેશ ભદ્રાચલમ્ નજીક આવેલી છે.
તેમને તેમની માતૃભાષા પ્રત્યે ઘણું માન હતું. તેમણે તેલુગુ મૅગેઝીનોમાં સંખ્યાબંધ લેખો લખ્યા. તે દરમિયાન ‘શિવાજીચરિત્ર’ પ્રગટ કર્યું. કૃષ્ણ જિલ્લામાં મુનગલાના રાજા નયની વેંકટ રંગા રાવ બહાદુરની તેમણે સેવા કરી, જેમણે તેમને તેલુગુ સાહિત્યના પ્રસાર માટે ઘણી સહાય કરી.
1901માં તેમણે હૈદરાબાદમાં ‘શ્રીકૃષ્ણદેવરાય આંધ્ર ભાષા નિલયમ્’ની સ્થાપના કરી. સમગ્ર આંધ્રપ્રદેશમાં આધુનિક પદ્ધતિએ સ્થપાયેલી આ સૌપ્રથમ જાહેર લાઇબ્રેરી હતી અને ત્યારથી તે વિદ્યાનું મહાન કેન્દ્ર બની રહી. 1905માં તેમણે હૈદરાબાદમાં ‘વિજ્ઞાનચંદ્રિકા ગ્રંથમાલા’ની સ્થાપના કરીને બીજું નોંધપાત્ર કાર્ય કર્યું, તેના દ્વારા ખ્યાતનામ પંડિતો/વિદ્વાનો દ્વારા રચાયેલ ઇતિહાસ, ચરિત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર વગેરેના અનેક ગ્રંથો પ્રગટ થયા. વળી આ સંસ્થા દ્વારા લક્ષ્મણરાવના ‘મહાયુગમ્’ અને ‘મહમ્મદિયા મહાયુગમ્’ નામક બે મહાન ઐતિહાસિક ગ્રંથો પ્રગટ થયા.
તેમનું સૌથી મહાન સાહિત્યિક પ્રદાન હતું : ‘આંધ્ર વિજ્ઞાન-સર્વસ્વમુ’(આંધ્ર એન્સાઇક્લોપીડિયા)નું. તે તેમનાં જ્ઞાન અને સાહિત્યપરક રુચિની વ્યાપક સ્તરીય વિવિધતાનું વાસ્તવિક પ્રમાણ છે. તે કૃતિ તેમના સંપાદનકાર્ય હેઠળ, વર્ણમાળાના ક્રમમાં લેખો ગોઠવીને 2,000 પાનાંવાળા 3 ગ્રંથોમાં પ્રગટ કરાઈ છે. તેમાં વિવિધ વિષયો પરનાં 1,000 અધિકરણો સમાવિષ્ટ છે, જેમાં 35થી વધુ લેખો તો લક્ષ્મણરાવના છે.
તેમણે ‘લક્ષ્મણરાવ વ્યાસવલિ’ નામક નિબંધસંગ્રહ આપ્યો હતો. તેમણે ઐતિહાસિક સંશોધનને પ્રોત્સાહન આપવા, વૈજ્ઞાનિક સાહિત્ય અને સાહિત્યિક વિવેચનગ્રંથો તથા ક્યારેય પ્રકાશિત ન થયા હોય તેવા ગ્રંથો પ્રગટ કરવાના ઉદ્દેશથી ઐતિહાસિક સંશોધન મંડળની હૈદરાબાદમાં સ્થાપના કરી. આમ તેમણે તત્કાલીન તેલુગુ સાહિત્યમાં અને સંશોધનક્ષેત્રે કરેલું પ્રદાન અનન્ય ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા