લક્ષ્મણ : સંસ્કૃત ભાષાના આદિકાવ્ય રામાયણનું એક મુખ્ય પાત્ર. સૂર્યવંશમાં ઇક્ષ્વાકુકુળના, અયોધ્યાના રાજા દશરથ અને રાણી સુમિત્રાના પુત્ર તથા રામના નાના ભાઈ. જનકપુત્રી ઊર્મિલાના પતિ તરીકે તેઓ રામાયણમાં વર્ણવાયા છે. તેઓ શેષના અવતાર હતા એમ પુરાણો કહે છે. તેમને અંગદ અને ચંદ્રકેતુ નામના બે પુત્રો હતા અને રામે બંને પુત્રોને અંગદીયા પુરી અને ચંદ્રકાન્ત પુરી રાજધાની તરીકે ભેટ આપેલી. લક્ષ્મણને કૌશલ્યાપુત્ર, મોટા ભાઈ રામ પ્રત્યે અતિશય પ્રીતિ હતી. ભોજન, ખેલ, મૃગયા, નિદ્રા વગેરેમાં લક્ષ્મણ રામની સાથે જ રહેતા. મહેલમાં કે વનમાં પડછાયાની જેમ તેમણે જીવનમાં રામનું અનુસરણ કરેલું. રામની જેમ તેઓ સોહામણા હતા એવો ઉલ્લેખ રામાયણમાં મળે છે. લક્ષ્મણે બીજા ભાઈઓની સાથે વેદ, શાસ્ત્ર અને ધનુર્વેદનું અધ્યયન કર્યું હતું. તેઓ વૃદ્ધોપસેવી અને સમર્થ છતાં બડાઈથી દૂર રહેનારા હતા.
વસિષ્ઠના કહેવાથી દશરથે, લક્ષ્મણની સાથે રામને વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવા મોકલ્યા હતા. ત્યાં રામ-લક્ષ્મણ પ્રાત:સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય આપતા અને ગાયત્રી-જપ કરતા.
લક્ષ્મણનો સ્વભાવ એવો હતો કે કોઈ પણ પ્રસંગે તે ઉતાવળથી રોષપૂર્ણ પ્રતિક્રિયા દર્શાવતા. કૈકેયીના કહેવાથી પિતા દશરથ રામને વનવાસ આપવા નિશ્ચય કરે છે; ત્યારે લક્ષ્મણ કહે છે કે સ્ત્રીને વશ થયેલા બુદ્ધિભ્રષ્ટ પિતાનું વચન પાળવું યોગ્ય નથી. તે રોષમાં કહે છે કે ઉન્માર્ગે ચડેલા પિતા ઉપર શાસન કરવું જોઈએ; રામનો જ રાજ્યાભિષેક થવો જોઈએ. લોકો મૃદુ સ્વભાવવાળાને જ દબાવતા હોય છે. રામ લક્ષ્મણને, વનવાસની પ્રાપ્તિ એ દૈવકર્મ છે એમ કહીને, શાંત કરે છે. આ પ્રસંગે લક્ષ્મણ દૈવની નિન્દા અને પુરુષાર્થની પ્રશંસા કરે છે : વીર્યહીન જનો જ દૈવને અનુસરે છે. લક્ષ્મણ, વનવાસ આપનારાઓને પુરુષાર્થ દ્વારા વનવાસ આપવા ઇચ્છે છે. તે કહે છે કે ધનુષ્ય, બાણ, તલવાર અને બાહુ માત્ર શોભા માટે નથી. ક્રોધમાં તે, મહાસર્પની જેમ ફૂંફાડા મારે છે. રામ પ્રત્યેના ભ્રાતૃભાવને કારણે પરશુરામને શિવધનુષ્યભંગ-પ્રસંગે ઉશ્કેરાઈને તેઓ કઠોર વચનો કહે છે.
લક્ષ્મણનો રામ પ્રત્યેનો અતિશય સ્નેહ ‘રામ જો અગ્નિમાં કે અરણ્યમાં પ્રવેશે તો તે પ્રથમથી જ પ્રવેશી ગયેલો હશે’ એવી તેમની ઉક્તિમાં પ્રગટ થાય છે. તે રામના કિંકર બનીને રહેવા ઇચ્છે છે. અશ્રુભરી આંખે લક્ષ્મણ પોતાને વનમાં સાથે લઈ જવા અતિશય આગ્રહ સાથે રામને વીનવે છે. રામ નાછૂટકે સંમતિ આપે છે અને ત્યારે તે પ્રસન્ન થાય છે.
વનમાં આહાર અને નિદ્રાનો 14 વર્ષ સુધી ત્યાગ કરી રામ અને સીતા પર્ણશય્યા પર સૂએ છે ત્યારે લક્ષ્મણ ખડે પગે ઊભા રહીને તેમની ચોકી કરે છે. તેઓ ઉતાવળે નિર્ણય લે છે. ભરત સૈન્ય સાથે રામને મળવા વનમાં આવે છે ત્યારે લક્ષ્મણ માની લે છે કે ભરત તેમને હણવા આવે છે. તેથી ભરત વધને પાત્ર છે એમ તેઓ કહે છે. માયામૃગ મારીચના પ્રસંગે રામે લક્ષ્મણને સીતાના રક્ષણની જવાબદારી સોંપી હતી; પરંતુ મરતાં મરતાં મારીચના ‘હા સીતા, હા લક્ષ્મણ’ એવા કપટપૂર્ણ અવાજથી છેતરાઈને સીતાએ લક્ષ્મણને રામનું રક્ષણ કરવા, શીઘ્રતાથી દોડી જવા કહ્યું; પરંતુ રામને કોઈ મારી શકે નહિ એવી ખાતરી તેમને હતી. તેથી તેઓ સીતારક્ષણનું કર્તવ્ય છોડતા નથી. આખરે સીતા તેમને ‘ક્રૂર’, ‘કુલકલંક’ કહીને, પોતાની ઉપર તેની કુષ્ટિ છે એવો આરોપ મૂકે છે; ત્યારે લક્ષ્મણ રોષમાં રામની પાસે દોડી જાય છે. તે સમયે રામ તો તેમને સોંપેલા કર્તવ્યને છોડીને દોડી આવવા બદલ ઠપકો આપે છે. આ અવસરે જ રાવણ સીતાનું હરણ કરે છે. શૂર્પણખાનાં નાક-કાન છેદીને લક્ષ્મણ સીતાને બચાવે છે.
સીતાહરણથી ક્રોધે ભરાયેલા રામને લક્ષ્મણ શાંત કરે છે. શોકથી શિથિલ બનેલા રામના જ્ઞાનને તેઓ જાગ્રત કરે છે. રામે વાલીને મારીને સુગ્રીવને રાજ્ય અપાવ્યું હતું. ઘણો સમય વીતી જવા છતાં સુગ્રીવ રામને સહાય કરતો નહોતો. તેથી લક્ષ્મણ સુગ્રીવ ઉપર ક્રોધ કરે છે. રામ તેમને શાંતિથી કામ લેવા કહે છે. છતાં સુગ્રીવ પ્રત્યે રોષ રાખીને પર્વતશિખર જેવા ધનુષ્યને લઈને મંદરપર્વત જેવો લક્ષ્મણ કિષ્કિન્ધા નગરીમાં સુગ્રીવના મહેલમાં જાય છે. અંત:પુરમાં જતાં તે લજ્જા અનુભવે છે. ધનુષ્યના ટંકાર દ્વારા તે પોતાના આગમનની જાણ કરે છે. મદિરાપાન અને વિલાસ પ્રત્યે લક્ષ્મણને અણગમો છે. તે માને છે કે મદિરાપાનથી ધર્મ, અર્થ અને કામ ત્રણેય પુરુષાર્થ નષ્ટ થાય છે. અંત:પુરમાં સ્ત્રીને આલિંગીને બેઠેલા સુગ્રીવને જોઈને લક્ષ્મણ ક્રોધે ભરાય છે. તે કટુવચનો સંભળાવે છે અને કહે છે કે આદર્શ રાજા જિતેન્દ્રિય, સત્યવાદી અને કૃતજ્ઞ હોવો જોઈએ. અંતે તે શાંત થાય છે અને કટુવચન કહેવા બદલ સુગ્રીવની પાસે ક્ષમા માગે છે.
યુદ્ધમાં ઇન્દ્રજિતે સીતાની હત્યા કરી એવી અફવા સાંભળીને રામ મૂર્ચ્છા પામે છે ત્યારે લક્ષ્મણ ધર્મપાલનને ધિક્કારે છે. અર્થની પ્રાપ્તિની પ્રશંસા કરે છે. ત્રણ રાત-દિવસ યુદ્ધ કરીને લક્ષ્મણ ઇન્દ્રજિતને પરાક્રમ અને વીરતાથી હણે છે ત્યારે રામ તેમની ખૂબ પ્રશંસા કરે છે. રાવણનાં શક્તિ-અસ્ત્રથી લક્ષ્મણ મૂર્ચ્છા પામે છે ત્યારે રામને જીવવું ગમતું નથી. સંજીવની ઔષધિથી લક્ષ્મણ પાછા ભાનમાં આવે છે ત્યારે રામને ખૂબ આનંદ થાય છે, પરંતુ લક્ષ્મણ રામને રાવણવધની પ્રતિજ્ઞા જલદી પૂરી કરવા પ્રેરે છે. રાજ્યાભિષેક થયા પછી રામ લક્ષ્મણને યુવરાજપદ આપવા પ્રસ્તાવ મૂકે છે, પરંતુ નિ:સ્પૃહી લક્ષ્મણ તેનો અસ્વીકાર કરીને અંતે ભરતને તે પદ આપવા કહે છે. લક્ષ્મણ વૈરાગ્યશીલ અને જ્ઞાનના અધિકારી છે તેથી લક્ષ્મણે બ્રહ્મવિદ્યા આપવા વિનંતી કરતાં રામ લક્ષ્મણને બ્રહ્મવિદ્યાનું જ્ઞાન આપે છે. પૃથ્વી પર રામનો કાલ પૂરો થયો એટલે બ્રહ્મા તાપસરૂપે દૂતને રામની પાસે મોકલે છે. એ પ્રસંગે દૂત રામ પાસે એવી પ્રતિજ્ઞા લેવડાવે છે કે આ વાત દૂત અને રામ વચ્ચે ચાલતી હશે ત્યારે જે કોઈ પ્રવેશે તેનો રામે વધ કરવો. દ્વાર પર ઊભેલા લક્ષ્મણ પાસે દુર્વાસા આવીને રામને મળવાની ઇચ્છા વ્યક્ત કરે છે. જો ન જવા દેવામાં આવે તો દુર્વાસા આખા રાજ્યને શાપ આપે; તેથી સમષ્ટિના હિત માટે લક્ષ્મણ ચર્ચા દરમિયાન અંદર જઈને દુર્વાસાના આગમનની ખબર આપે છે. પરિણામે રામ લક્ષ્મણનો વધ કરવાને બદલે, વસિષ્ઠના કહેવાથી તેમનો નિત્યત્યાગ કરે છે. સરયૂના કિનારે સમાધિલીન લક્ષ્મણને સદેહે ઇન્દ્ર સ્વર્ગમાં લઈ જાય છે. લક્ષ્મણ નિ:સ્પૃહી છે. રામનો રાજ્યાભિષેક થયા બાદ, રામ તેમને યુવરાજપદ આપવા તૈયાર થાય છે; પરંતુ, ભરત મોટા હોવાથી લક્ષ્મણ એ પદ સ્વીકારતા નથી. વળી, સીતાના આભૂષણની ઓળખના પ્રસંગે લક્ષ્મણ કહે છે કે પોતે માત્ર સીતાના ઝાંઝરને જાણે છે; કારણ કે નિત્ય ચરણવંદન કરતી વખતે તેમને ઝાંઝર દેખાતાં. આ તેમનું ઉદાત્ત ચારિત્ર્ય દર્શાવે છે. આમ લક્ષ્મણ ભારતીય સંસ્કૃતિમાં આદર્શ ભાઈનું એક ઉત્તમ પ્રતીક છે.
લક્ષ્મેશ વ. જોશી