લંકાદહન : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1917, શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : ફાળકે ફિલ્મ્સ. નિર્માતા, દિગ્દર્શક અને કથા : ડી. જી. ફાળકે. છબિકલા : ત્ર્યંબક બી. તેલંગ. મુખ્ય કલાકારો : અન્ના સાળુંકે, શિંદે, મંદાકિની ફાળકે. ભારતમાં ચલચિત્રોનું નિર્માણ શરૂ થયું એનાં પ્રારંભનાં વર્ષોમાં નિર્માણ પામેલું આ મૂક ચલચિત્ર કળા અને વ્યવસાય બંને દૃષ્ટિએ ખૂબ નોંધપાત્ર રહ્યું હતું. સમય જતાં દાદાસાહેબ ફાળકે તરીકે ખ્યાતિ મેળવનાર ડી. જી. ફાળકેએ સ્થાપેલી નિર્માણ-કંપની ફાળકે ફિલ્મ્સનું આ આખરી ચિત્ર હતું. એ પછી ફાળકેએ નાસિક જઈને એક નવી નિર્માણ-કંપની ‘હિન્દુસ્તાન ફિલ્મ કંપની’ની સ્થાપના કરી હતી. રામાયણના અત્યંત જાણીતા પ્રસંગ પર આધારિત આ ચિત્રમાં ફાળકેએ એ જમાનામાં જોનારાઓ આશ્ચર્યચકિત થઈ જાય એવી ટ્રિક-ફોટોગ્રાફીનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. હનુમાન મોટી છલાંગ મારીને સાગર ઓળંગે છે, અશોકવનમાં સીતાને મળીને રામે મોકલાવેલી વીંટી આપે છે અને ખાસ તો રાક્ષસો હનુમાનને પકડીને રાવણના દરબારમાં રજૂ કરે છે ત્યારે હનુમાન પોતાના પૂંછડાનું આસન બનાવી રાવણ કરતાં ઊંચા બેસે છે અને રાવણ જ્યારે પૂંછડાને સળગાવી દેવાનો આદેશ કરે છે ત્યારે સળગતા પૂંછડા વડે હનુમાન આખી લંકાને ભડભડતી કરી દે છે – એ બધા પ્રસંગોની ફાળકેએ એવી સુંદર રજૂઆત કરી હતી કે પ્રેક્ષકો વારંવાર તે જોતાં ધરાતા નહોતા. એ સમયની જે ઉપલબ્ધ વિગતો છે તે મુજબ ચેન્નાઈ(મદ્રાસ)માં આ ચિત્રને રોજની એટલી આવક થતી હતી કે રોકડા રૂપિયાની કોથળીઓ બળદગાડામાં લાદીને લઈ જવી પડતી હતી ! ‘લંકાદહન’ના નિર્માણ અને તેની સફળતાની કહાણી ફાળકેએ ‘નવયુગ’ નામના એક સામયિકમાં ચાર હપતામાં આલેખી હતી.
હરસુખ થાનકી