ર્દષ્ટિસ્વાસ્થ્ય : જોવાની ક્ષમતા જાળવી રાખવી તથા અંધાપો આવતો રોકવાનું પૂર્વનિવારણ કરવું તે. અંધાપો (blindness) એક વૈશ્વિક સમસ્યા છે અને તેથી વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ તેના પૂર્વનિવારણ (prevention) માટે વિવિધ અભ્યાસો યોજ્યા છે તથા સુવ્યવસ્થિત સૂચનો કરેલાં છે. 1966ના WHO-એ કરેલા અભ્યાસમાં દર્શાવ્યું હતું કે વિશ્વમાં અંધાપા માટેની જુદી જુદી 65 પ્રકારની વ્યાખ્યાઓ ઉપલબ્ધ છે. સંપૂર્ણ અંધાપો, અર્થશાસ્ત્રીય અંધાપો, સામાજિક અંધાપો એમ વિવિધ પરિમાણોને અનુલક્ષીને અંધાપાને વિવિધ રીતે વર્ણવાયેલો છે. 1972માં 25મી વિશ્વ આરોગ્ય મહાસભા(World Health Assembly)માં અંધાપાની વ્યાખ્યા સુનિશ્ચિત કરાઈ છે. તે પ્રમાણે સ્નેલેનના ચાર્ટમાં 3/60 જેટલી કે તેનાથી ઓછી ર્દષ્ટિતીવ્રતા (acuity of vision) હોય તો તેને અંધાપો ગણવામાં આવે છે. 1975માં તેમાં સુધારો કરીને WHO દ્વારા ર્દષ્ટિની ખામી (visual impairment) માટેનાં પરિમાણો પણ નક્કી કરવામાં આવ્યાં છે.
સારણી 1 : ર્દષ્ટિની ખામીની કક્ષાઓ (categories) તથા અંધાપો
ર્દષ્ટિની ખામીની કક્ષાઓ |
ર્દષ્ટિતીવ્રતા (સ્નેલેનના ચાર્ટ મુજબ) | ||
વધુમાં વધુ | ઓછામાં ઓછી | ||
ઝાંખી ર્દષ્ટિ | 1 | 6/18 | 6/60 |
2 | 6/60 | 3/60 | |
અંધાપો | 3 | 3/60 (3 મી.ના અંતરે આંગળીઓ ગણી શકાય.) | 1/60 (1મી.ના અંતરે આંગળીઓ ગણી શકાય.) |
4 | 1/60 (1 મી.નાઅંતરે ગણી શકાય.) | ફક્ત પ્રકાશની હાજરી જણાય. | |
5 | પ્રકાશની હાજરીની પણ ખબર ન પડે. |
જો વ્યક્તિ 1 અથવા 2 કક્ષામાં હોય તો તેને ઝાંખી ર્દષ્ટિ કહે છે અને 3, 4 કે 5 કક્ષામાં હોય તો તેને અંધાપો કહે છે. 6/18 કે તેથી વધુ ર્દષ્ટિ હોય તો તેને ‘O’ કક્ષા કહેવામાં આવે છે અને તે તંદુરસ્તી સૂચવે છે.
અંધાપાનો પ્રશ્ન વૈશ્વિક હોવા છતાં તે જુદાં જુદાં સ્થળોએ જુદા જુદા પ્રકારનો અને જુદાં જુદાં પ્રમાણમાં જોવા મળે છે. નેવુંના દાયકાની શરૂઆતમાં વિશ્વમાં ઓછામાં ઓછા 280 લાખ માણસો અંધાપો ધરાવતા હતા (ર્દષ્ટિતીવ્રતા 3/60 કે તેથી ઓછી). કેટલાક ઔદ્યોગિક દેશોમાં કાયદાકીય અંધાપાનું સ્તર 6/60 ર્દષ્ટિ એટલે કે 6 મી.ના અંતરે આંગળીઓ ગણવાની ક્ષમતા ન હોવી તે ગણાય છે. તે પ્રમાણે 420 લાખ માણસો અંધાપાથી પીડિત હતા એવું મનાય. વિશ્વના 90 % અંધ માણસો વિકાસશીલ દેશોનાં ગામડાંમાં રહે છે. યુરોપમાં દર 1 લાખની વસ્તીએ 51 વ્યક્તિ અંધ હતી. USAમાં દર 1 લાખની વસ્તીએ 214, ભારતમાં 500થી વધુ અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં 3000 વ્યક્તિ અંધ હતી. વિકાસશીલ દેશોમાં 2/3 ભાગનો અંધાપો યોગ્ય જાળવણી અને પગલાં વડે અટકાવી શકાય તેમ છે. અંધાપાનું મુખ્ય અને લગભગ અર્ધા જેટલી અંધ વ્યક્તિઓમાં જોવા મળતું કારણ મોતિયો છે. 1985માં કપુર અને કુન્ડુ દ્વારા કરાયેલા અભ્યાસ પ્રમાણે ભારતમાંની અંધ વ્યક્તિઓમાં 55 %ને મોતિયાને કારણે અંધાપો આવ્યો હતો. નેત્રખીલ (trachoma) અને તેને સંબંધિત ચેપથી 20 %ને અંધાપો આવે છે. શીતળા (3 %), અપૂરતું પોષણ (2 %), ઈજા (1.2 %) તથા ઝામર (0.8 %)થી અંધાપો આવવાનું ઓછું બને છે. જન્મજાત વિકારો, કનીનિકાપટલ (iris) તથા સકશાકાય (ciliary body) તેમજ રક્તક(choroid)માં આવતો સોજો જેને મધ્યસ્તરશોથ (ureatis) કહે છે તે, ર્દષ્ટિપટલ-વિયોજન અથવા પડદો ખસી જવાનો વિકાર, ગાંઠ, મધુપ્રમેહ લોહીનું ઊંચું દબાણ, ચેતાતંત્રના રોગો, કુષ્ઠરોગ (leprosy) વગેરે વિવિધ રોગો અને વિકારો 18 % કિસ્સામાં અંધાપો આણે છે, USA જેવા વિકસિત દેશમાં મધુપ્રમેહને કારણે અંધાપો આવવાનું સૌથી વધુ બને છે. આમ વિકાસશીલ અને વિકસિત દેશોમાં અંધાપાનાં કારણોમાં તફાવત રહે છે. ભારતના કેટલાક ભાગોમાં 90 % કિસ્સામાં અંધાપો મોતિયાને લીધે જ થાય છે તેવું પણ નોંધાયેલું છે. મોતિયાની શસ્ત્રક્રિયા વડે આ પ્રકારનો અંધાપો મટાડી શકાય છે. એક અંદાજ પ્રમાણે ભારતનાં 1200 લાખ માણસોને નેત્રખીલ થાય છે. તેને કાબૂમાં લેવાના પ્રયત્નો ઘણા સફળ રહ્યા છે. વિટામિન-એની ઊણપ કાયમી અંધાપો લાવે છે. વિકસિત દેશોમાં મધુપ્રમેહ ઉપરાંત અકસ્માત, ઝામર, લોહીનું ઊંચું દબાણ, મોતિયો તથા આંખની અપક્ષીણતા (degeneration) ધરાવતા કે વારસાગત વિકારો અંધાપો લાવે છે.
ભારતમાં 30 % અંધ વ્યક્તિઓની ઉંમર 20 વર્ષથી નીચે છે. તેનાં મુખ્ય કારણો રૂપે નેત્રખીલ, નેત્રકલાશોથ (conjunctivitis) તથા વિટામિન-એ ની ઊણપ છે. મોટી ઉંમરે (40 વર્ષની આસપાસ કે વધુ ઉંમરે) મોતિયો, ઝામર, મધુપ્રમેહ અને ઈજાઓ અંધાપો લાવે છે. ભારતમાં સ્ત્રીઓમાં અંધાપો વધુ જોવા મળે છે. પ્રોટીન-કૅલરીનું કુપોષણ અને વિટામિન-એની ઊણપ અંધાપો લાવે છે. વ્યાવસાયિક ઈજા પણ અંધાપાનું અગત્યનું કારણ છે. ગરીબાઈ અંધાપો લાવવા માટેનું એક અગત્યનું પરિબળ છે.
આમ, વિવિધ કારણો દ્વારા અંધાપો આવતો હોઈ તે તે કારણોને મૂળથી અટકાવવાં જરૂરી ગણાય છે. વિવિધ અભ્યાસોએ ર્દષ્ટિસ્વાસ્થ્યના સિદ્ધાંતો અને તેના અમલમાં ફેરફાર આણ્યો છે. હાલ પ્રાથમિક સારવાર તથા પ્રાથમિક આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં ર્દષ્ટિસ્વાસ્થ્ય તથા આંખની સારવારને વણી લેવાઈ છે. વસ્તીરોગવિદ્યા(epidemiology)ના અભ્યાસો વડે અંધાપાનું પ્રમાણ અને તેનાં કારણો અંગે જાણકારી મેળવાય છે. ગ્રામીણ આરોગ્યપથદર્શકો (village health guides), નેત્રવિદ્યાના સહાયકો (ophthalmic assistants), સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળાના શિક્ષકો વગેરેની સહાય વડે નેત્રવિદ (ophthalmologist) ર્દષ્ટિસ્વાસ્થ્યના કાર્યક્રમોનું આયોજન કરી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને નગરી આંખની હૉસ્પિટલ દ્વારા શાળા-શિક્ષકોની તાલીમનો એક આવો કાર્યક્રમ અમલમાં આણ્યો છે. ર્દષ્ટિસ્વાસ્થ્ય માટે રાષ્ટ્રીય આરોગ્યલક્ષી કાર્યક્રમો પણ અમલમાં આવેલ છે; જેમ કે, નેત્રખીલ નિયંત્રણ કાર્યક્રમ. ભારતના રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમમાં નક્કી કરેલી નેમ મુજબ અંધાપાનું વસ્તીપ્રમાણ જેટલું નીચે લાવી શકાય તેટલું નીચે લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
અંધાપાનુંપૂર્વનિવારણઅનેસારવાર : નેત્રખીલ, શીતળા વગેરે ચેપી રોગોના નિયંત્રણ દ્વારા અંધાપો થતો અટકાવવો, બાળસ્વાસ્થ્ય પર અને ખાસ કરીને શાળામાં ભણતાં બાળકોની આંખની વારંવાર તપાસ કરીને નેત્રખીલ, પોષણનો અભાવ વગેરે પરિબળો શોધી કાઢીને તેમની સારવાર કરવી તથા આકસ્મિક ઈજા થવાની સંભાવના માટે ચેતવણીઓ આપવી વગેરે વિવિધ બાબતોનું ખાસ ધ્યાન રખાય છે. અંધાપો આણે તેવા વિકારો અને રોગોની પ્રાથમિક, દ્વૈતીયિક અને તૃતીયક (tertiary) સંભાળ (care) લેવાનું યોજવામાં આવે છે. ઉગ્ર પ્રકારની આંખ આવવી, નવજાત શિશુની આંખ આવવી, નેત્રખીલ થવા, આંખમાં બહારની બાજુ કોઈ બાહ્ય પદાર્થ પડવો, વિટામિન-એની ઊણપથી આંખની મૃદુત્વચા સુકાઈ જવી (શુષ્કનેત્રતા, xerophthalmia) વગેરે વિવિધ વિકારને ગ્રામીણ આરોગ્યસેવકો કે શાળાશિક્ષકોને તાલીમ આપીને તેમના દ્વારા બાળકોમાંથી શોધી કઢાય છે અને સામાન્ય સ્થાનિક દવાઓ કે વિટામિન-એની કૅપ્સ્યૂલ વડે તેની સારવાર કરાય છે. તેને પ્રાથમિક સંભાળ (primary care) કહે છે.
મોતિયો, આંખની અંદર ઈજા કે બાહ્ય પદાર્થ, ઝામર જેવા વિવિધ રોગો કે વિકારોથી અંધાપો આવતો હોય તો તેની સારવાર કરાય છે. તે નેત્રવિદ કરે છે, અને તેને દ્વૈતીયિક સંભાળ (secondary care) કહે છે. તે માટે જરૂર પડ્યે સારવાર શિબિરો (treatment camps) કે ચલનશીલ એકમો(mobile units)નું આયોજન કરાય છે. ર્દષ્ટિપટલ ઊખડી ગયો હોય, (ર્દષ્ટિપટલવિયોજન – retinal detachment) હોય, સ્વચ્છા-નિરોપ (corneal grafting) કરવાનું હોય, વગેરે અતિઆધુનિક સારવારની પદ્ધતિઓ મોટી હૉસ્પિટલો અને સંસ્થાઓમાં શક્ય બને છે. તેને તૃતીયિક સંભાળ કહે છે.
ભારતમાં 4 મહત્વના ર્દષ્ટિસ્વાસ્થ્યને લગતા કાર્યક્રમો ચાલે છે – નેત્રખીલનિયંત્રણ, શાળાકીય નેત્રસ્વાસ્થ્યસેવા, વિટામિન-એ પ્રતિરોધ અને વ્યવસાયલક્ષી નેત્રસ્વાસ્થ્યસેવાઓ. નેત્રખીલનિયંત્રણ કાર્યક્રમ 1963માં શરૂ થયો હતો અને તેને 1976માં અંધત્વનિયંત્રણ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભેળવી દેવાયો છે. શાળાઓમાં વક્રીભવનની ખામી (ચશ્માંની જરૂરિયાત), ત્રાંસી આંખ, નેત્રખીલ અને વિટામિન-એની ઊણપને શોધી કઢાય છે. વિટામિન-એ પ્રતિરોધ(prophylaxis)ના કાર્યક્રમ અંતર્ગત 1 થી 6 વર્ષનાં બાળકોને દર 6 મહિને એક વખત 2 લાખ ઇન્ટરનેશનલ-યુનિટ (IU) જેટલું વિટામિન-એ મોં વાટે અપાય છે. વ્યવસાયના સ્થળે પૂરતો પ્રકાશ મળે, આકસ્મિક ઈજાઓ ઘટે તથા કર્મચારીઓનું પોષણ જળવાઈ રહે તે પણ જોવાય છે.
માહિતીનો ફેલાવો, સભાનતા કેળવવાની પ્રક્રિયા, તાત્કાલિક સારવારની ઉપલબ્ધિ તથા વારંવાર નિરીક્ષણ વડે સર્વેક્ષણ-કાર્યક્રમોની ગતિ અને અસરકારતાની જાળવણી – આ 4 મુખ્ય પાસાંઓ વડે રાષ્ટ્રીય કાર્યક્રમોને સફળ બનાવાય છે. ભારતમાં 1952માં અંધજનો માટેનો રાષ્ટ્રીય સંઘ (National Association for the Blind – (NAB) અસ્તિત્વમાં આવેલો છે. 1950માં રૉયલ કૉમનવેલ્થ સોસાયટી પણ આ ક્ષેત્રે કામ કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ 1974માં અંધત્વનિવારણ માટેની આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ સંસ્થા (Internationl Agency for Prevention of Blindness – IAPB) સ્થાપેલી છે. 1946માં અખિલ ભારતીય અંધ સહાયક મંડળી (All India Blind Relief Society – AIBRS) પણ સ્થાપેલી છે.
શિલીન નં. શુક્લ
રોહિત દેસાઈ