ર્દષ્ટિપટલદોષ

March, 2016

ર્દષ્ટિપટલદોષ : ર્દષ્ટિપટલ(retina)ના વિકારો. ર્દષ્ટિપટલના વિવિધ વિકારોને સારણી 1માં દર્શાવ્યા છે.

ર્દષ્ટિપટલમાં વિવિધ કારણોસર વિકારો થાય છે; જેમ કે, જન્મજાત તથા વિકાસલક્ષી પરિબળોના કારણે, શોથ (inflammation) કરતા વિકારોના કારણે, લોહીના આંખમાંના પરિભ્રમણમાં ઉદભવેલ વિકારો કે નસોમાં થતા વિકારોના કારણે, અપક્ષીણતા કે અન્ય સંરચનાલક્ષી (strurctural) વિકારોના કારણે કે ગાંઠ અથવા કૅન્સરને લીધે વિકારો થાય છે.

(1) ર્દષ્ટિપટલનું કુવિકસન (coloboma of retina) થવાનું કારણ જાણમાં નથી. પરંતુ તેને કારણે ર્દષ્ટિપટલનો કોઈ એક ભાગ વિકસતો નથી. ક્યારેક જન્મજાત વિકારોને કારણે ર્દષ્ટિપટલમાંના ચેતાતંતુઓ પર સફેદ આવરણ બને છે અને તેથી તે અપારદર્શક બની જાય છે. આવા જન્મજાત વિકારોની કોઈ સારવાર ઉપલબ્ધ નથી.

(2) ર્દષ્ટિપટલમાં સોજો આવે અને દેખાતું ઓછું થાય તો તેને ર્દષ્ટિપટલશોથ (retinitis) કહે છે. સામાન્ય રીતે તેની સાથે આંખના ગોળાનું વચલું નસોવાળું આવરણ (રક્તક, choroid) પણ અસરગ્રસ્ત હોય છે અથવા તો ર્દષ્ટિચેતા (optic nerve) અસરગ્રસ્ત હોય છે. તેમાં ર્દષ્ટિપટલમાં નાના નાના લોહી ઝરવાના વિસ્તારો બને છે અને કાચરસ (vitreous) અર્ધપારદર્શક બનેલો હોય છે. ર્દષ્ટિપટલના પરિઘીય વિસ્તારની શિરાઓની આસપાસ શોથજન્ય વિકાર થાય છે તેને ર્દષ્ટિપટલની શિરાઓનો પરિવાહિનીશોથ (periphlebitis) અથવા ઇલ્સનો રોગ કહે છે. તેનું કારણ નિશ્ચિત નથી. તે યુવાન પુરુષોની બંને આંખમાં વારાફરતી થાય છે. તેના કારણ રૂપે ક્ષય કે અન્ય જીવાણુઓના ચેપ વિરુદ્ધની ઍલર્જી કે તેમની ઝેરી અસર મનાય છે. ક્યારેક આ વિકારમાં દેખવાની ક્ષમતા અચાનક ઘટી જાય છે. ક્યારેક પીતબિંદુ(macula)ની આસપાસ કે ર્દષ્ટિપટલમાં વ્યાપક રૂપે પ્રવાહી ઝરવાનો બહિ:સારી (exudative) વિકાર થાય છે. વ્યાપક વિકારમાં ર્દષ્ટિપટલનું વિયોજન (detachment) થવાનો ભય રહે છે. સારવાર રૂપે ક્ષયના રોગની સારવાર, સ્ટીરોઇડ તથા સ્ટીરોઇડ વગરની પ્રતિશોથ (antiiflammatory) દવાઓ, પારદહન (diathermy), પ્રકાશગુલ્મન (photocoagulation) કે કાચરસનો બગડેલો ભાગ કાઢી નાંખવાની શસ્ત્રક્રિયા કરાય છે.

સારણી 1 : ર્દષ્ટિપટલના વિકારો
જૂથ ઉદાહરણ
(1) જન્મજાત કે વિકાસલક્ષી વિકારો (અ)    ર્દષ્ટિપટલનું કુવિકસન (coloboma of retina).

(આ) ર્દષ્ટિપટલના ચેતાતંતુઓ પર સફેદ આવરણ બને અને તેથી તે અપારદર્શક બની જાય.

(2) શોથજન્ય વિકારો (inflammatory disorders) (અ)    ર્દષ્ટિપટલશોથ (retinitis).

(આ)   ઇલ્સ(Eales)નો રોગ અથવા ર્દષ્ટિપટલની શિરાઓનો પરિવાહિનીશોથ (periphlebitis).

(ઇ)     ઍલર્જી કે ઝેરી અસરને કારણે પીતબિંદુની આસપાસ પ્રવાહી ઝરતો કેન્દ્રીય સતરલસ્રાવી ર્દષ્ટિપટલરુગ્ણતા (central (serous) retinopathy)નો વિકાર.

(ઈ)     અતિબહિ:સારી ર્દષ્ટિપટલશોથ (massive exudative retinitis).

(3) રુધિરાભિસરણના વિકારો (અ)    ર્દષ્ટિપટલની અતિરુધિરતા (hyperaemia).

(આ)   ર્દષ્ટિપટલની અલ્પરુધિરતા (anaemia of retina)

(ઇ)     ર્દષ્ટિપટલનો સોજો અથવા ર્દષ્ટિપટલશોફ (oedema of retina).

(ઈ)     ર્દષ્ટિપટલમાં રુધિરસ્રાવ (haemorrhage).

(ઉ)     કેન્દ્રીય ધમનીમાં અવરોધ.

(ઊ)    કેન્દ્રીય શિરામાં અવરોધ.

(4) ર્દષ્ટિપટલરુગ્ણતા(retinopathy) (અ)    અતિરુધિરદાબી (hypertensive) ર્દષ્ટિપટલરુગ્ણતા.

(આ)   મધુપ્રમેહી (diabetic) ર્દષ્ટિપટલરુગ્ણતા.

(ઇ)     મૂત્રપિંડી (renal) ર્દષ્ટિપટલરુગ્ણતા.

(ઈ)     સગર્ભાવસ્થા-સંબંધિત ર્દષ્ટિપટલરુગ્ણતા.

(5) ર્દષ્ટિપટલ- વિયોજન (detachment of retina) (અ)    સાદું અથવા પ્રાથમિક વિયોજન. (આ)   આનુષંગિક (secondary) વિયોજન.
(6) ર્દષ્ટિપટલની અપક્ષીણતા (degeneration) (અ)    વૃદ્ધાવસ્થાલક્ષી (senile). (આ)   વર્ણકવ્યલક્ષી (pigmentary).
(7) અર્બુદ અથવા ગાંઠ (અ)    ર્દષ્ટિપટલબીજકોષી અર્બુદ (retinoblastoma).

(3) ક્યારેક ર્દષ્ટિપટલની નસોમાં રુધિરાભિસરણ વધી જાય કે ઘટી જાય તેવું બને છે. ધમનીઓમાં રુધિરાભિસરણ વધે તો તેને ધમનીલક્ષી અતિરુધિરતા (hyperaemia) કહે છે. તે મહદ્અંશે શોથજન્ય પરિસ્થિતિઓમાં જોવા મળે છે. શિરાલક્ષી અતિરુધિરતાનો વિકાર શિરા પર દબાણ કે તેમાં ઉદભવતા અવરોધને કારણે થાય છે. લોહીના કૅન્સર કે લોહીના રક્તકોષો કે અન્ય રુધિરકોષોના વધુ પડતા ઉત્પાદનને કારણે પણ અતિરુધિરતા થાય છે. ર્દષ્ટિપટલની નસોના સતત સંકોચન(spasm)થી ર્દષ્ટિપટલમાંનું રુધિરાભિસરણ ઘટે છે. તેને ર્દષ્ટિપટલની પાંડુતા અથવા અલ્પરુધિરતા (anaemia of retina) કહે છે. ક્યારેક મલેરિયાની ક્વિનીન વડે સારવાર કરવાથી પણ આવું થતું જોવા મળે છે. તેમાં ર્દષ્ટિપટલ ફિક્કો લાગે છે અને જોવાની ક્ષમતા ઘટે છે.

ર્દષ્ટિપટલશોથ, ર્દષ્ટિપટલની નસોમાં અવરોધ, આંખને આંચકો આપતી ઈજા કે ર્દષ્ટિચકતીશોફ(papilloedema)ના વિકારોમાં ર્દષ્ટિપટલમાં સોજો આવે છે. ર્દષ્ટિપટલના સોજાને ર્દષ્ટિપટલશોફ (oedema of retina) કહે છે. ર્દષ્ટિપટલમાં કે તેની નીચેના વિસ્તારમાં લોહી ઝમે તો તેને ર્દષ્ટિપટલીય રુધિરસ્રાવ (retinal haemorrhage) કહે છે. ર્દષ્ટિપટલમાં લોહી ઝમવાનાં ઘણાં કારણો છે. સામાન્ય રીતે આંખને ઈજા, આંખની શિરાઓમાં અવરોધ, આંખમાંનો સ્થાનિક શોથકારી વિકાર, ચેપી તાવની ઝેરી અસર, મૂત્રપિંડની નિષ્ફળતા, મધુપ્રમેહ અથવા લોહીના ઊંચું દબાણથી કે સગર્ભાવસ્થામાં થતો ર્દષ્ટિપટલની નસોનો વિકાર (વાહિનીજન્ય ર્દષ્ટિપટલરુગ્ણતા, vascular retinopathy), લોહીના વિવિધ રોગો (દા. ત., પાંડુતા, રુધિરસ્રાવિતા કે લોહીનું કૅન્સર) વગેરેથી ર્દષ્ટિપટલમાં લોહી ઝમે છે. ર્દષ્ટિપટલની કેન્દ્રીય ધમની કે શિરામાં અવરોધ થાય તો અંધાપો આવે છે અથવા ઝાંખું દેખાય છે.

(4) મધુપ્રમેહ, લોહીનું ઊંચું દબાણ, મૂત્રપિંડના રોગ તથા સગર્ભાવસ્થામાં ઘણી વખત ર્દષ્ટિપટલની નસોમાં વિકાર ઉદભવે છે. તેને વાહિનીલક્ષી ર્દષ્ટિપટલરુગ્ણતા કહે છે. સામાન્ય પ્રકારના લોહીના ઊંચા દબાણના વિકારમાં ર્દષ્ટિપટલની નસોની સજ્જતા (tone) વધે છે અને તેથી તે સાંકડી બને છે. જોકે વૃદ્ધ વ્યક્તિની અક્કડ થયેલી નસોમાં આ વિકાર જોવા મળતો નથી. લોહીની ધમનીઓ ફિક્કી અને તાંબાના તાર કે ચાંદીના તાર જેવી જોવા મળે છે. શિરા પરથી આડી જતી ધમની શિરાને દબાવે છે. જો લોહીનું દબાણ અતિશય ઊંચું અને ઘાતક અથવા મારક કક્ષા(malignant)નું હોય તો ધમનીઓ ઘણી જ સાંકડી થયેલી હોય છે, ર્દષ્ટિપટલ પર જ્યોતના આકારના રુધિરસ્રાવના વિસ્તારો હોય છે, સફેદ રૂ જેવા (તૂલકસમ) બહિ:સાર(cotton wool exudate)ના વિસ્તારો થાય છે અને ર્દષ્ટિચકતીનો સોજો થઈ આવે છે. મૂત્રપિંડથી થતા વિકારમાં આવા જ દોષ જોવા મળે છે ખરા, પરંતુ તેમાં લોહીનું ઝમવું અને પ્રવાહીનો બહિ:સાર વધુ હોય છે. ક્યારેક સગર્ભાવસ્થામાં પણ લોહીના ઊંચા દબાણથી થતા ર્દષ્ટિપટલરુગ્ણતા જેવો જ વિકાર થાય છે. પરંતુ તેમાં પ્રવાહીનું પારસરણ (transudation) વધુ હોવાથી ર્દષ્ટિપટલ ઊખડી જવાનો વિકાર વધુ થાય છે. મધુપ્રમેહના રોગમાં 8 થી 10 વર્ષ પછી ર્દષ્ટિપટલની નસોમાં વિકાર થાય છે. ર્દષ્ટિપટલમાંની કેશવાહિનીઓ(capillaries)માં સૂક્ષ્મ વિસ્ફારણો (microaneurysm) થાય છે. નસના વિસ્ફારણમાં જે તે સ્થળે નસ પહોળી થઈને ફુગ્ગા જેવો વિસ્તાર બનાવે છે તે નાનાં નાનાં લાલ ટપકાં જેવા દેખાય છે. સમય જતાં ર્દષ્ટિપટલમાં પીળા મીણ જેવા બહિ:સારના વિસ્તારો જોવા મળે છે. તેને કઠણ બહિ:સાર (hard exudate) કહે છે. સમય જતાં લાલ ટપકાંને સ્થાને લોહી ઝર્યાના મોટા વિસ્તારો તથા ર્દષ્ટિચકતીના સોજા વગરનો વ્યાપકપણે ફેલાયેલો બહિ:સારનો વિકાર જોવા મળે છે. આંખના કાચરસમાં લોહી ઝમે છે તથા તેમાં નવી નસો બને છે. જો સાથે સાથે મૂત્રપિંડનો વિકાર થયેલો હોય તો ર્દષ્ટિપટલનો સોજો અને સફેદ રૂ જેવો બહિ:સાર પણ જોવા મળે છે. તેને કિમેલ સ્ટીલ-વિલ્સનનું સંલક્ષણ (syndrome) કહે છે. વાહિનીલક્ષી ર્દષ્ટિપટલ રુગ્ણતાની સારવારમાં લેઝર વડે પ્રકાશગુલ્મન(photo-coagulation)ની ક્રિયા કરાય છે. જરૂર પડ્યે કાચરસનો નવી લોહીની નસોવાળો અપારદર્શક ભાગ કાપીને કાઢી નંખાય છે. તેને કાચરસ-ઉચ્છેદન (vitrectomy) કહે છે.

(5) ર્દષ્ટિપટલમાં કાણું પડે અને તેનો કોઈ એક ભાગ ઊખડી જાય તો તેને ર્દષ્ટિપટલ-વિયોજન કહે છે. તેની પ્રકાશગુલ્મન અને જરૂર પડ્યે શસ્ત્રક્રિયા વડે સારવાર કરાય છે.

(6) વૃદ્ધાવસ્થામાં પીતબિંદુની આસપાસના ર્દષ્ટિપટલમાં અપક્ષીણતા (degeneration) થાય છે. તેથી જોવાની ક્ષમતા ઘટે છે. તેની કોઈ ખાસ સારવાર નથી. ક્યારેક જન્મજાત વિકાર રૂપે વર્ણકદ્રવ્ય (pigment) જમા થવાથી પણ ર્દષ્ટિપટલની ક્ષીણતા આવે છે. તેની પણ ખાસ અસરકારક સારવાર ઉપલબ્ધ નથી.

(7) ર્દષ્ટિપટલના બીજકોષોમાંથી ર્દષ્ટિપટલબીજકોષી કૅન્સર ઉદભવે છે. તે નાનાં બાળકોમાં જોવા મળે છે. શસ્ત્રક્રિયા, વિકિરણ તથા દવાઓ વડે તેની સારવાર કરાય છે. તે એક જનીનીય વિકૃતિને કારણે ઉદભવતું કૅન્સર છે.

શિલીન નં. શુક્લ

રોહિત દેસાઈ