ર્દષ્ટિપટલનું અલગીકરણ અથવા વિયોજન (detachment of retina) : આંખની અંદરની બાજુનું ર્દષ્ટિપટલનું સ્તર ઊપસીને છૂટું પડવાની ક્રિયા. તેને પડદામાં કાણું પડવું પણ કહે છે. ર્દષ્ટિપટલ એક પાતળો કોમળ પડદો (પટલ, membrane) છે. તે આંખના ગોળાના પોલાણમાં ર્દષ્ટિચકતી(optic disc)થી શરૂ કરીને આગળની બાજુ સકશાકાય (ciliary body) સુધી ફેલાયેલું હોય છે. આંખ ગોળાની દીવાલમાં 3 પડળો હોય છે, જેમાંનું તે સૌથી અંદરનું પડળ છે. તે આંખના આગળના ભાગમાં 0.1 મિમી. જેટલું, મધ્ય કટીબંધ (equator) પર 0.2 મિમી.નું અને પાછળ ર્દષ્ટિચકતી પાસે 0.5 મિમી. જેટલું જાડું હોય છે. આંખની પાછળની બાજુના ધ્રુવબિંદુ પર 1 થી 2 મિમી. નું પીતબિંદુ (yellow spot અથવા macula lutea) આવેલું છે અને તેની વચ્ચે કેન્દ્રીય કટોરિકા (fovea centralis) નામનો નાનો ખાડો આવેલ છે. પીતબિંદુને ર્દષ્ટિબિંદુ પણ કહે છે અને તેના પર એકત્રિત થતાં પ્રકાશનાં કિરણોથી બનતું પ્રતિબિંબ આંખ વડે થતી જોવાની ક્રિયા માટે મહત્વનું ગણાય છે.
ર્દષ્ટિપટલની રચના અને કાર્ય : ર્દષ્ટિપટલમાં જુદા જુદા 10 સ્તર આવેલા છે. ર્દષ્ટિપટલમાં જોવાની સંવેદના માટેના મુખ્ય સ્વીકારક કોષો તરીકે દંડકોષો (rods) અને શંકુકોષો (cones) આવેલા છે તે બહારની બાજુ સ્તર બનાવે છે. સૌથી બહારના પહેલા સ્તરને વર્ણક-અધિચ્છદ(pigment epithelium)નો સ્તર કહે છે. ત્યારપછી ત્રીજાથી સાતમા સ્તરે અનુક્રમે બાહ્ય મર્યાદાકારી પડળ બહિ:સીમાસ્તર, (external limiting membrane), બાહ્યકોષકેન્દ્રી પડળ (outer nuclear layer), બાહ્યજાળીકારી પડળ (outer plexiform layer), દ્વિધ્રુવી કોષો(bipolar cells)વાળું અંતર્ગત કોષકેન્દ્રી પડળ (inner nuclear layer) તથા અંતર્ગત જાળીકારી પડળ (inner plexiform layer) આવેલાં છે. સૌથી અંદરનાં ત્રણ પડળો આઠમું, નવમું અને દસમું પડળ અનુક્રમે કંદુકીય કોષો(ganglion cells)નું પડળ, ચેતાતંતુઓ(nerve fibres)નો સ્તર તથા અંતર્ગત મર્યાદાકારી પડળ અંત: સીમાસ્તર (inner limiting membrane) હોય છે. પીતબિંદુમાં ફક્ત શંકુકોષો હોય છે અને દંડકોષો હોતા નથી. તેમાં ચેતાતંતુઓ પણ હોતા નથી. શંકુકોષોના ત્રાંસા અક્ષતંતુઓ (axons) કેન્દ્રીય કટોરિકાની કિનારી પર પહોંચે છે. બહારનાં 3 પડળો તથા કેન્દ્રીય કટોરિકામાં લોહીની નસો હોતી નથી. તેમનું પોષણ પેશીમાંના પ્રવાહી વડે થાય છે. ર્દષ્ટિપટલના મધ્ય ભાગમાં આવેલા પીતબિંદુમાં ફક્ત શંકુકોષો હોય છે અને તેના દ્વારા દિવસના પ્રકાશમાં ર્દષ્ટિની તીવ્રતા (acuity of vision) અને રંગપરખર્દષ્ટિ (colour vision) ઉદભવે છે. બહારના પરિઘીય (peripherial) ભાગમાં મુખ્યત્વે દંડકોષો હોય છે. તે રાત્રી દરમિયાન ર્દષ્ટિ માટે જરૂરી ગણાય છે. તેમાં રહેલા ર્દષ્ટિલક્ષી જાંબલી વર્ણક(visual purple)ને કારણે આછા પ્રકાશમાં જોઈ શકાય છે.
ર્દષ્ટિપટલનું અલગીકરણ : ગર્ભની ર્દષ્ટિલક્ષી પુટિકા(optic vesicle)ના બે સ્તરમાંથી ર્દષ્ટિપટલ બને છે. ગર્ભીય ર્દષ્ટિલક્ષી પુટિકાના બહારના સ્તરમાંથી વર્ણક-અધિચ્છદ (pigment epithelium) બને છે અને અંદરના સ્તરમાંથી મુખ્યર્દષ્ટિપટલના નવ સ્તરો (પડળો) બને છે. જન્મસમયે આ બંને સ્તર વચ્ચે કોઈ દેખીતી જગ્યા હોતી નથી માટે તેમની વચ્ચેની જગ્યાને સંભવિત અવકાશ (potential space) કહે છે. જો તેમાં પ્રવાહી ભરાય તો બહારના વર્ણક અધિચ્છદ અને અંદરના ચેતાલક્ષી મૂળભૂત ર્દષ્ટિપટલનાં પડળો એકબીજાથી છૂટાં પડે છે. તેને ર્દષ્ટિપટલનું અલગીકરણ કહે છે.
ર્દષ્ટિપટલ-અલગીકરણના મુખ્ય 2 પ્રકારો છે : (1) સાદું અને (2) આનુષંગિક (secondary). જો ર્દષ્ટિપટલમાં કાણું કે ચીરો પડે અને તેમાંથી પ્રવાહી પ્રવેશે તો તેને સાદું ઉન્મૂલન કહે છે. જો આંખના પાછલા ખંડનો પારદર્શક કાચરસ (vitreous) તંદુરસ્ત અને ઘન હોય તો ર્દષ્ટિપટલમાં છિદ્ર પડવા છતાં અલગીકરણ થતું નથી; પરંતુ જો કાચરસ છૂટો પડેલો હોય કે ર્દષ્ટિપટલ અને કાચરસ વચ્ચે તાંતણા ચોંટેલા હોય (adhesions) તો ર્દષ્ટિપટલ સહેલાઈથી છૂટું પડી જાય છે. અન્ય રોગોથી (દા. ત., ગાંઠ) જો ર્દષ્ટિપટલ છૂટું પડે તો તેને આનુષંગિક અલગીકરણ કહે છે. તેની સારવાર કારણભૂત વિકારને અનુરૂપ હોય છે.
મોટી ઉંમરે ર્દષ્ટિપટલ જર્જરિત થાય છે અને તેમાં અપક્ષીણતા (degeneration) થાય છે. તેને કારણે ર્દષ્ટિપટલમાં છિદ્ર પડે છે. દૂરનું જોવા માટેનાં ચશ્માંના વધુ પડતા નંબર કે નેત્રમણિ વગરની આંખ હોય તોપણ ર્દષ્ટિપટલમાં છિદ્ર પડે છે. આવી આંખોમાં સામાન્ય લાગતી ઈજા છિદ્ર પાડી દે છે. અચાનક આંચકા સાથે આંખને ફેરવવાથી પણ, જો કાચરસ ર્દષ્ટિપટલ વચ્ચે તાંતણાઓ ચોંટેલા હોય તો ર્દષ્ટિપટલ છૂટું પડી જાય છે. ર્દષ્ટિપટલમાં ઉદભવતાં છિદ્રો જુદી જુદી સંખ્યા અને જુદા જુદા આકારનાં હોય છે. આંખના મધ્યકટિબંધ પર ઘોડાની નાળના આકારનું અથવા પરિઘીય ર્દષ્ટિપટલ કે પીતબિંદુ પાસે ગોળ-આકારનું છિદ્ર બને છે. ક્યારેક ર્દષ્ટિપટલ અને સકશાકાય(ciliary body)ના જોડાણ પાસેથી ર્દષ્ટિપટલ છિદ્ર રૂપે ઊખડે છે.
નિદાન : મુખ્ય લક્ષણ રૂપે પ્રકાશના ચમકારા દેખાવાની દર્દીની ફરિયાદ હોય છે. દર્દી સામેની વસ્તુને બેડોળ થયેલી જુએ છે તથા તેની આંખ સામે ઝીણા પદાર્થો ઊડતા હોય તેવું તેને લાગે છે. જાણે માખીઓ ઊડતી હોય તેવી આ ફરિયાદને મક્ષિઉડાણ (muscae volitantis) કહે છે. દર્દીને ખૂબ જ ઝાંખું દેખાય છે અને જે ભાગનો ર્દષ્ટિપટલ અલગ પડી ગયો હોય તે ભાગમાં સ્પષ્ટ દેખાતું નથી. આંખની અંદર જોવાના પરીક્ષણને નેત્રાંત:નિરીક્ષા (opthalmoscopy) કહે છે. સીધી નેત્રાંત:નિરીક્ષા વડે છીછરું અલગીકરણ જાણી શકાતું નથી પરંતુ આડકતરી નેત્રાંત:નિરીક્ષા વડે પરિઘીય છિદ્રો શોધી કાઢી શકાય છે. ર્દષ્ટિપટલનો જે ભાગ ઊંચકાઈ ગયો હોય તે ભૂખરા સફેદ રંગનો અને ચમકતી કિનારીનો હોય છે, જ્યારે તેનો ખાડામાં પડી ગયેલો ભાગ લીલાશ પડતો ભૂખરા રંગનો દેખાય છે. આંખને સહેજ પણ હલાવવામાં આવે તો ર્દષ્ટિપટલનો છૂટો પડેલો ભાગ ડોલવા માંડે છે. ર્દષ્ટિપટલની નસો કાળી અને ગાઢી દેખાય છે અને તેમની મધ્ય તેજસ્વી રેખા (central light streak) જોવા મળતી નથી. જો અલગીકરણ મોટું હોય તો ર્દષ્ટિપટલની મોટા ફુગ્ગા જેવી ગડી આંખની અંદર કશું પણ જોવા દેતી નથી. ર્દષ્ટિ-પટલના અન્ય ભાગમાં અપક્ષીણતા, રુધિરસ્રાવ (haemorrhage) તથા બહિ:સ્રાવ (exudate) થયેલાં જોવા મળે છે.
સારવાર : સાદા અલગીકરણની સારવારમાં ર્દષ્ટિપટલ હેઠળ એકઠું થયેલું પ્રવાહી કે દ્રવ્ય કાઢી નાંખીને ર્દષ્ટિપટલના બંને સ્તરોને પાસે પાસે લાવી દેવાનું જરૂરી ગણાય છે. આ માટે જરૂરી શસ્ત્રક્રિયા કરાય છે. ર્દષ્ટિપટલમાંના છિદ્ર કે છેદને પારદહન (diathermy), શીતસંધાન (cryopexy) કે પ્રકાશગુલ્મન (photocoagulation) કરીને બંધ કરાય છે. ગરમી વડે છૂટા પડેલા પડને બાળીને ચોંટાડી દેવાની ક્રિયાને પારદહન કહે છે. અતિશય ઠંડક વડે છિદ્રને સાંધવાની ક્રિયાને ‘શીતસંધાન’ કહે છે અને લેઝર-પ્રકાશ વડે પ્રોટીનનો ગઠ્ઠો બનાવીને છૂટા પડેલા પડને ચોંટાડવાની ક્રિયાને પ્રકાશગુલ્મન કહે છે. હાલ મુખ્યત્વે પ્રકાશગુલ્મન કરાય છે જ્યારે પારદહન વડે સારવાર કરવાની ક્રિયા વપરાતી નથી. પૂરેપૂરી સફળ શસ્ત્રક્રિયા થવાની સંભાવના 80 % જેટલી ગણાય છે. જો પીતબિંદુ અસરગ્રસ્ત થયેલું ન હોય તો ર્દષ્ટિ પાછી મેળવવાની સંભાવના પણ ઘણી રહે છે.
શિલીન નં. શુક્લ
રોહિત દેસાઈ