ર્દષ્ટિલક્ષી ચેતાપથ

March, 2016

ર્દષ્ટિલક્ષી ચેતાપથ (visual pathway) : ર્દષ્ટિની સંવેદનાનું વહન કરતા ચેતાતંતુઓ અને તેમનું નિયંત્રણ કરતાં ચેતાકેન્દ્રોનો સમૂહ. તેમાં બે ર્દષ્ટિચેતા (optic nerves), ર્દષ્ટિચતુષ્ક (optic chiasma), બે ર્દષ્ટિચેતાપથ (optic tracts), બે પાર્શ્વકોણીય કાય (lateral geniculate bodies), મગજના બંને અર્ધગોળામાં આવેલા ર્દષ્ટિલક્ષી ચેતાવિસ્તરણ (optic radiation) તથા મગજના ર્દષ્ટિલક્ષી બહિ:સ્તર(visual cortex)નો સમાવેશ થાય છે. (આકૃતિ 1).

આંખના ગોળા(નેત્રગોલક)ના પાછલા ભાગમાંથી ર્દષ્ટિચેતા નીકળે છે અને તે પાછળની બાજુ તથા મધ્યરેખા તરફ બીજી આંખની ર્દષ્ટિચેતા સાથે મળીને ચતુષ્ક (ચોકડી) બનાવે છે. આંખમાંના ર્દષ્ટિપટલ(retina)ના નાક તરફના ભાગ તરફથી આવતા ચેતાતંતુઓ ર્દષ્ટિચેતાના નાક તરફના ભાગમાં આવે છે અને ર્દષ્ટિપટલના લમણા તરફના ચેતાતંતુઓ  ર્દષ્ટિચેતાના લમણા તરફના ભાગમાં જાય છે. ર્દષ્ટિબિંદુ(maccula)માંથી આવતા ચેતાતંતુઓ ર્દષ્ટિચેતાના વચલા ભાગમાં અને સહેજ બહારની બાજુએ આવેલા હોય છે. નાક તરફના ચેતાતંતુઓ ચેતાચતુષ્કમાં પોતાની બાજુ બદલે છે. એટલે કે જમણી આંખના નાક તરફના ર્દષ્ટિપટલમાંના ચેતાતંતુઓ ડાબી બાજુના મગજ તરફ જાય છે અને ડાબી બાજુના તે જ પ્રકારના ચેતાતંતુઓ જમણી તરફ જાય છે. બંને આંખના લમણા તરફના ર્દષ્ટિપટલના ચેતાતંતુઓ ર્દષ્ટિચેતાના લમણા તરફના ભાગમાં રહે છે અને ર્દષ્ટિચતુષ્કમાંથી પસાર થઈને પોતાની મૂળ બાજુ પરના મગજ તરફ જાય છે. નાક તરફના ચેતાતંતુઓની બાજુ બદલવાની ક્રિયા(crossing  over)ને પાર્શ્વાંતર કે પક્ષાંતર (decussation) કહે છે.

આકૃતિ 1 : (અ) આંખના ગોળાનો પાછલો ભાગ જ્યાંથી ર્દષ્ટિપટલ-(retina)માં શરૂ થઈને ર્દષ્ટિચેતાતંતુઓ ર્દષ્ટિચેતાચકતી (optic disc) પાસે એકઠા થાય છે અને ર્દષ્ટિચેતા (optic nerve) બનાવે છે. (આ) ર્દષ્ટિચેતાપથનું ચિત્રાંકન અને ર્દષ્ટિક્ષેત્ર, (ઇ) મગજમાં ર્દષ્ટિચેતાપથ (મગજની નીચલી સપાટીનો દેખાવ). નોંધ : (1) આંખનો ગોળો (નેત્રગોલક), (2) આંખના ગોળાનું કાચરસ (virtreous) ભરેલું પોલાણ, (3) ર્દષ્ટિપટલ (retina), (4) ર્દષ્ટિચકતી (optic disc), (5) વર્ણક અધિચ્છદ (pigment epithalium), (6) શંકુકોષ (cone), (7) દંડકોષ (rod), (8) દ્વિધ્રુવીય (bipolar) કોષો, (9) કંદુકીય (ganglion) કોષો, (10) ર્દષ્ટિચેતાતંતુઓ (optic nerve fibres) ર્દષ્ટિપટલમાં, (11) ર્દષ્ટિચેતા (optic nerve)માં ચેતાતંતુઓ, (12) ર્દષ્ટિચેતા, (13) ર્દષ્ટિચતુષ્ક (optic chiasma), (14) પોતાની બાજુએ રહેલા ચેતાતંતુઓ, (15) બાજુ બદલતા ચેતાતંતુઓ, (16) ર્દષ્ટિચેતાતંતુમાર્ગ (optic tract), (17) પાર્શ્વીય કોણીય કાય (lateral gemiculate body), (18) અંત:સંપુટમાંના ચેતાતંતુઓ, (19) મુકુટીય વિસ્તાર(corena radiata)માંના ચેતાતંતુઓ, (20) મગજનો ર્દષ્ટિલક્ષી બહિ:સ્તર (visual cortex), (21) જમણી આંખનું ર્દષ્ટિક્ષેત્ર, (22) ડાબી આંખનું નેત્રક્ષેત્ર, (23) બંને આંખ વડે જોવાતું દ્વિનેત્રી (binoccular) ર્દષ્ટિક્ષેત્ર, (24) ડાબી આંખનું એકનેત્રી (unioccular) ર્દષ્ટિક્ષેત્ર, (25) જમણી આંખનું એકનેત્રી ર્દષ્ટિક્ષેત્ર, (26) મગજના અગ્રસ્થ ખંડ(frontal lobe)ની નીચલી સપાટી જેની નીચે આંખનો ગોળો આવેલો છે, (27) પીયૂષિકા ગ્રંથિ (pituitory gland)નું સ્થાન, (28) મધ્યમસ્તિષ્ક (midbrain), (29) રક્તક (choroid), (30) આંખનું સૌથી બહારનું સફેદ આવરણ.

ર્દષ્ટિચતુષ્ક એક ચોકડી આકારનો બે ર્દષ્ટિચેતાના મેળાપથી બનતો અને બે ર્દષ્ટિચેતાપથની શરૂઆત કરવાનો વિસ્તાર છે. તેના આગલા બે ખૂણે ર્દષ્ટિચેતા પ્રવેશે છે અને પાછલા બે ખૂણેથી ર્દષ્ટિચેતાપથ નીકળે  છે. તે 8 × 12 મિમી.ના ચપટા પટ્ટા જેવો ભાગ છે અને તે પીયૂષિકાગ્રંથિ(pituitary)ની બરાબર ઉપર આવેલો છે. ચેતાતંતુઓના અપૂર્ણ પાર્શ્વાંતર કે પક્ષાંતરને કારણે જમણી બાજુના ર્દષ્ટિચેતાપથમાં બંને ર્દષ્ટિપટલના જમણી બાજુના ભાગ(જમણી આંખનો લમણા તરફનો ભાગ તથા ડાબી આંખનો નાક તરફનો ભાગ)ના ચેતાતંતુઓ અને ડાબી બાજુના ર્દષ્ટિચેતાપથમાં ડાબી બાજુ (ડાબી આંખનો લમણા તરફનો ભાગ તથા જમણી આંખનો નાક તરફનો ભાગ)ના ચેતાતંતુઓ આવેલા હોય છે. તેથી અનુક્રમે ડાબી અને જમણી દિશાના ર્દષ્ટિક્ષેત્રની સંવેદનાઓનું વહન કરે છે. ર્દષ્ટિપટલના ઉપરના ભાગના ચેતાતંતુઓ ર્દષ્ટિચતુષ્કના આગળના ભાગમાં અને ર્દષ્ટિપટલના નીચેના ભાગના ચેતાતંતુઓ ર્દષ્ટિચતુષ્કના પાછળના ભાગમાં પક્ષાંતર કરે છે. ર્દષ્ટિબિંદુમાંના ચેતાતંતુઓનો નાક તરફનો ભાગ પક્ષાંતર કરે છે જ્યારે લમણા તરફનો ભાગ પક્ષાંતર કરતો નથી.

બંને ર્દષ્ટિચેતાપથ ચપટા નળાકાર જેવા છે અને તે પાછળ અને બહારની બાજુએ મધ્યમસ્તિષ્ક(midbrain)માં આવેલા પાર્શ્વકોણીય કાય (lateral geniculate bodies) નામના અંડાકાર ચેતાવિસ્તારમાં જાય છે. તે મોટા મગજ અને મધ્યમસ્તિષ્કને જોડતા મસ્તિષ્ક પ્રદંડ(crus cerebri)ને ગોળ ફરીને જાય છે. તેમાંના ચેતાતંતુઓની ગોઠવણી કોઈ નિશ્ચિત રૂપની હોતી નથી. પાર્શ્વીય કોણીય કાયમાંથી નીકળતા ચેતાતંતુઓ મોટા મગજના પાછળના ભાગમાં આવેલા પશ્ચસ્થ ખંડ(occipital lobe)માં હાથપંખાનાં પીંછાંની માફક ફેલાઈને જાય છે; માટે તેમને ર્દષ્ટિલક્ષી ચેતાવિસ્તરણ (optic rediation) કહે છે. ચેતાવિસ્તરણમાં પ્રવેશતાં પહેલાં તે મોટા મગજના અંત:સ્થચેતા સંપુટ(internal capsule)ના પાછલા શૃંગ(posterior horn)માંથી પસાર થાય છે. ર્દષ્ટિની સંવેદનાનું અર્થઘટન કરતા મોટા મગજના વિસ્તારને ર્દષ્ટિલક્ષી બહિ:સ્તર (visual cortex) કહે છે. ડાબા મગજમાં બંને આંખના ડાબી બાજુના ર્દષ્ટિપટલના વિસ્તારના ચેતાતંતુઓ આવેલ છે અને જમણી બાજુના મગજમાં જમણા ભાગના ચેતાતંતુઓ આવેલ છે. માટે ડાબું મગજ જમણી બાજુના બહારના વિસ્તારની અને જમણું મગજ ડાબી બાજુના બહારના વિસ્તારની (ર્દષ્ટિક્ષેત્રની) માહિતી મેળવે છે. ડાબા મગજના ર્દષ્ટિલક્ષી બહિ:સ્તરના ઉપલા ભાગમાં ડાબી આંખના લમણા તરફના ચેતાતંતુઓ અને નીચેના ભાગમાં જમણી આંખના નાક તરફના ચેતાતંતુઓની સંવેદના આવે છે. તેવી જ રીતે જમણી બાજુના બહિ:સ્તરમાં પણ ઉપરની બાજુઓ જમણી આંખના લમણા તરફના અને નીચે ડાબી આંખના નાક તરફના ચેતાતંતુઓ આવે છે.

સારણી 1 : ર્દષ્ટિચેતાપથના વિવિધ સ્થળે થતા વિકારો અને તેથી ર્દષ્ટિવેધ
ર્દષ્ટિલક્ષી ચેતા પથનો વિસ્તાર ર્દષ્ટિવેધનો પ્રકાર
1. ર્દષ્ટિચેતા (optic nerve) (અ)    જો મધ્ય ભાગના ચેતાતંતુઓ ઈજાગ્રસ્ત થાય તો એક આંખના ર્દષ્ટિક્ષેત્રમાં ડાઘા (scotoma) ઉદભવે છે.

(આ)   જો ચેતાનો નાક બાજુનો ભાગ અસર-  ગ્રસ્ત હોય તો એક આંખનું લમણા બાજુનું ર્દષ્ટિક્ષેત્ર અને જો લમણા બાજુનો ભાગ અસરગ્રસ્ત હોય તો નાક બાજુનું ર્દષ્ટિક્ષેત્ર નાનું થાય છે.

(ઇ)     આવી ર્દષ્ટિચેતા અસરગ્રસ્ત હોય તો તે આંખે જોઈ શકાતું નથી તથા ર્દષ્ટિચકતીની ક્ષીણતા (optic atrophy) થાય છે.

 

2. ર્દષ્ટિચતુષ્ક (optic chiasma) (અ)    મધ્ય ભાગ અસરગ્રસ્ત હોય (દા.ત., પીયૂષિકા (pituitary) ગ્રંથિની ગાંઠ) તો બંને આંખનું લમણા બાજુનું ર્દષ્ટિક્ષેત્ર નાનું થાય છે. તેને દ્વિલમણાક્ષેત્રી અર્ધઅંધાપો (bitemporal hemianopia) કહે છે.

(આ)   જો બહારનો ભાગ (બંને તરફથી) અસરગ્રસ્ત હોય તો બંને આંખનું નાક બાજુનું ર્દષ્ટિક્ષેત્ર નાનું થાય છે. તેને દ્વિનાસિકાક્ષેત્રી અર્ધ-અંધાપો (binasal hemianopia) કહે છે.

 

3. ર્દષ્ટિચેતાપથ(optic tract) બંને આંખમાંનું સામેની બાજુનું ર્દષ્ટિક્ષેત્ર નાનું થાય છે; દા. ત., ડાબી બાજુનો ર્દષ્ટિ-ચેતાપથ રોગગ્રસ્ત હોય તો ડાબી આંખનું
4. પાર્શ્વકોણીય ચેતાકાય (lateral geniculate bodies) થાય છે. નાક તરફનું ર્દષ્ટિક્ષેત્ર અને જમણી આંખનું લમણા તરફનું ર્દષ્ટિક્ષેત્ર એટલે કે બંને આંખનું જમણી બાજુનું ર્દષ્ટિક્ષેત્ર નાનું તેને સમદ્વિપાર્શ્વી અર્ધ-અંધાપો (homonymous hemianopia) કહે છે.
5. ર્દષ્ટિલક્ષી ચેતા- વિસ્તરણ (optic radiation) સમદ્વિપાર્શ્વી અંધાપો થાય છે, પરંતુ આ વિસ્તાર ઘણો મોટો હોવાથી ક્યારેક તેમાં અર્ધર્દષ્ટિક્ષેત્રનો (અર્ધઅંધાપો) અથવા તો

 

6. ર્દષ્ટિલક્ષી બહિ:સ્તર (visual cortex) ક્યારેક એક ચતુર્થાંશ ક્ષેત્રનો (ચતુર્થાંશ અંધાપો) થાય છે.

વિકારો : ર્દષ્ટિલક્ષી ચેતાપથમાં ર્દષ્ટિક્ષેત્રના જુદા જુદા ભાગમાંથી આવતી ર્દષ્ટિ અંગેની સંવેદનાઓ નિશ્ચિત માર્ગેથી વહીને નિશ્ચિત સ્થળે પહોંચે છે માટે ર્દષ્ટિલક્ષી ચેતાપથમાં થતા વિવિધ ચોક્કસ સ્થળના વિકારોમાં ચોક્કસ પ્રકારનો ર્દષ્ટિવેધ (loss of vision) થાય છે. ર્દષ્ટિચેતાપથમાં ઈજાના કારણે લોહીના પરિભ્રમણમાં વિક્ષેપ થવાના કારણે, શોથકારી (inflammatory) સોજો આવવાના કારણે, ગાંઠ થવાના કારણે કે અપક્ષીણતા (degeneration) થવાના કારણે ર્દષ્ટિના વિકારો થાય છે. ર્દષ્ટિચેતાપથમાં જુદા જુદા સ્થળે થતા દોષવિસ્તારો કે વિકારોના કારણે થતો જુદા જુદા પ્રકારનો ર્દષ્ટિનો વેધ (ઘટાડો) સારણી 1માં દર્શાવ્યો છે. જે તે વિકારની મૂળભૂત સારવાર કરવાથી અંધાપો ઘટાડી શકાય છે.

શિલીન નં. શુક્લ

રોહિત દેસાઈ