આર્બર, વર્નર (જ. 3 જૂન 1929, ગ્રાનિકેમ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિટ્ઝર્લૅન્ડના પ્રસિદ્ધ સૂક્ષ્મજીવશાસ્ત્રી. શરીરક્રિયાશાસ્ત્રમાં પ્રતિબંધક ઉત્સેચકો અને તેમના આણ્વિક જનીનવિદ્યા(molecular genetics)માં ઉપયોગને લગતી શોધ માટે તેમને 1978નું નોબેલ પારિતોષિક નાથાન્સ અને હૅમિલ્ટન ઑર્થોનેલ સ્મિથની સાથે એનાયત થયેલું.

Werber Arber

વર્નર આર્બર

સૌ. "Werber Arber" | CC BY-SA 4.0

પ્રતિબદ્ધ ઉત્સેચકો ડી.એન.એ.ના મોટા અણુઓને તોડીને તેમનું મહત્વની જનીનીય માહિતી દર્શાવતા નાના વિભાગોમાં વિભાજન કરે છે એ તેમણે શોધી બતાવ્યું. યુનિ. ઑવ્ જિનીવા અને યુનિ. ઑવ્ સાઉથ કૅલિફૉર્નિયામાં તેમણે આ અભ્યાસ કર્યો હતો. 1960-70ના ગાળામાં તેઓ યુનિ. ઑવ્ બેસલમાં સૂક્ષ્મજીવવિદ્યાના પ્રાધ્યાપક હતા. 1950-60ના અરસામાં ‘જીવાણુનિયંતા (bacteriophage) જેમ જીવાણુમાં વિકૃતિઓ (mutations) સર્જે છે તેમ તેમના પોતાનામાં પણ વિકૃતિઓ ઉત્પન્ન થાય છે.’ તે બાબત સાલ્વાડૉર ભુરિયાએ કરેલા સંશોધનને આર્બરે આગળ ધપાવ્યું. આર્બરનું સંશોધન જીવાણુમાં રહેલા રક્ષણાત્મક ઉત્સેચકો વિશે હતું. ચેપકારી વિષાણુના ડી. એન. એ.માં થયેલી વિકૃતિને સુધારવાનું શક્ય છે, એમ તેમણે સિદ્ધ કર્યું છે.

હરિત દેરાસરી