ર્દષ્ટિદોષ, વક્રીભવનીય

March, 2016

ર્દષ્ટિદોષ, વક્રીભવનીય (error of refraction) : આંખમાંનાં પારદર્શક માધ્યમોમાં થતા વિષમ વક્રીભવનને કારણે ઝાંખું દેખાવાનો વિકાર થવો તે. પ્રકાશનાં કિરણો જ્યારે પારદર્શક માધ્યમ બદલે ત્યારે તે વાંકાં વળે છે. તેને વક્રીભવન (refraction) કહે છે. તે સિદ્ધાંતનો આંખમાં ઉપયોગ કરાયેલો છે. બહારથી આવતા પ્રકાશનાં કિરણોને યોગ્ય રીતે વાંકાં વાળીને ર્દષ્ટિપટલના પીતબિંદુ (macula fovea) પર એકઠાં કરીને જે તે વસ્તુ કે ર્દશ્યને સ્પષ્ટ જોવામાં આવે છે. જ્યારે આ પ્રમાણે ન થાય ત્યારે વ્યક્તિને ઝાંખું દેખાય છે. તેને સાદી ભાષામાં ચશ્માંના નંબર આવ્યા કે બેતાળાં આવ્યાં એમ કહે છે. આંખની અંદર સ્વચ્છા (cornea), જલાભ પ્રવાહી (aqheous humour), નેત્રમણિ તથા કાચરસ (vitreous) એમ 4 મહત્વનાં પારદર્શક માધ્યમો આવેલાં છે જેમાંથી પ્રકાશનાં કિરણો પસાર થઈને ર્દષ્ટિપટલ પર પડે છે. સ્વચ્છાની વક્રસપાટી તથા નેત્રમણિ મુખ્યત્વે પ્રકાશનાં કિરણોને વાંકાં વાળીને પીતબિંદુ પર એકઠાં કરે છે. તેથી આંખના ગોળાની લંબાઈ તથા વક્રીભવન કરતાં ઉપાંગોની વક્રીભવન કરવાની ક્ષમતાને આધારે વક્રીભવનનો વિકાર તથા ઝાંખું દેખાવાની સ્થિતિ ઉદભવે છે. તેને યોગ્ય ચશ્માં પહેરીને કે કૃત્રિમ નેત્રમણિ વડે સુધારી શકાય છે.

જો બહારથી આવતાં પ્રકાશનાં સમાંતર કિરણો ર્દષ્ટિપટલના પીતબિંદુ પર એકઠાં થતાં હોય તો તેવી આંખ સામાન્ય આંખ ગણાય છે અને તેવી સ્થિતિને સમમાપનેત્રતા (emmetropia) કહે છે. જો નજીક કે દૂરથી આવતાં સમાંતર કિરણો પીતબિંદુ પર એકઠાં ન થાય તો તેને વક્રીભવનનો ર્દષ્ટિદોષ કહે છે અને તેવી સ્થિતિને વિષમમાપનેત્રતા (ametropia) કહે છે. તેના મુખ્ય 3 પ્રકાર છે : (1) લઘુર્દષ્ટિવાળી ખામી (myopia), (2) દીર્ઘ ર્દષ્ટિવાળી ખામી (hypermetropia) તથા (3) અનેકબિંદુલક્ષ્યતા (astigmatism). જો બે આંખમાં જુદી જુદી વક્રીભવનાંકની ખામી હોય અને તેમની વચ્ચે 1 ડાયોપ્ટરથી વધુ તફાવત હોય તો તેને અસમમાપનેત્રતા (anisometropia) કહે છે. તેમાં એક અથવા બંને આંખમાં વિષમમાપનેત્રતા થયેલી હોય છે.

(1) લઘુષ્ટિવાળી ખામી : આ વિકારમાં દૂરથી આવતાં પ્રકાશનાં સમાંતર કિરણો ર્દષ્ટિપટલની આગળ કોઈ એક બિંદુ પર એકઠાં થાય છે. તેથી તે વ્યક્તિ નજીકનું બરાબર જોઈ શકે છે પરંતુ દૂરનું ઝાંખું જુએ છે. તેના 3 પ્રકાર છે: (અ) અક્ષીય (axial) ખામી, (આ) વક્રીય (curvature) ખામી તથા (ઇ) વક્રીભવનાંકીય (index) ખામી. જો આંખની આગળ-પાછળની લંબાઈ વધુ હોય તો દૂરથી આવતાં સમાંતર કિરણો ર્દષ્ટિપટલની આગળ એકઠાં થાય છે. તેને અક્ષીય પ્રકારની લઘુર્દષ્ટિવાળી ખામી કહે છે. જો સ્વચ્છા કે નેત્રમણિની વક્રતામાં વિષમતા હોય તો વક્રીય પ્રકારની લઘુર્દષ્ટિવાળી ખામી ઉદભવે છે. જો પારદર્શક માધ્યમોનો – ખાસ કરીને નેત્રમણિનો વક્રીભવનાંક અસામાન્ય હોય તોપણ પ્રકાશનાં કિરણોનું વક્રીભવન બરાબર થતું નથી અને તેથી પણ લઘુર્દષ્ટિવાળી ખામી થાય છે. તેનું સૌથી વધુ જોવા મળતું ઉદાહરણ છે નેત્રમણિનું તંતુકાઠિન્ય (lental sclerosis).

લઘુર્દષ્ટિવાળી ખામી 3 જુદી જુદી રીતે જોવા મળે છે : (અ) જન્મ-જાત, (આ) સાદી અથવા વિકાસલક્ષી તથા (ઇ) રોગજન્ય, અપક્ષીણતાજન્ય (degenerative) અને સતત વધતી જતી ખામી (progressive). જન્મ-સમયે એક કે બંને આંખમાં જો લઘુર્દષ્ટિની ખામી હોય તો તેને જન્મજાત ખામી કહે છે. જો તે બંને બાજુ હોય તો તેની સાથે બંને આંખો એકબીજી તરફ ત્રાંસી વળેલી હોય છે. શાળા-કૉલેજ જવાની ઉંમરે થતી અને ત્યારબાદ કાયમ રહેતી સૌથી વધુ જોવા મળતી જે લઘુર્દષ્ટિની ખામી થાય છે તેને સાદી અથવા વિકાસલક્ષી ખામી કહે છે અને તેના ઉપચાર રૂપે કાયમી ધોરણે દૂરનું સ્પષ્ટ જોવાનાં ચશ્માં પહેરવાં પડે છે. સાદી અથવા વિકાસલક્ષી ખામીવાળા દર્દીની આંખમાં કોઈ વિકાર હોતો નથી.

આંખમાં જો રોગજન્ય વિકાર હોય તો ચશ્માંના નંબર ઝડપથી વધીને યુવાનવયે 20D કે વધુ થઈ જાય છે. તેને રોગજન્ય ખામી કહે છે. આવી વ્યક્તિની આંખમાં નેત્રાંત:દર્શક (ophtalmoscope) વડે તપાસતાં કેટલીક વિકૃતિઓ જોવા મળે છે. તેની ર્દષ્ટિચકતી(optic disc)ની લમણા તરફની કિનારી પર એક બીજચંદ્રાકાર (crescentic) વિસ્તાર જોવા મળે છે. તે ક્યારેક આખી ચક્તીને ફરતે હોય છે. ર્દષ્ટિપટલની આગળની કિનારી પર રક્તક-ર્દષ્ટિપટલક્ષીણતા (chorio-retinal atrophy) જોવા મળે છે. પીતબિંદુ પર ક્ષીણતાના ડાઘા પડે છે અને આંખના ગોળાના મધ્યસ્તરરક્તક(choroid)ની નસોમાં તંતુકાઠિન્ય (sclerosis) થાય છે. આંખના ગોળા(ગોલક, globe)ની સૌથી બહારનું શ્વેતસ્તર (sclera) તેના પાછળના ધ્રુવ પાસે ફૂલે છે. તેને પશ્ચગોલકાર્બુદ (posterior staphyloma) કહે છે. રોગજન્ય લઘુર્દષ્ટિવાળી ખામીના દર્દીમાં ક્યારેક કાચરસની અપક્ષીણતા (degeneration) થાય છે, ર્દષ્ટિપટલમાં કાણું પડે છે અને તે ઊખડી જાય છે, પીતબિંદુમાં લોહી ઝમે છે અને તેથી ફોર્સ્ટર-ફકનું બિંદુ જોવા મળે છે, તથા નેત્રમણિની મધ્યમાં નાભિકીય (nuclear) કે કેન્દ્રીય પ્રકારનો મોતિયો થાય છે.

આકૃતિ 1 : વક્રીભવનીય ર્દષ્ટિદોષનાં ઉદાહરણો : (અ અને આ) સામાન્ય આંખ, (ઇ અને ઈ) લઘુર્દષ્ટિવાળી ખામી, (ઉ અને ઊ) દીર્ઘષ્ટિવાળી ખામી, (ઋ અને એ) અનેકબિંદુલક્ષિતા, (ઐ અને ઓ) નજીકનું જોવા માટેનું અનુકૂલન, (ઇ અને ઊ) ર્દગકાચ વડે. ર્દષ્ટિદોષને દૂર કરવો. નોંધ. (1) સ્વચ્છા (cornea), (2) જલાભતરલ (aqueous humor), (3) નેત્રમણિ (lens), (4) કાચરસ (vitreous humor), (5) પીતબિંદુ (macula), (6) ર્દષ્ટિચેતા (optic nerve), (7) ર્દષ્ટિપટલ (retina), (8) સકશાસ્નાયુ (ciliary muscle), (9) કનીનિકાપટલ (iris), (10) કનીનિકા, (11) આંખના ડોળાને ફેરવતા બહારના સ્નાયુ, (12) બહારનું ર્દશ્ય, (13) બહારથી આવતાં કિરણો, (14) આંખમાં વક્રીભવન પામેલાં કિરણો, (15) પીતબિન્દુ (ર્દષ્ટિપટલ) પર પડેલું સાચું, ઊંધું પ્રતિબિંબ, (16) સામાન્ય કદ અને આકારનો આંખનો ગોળો, (17) લંબાયેલો (મોટો) આંખનો ગોળો, (18) લંબાયેલા ગોળાના ર્દષ્ટિપટલની આગળ પડતું ર્દશ્ય (લઘુર્દષ્ટિવાળી ખામી), (19) અંતર્ગોળ ગકાચ, (20) અંતર્ગોળ ગકાચ વડે લઘુ ર્દષ્ટિવાળી ખામીનું નિવારણ થવાથી લંબાયેલા આંખના ગોળાના ર્દષ્ટિપટલ પર પડતું સ્પષ્ટ, સાચું, ઊંધું, પ્રતિબિંબ, (21) આંખનો નાનો ગોળો, (22) નાના આંખના ગોળાની પાછળ એકઠાં થતાં કિરણોના કારણે સંભવત: બની શકે તેવું પ્રતિબિંબ (દીર્ઘર્દષ્ટિની ખામી), (23) બહિર્ગોળ ગકાચ, (24) બહિર્ગોળ ગકાચ વડે દીર્ઘષ્ટિની ખામીનું નિવારણ કરવાથી આંખના નાના ગોળાના ર્દષ્ટિપટલ પર પડતું સ્પષ્ટ, સાચું અને ઊંધું પ્રતિબિંબ, (25) અનિયમિત સપાટી ધરાવતી સ્વચ્છાને કારણે ઉદભવતી અનેકબિંદુલક્ષ્યતા, (26) અનિયમિત સપાટી ધરાવતા નેત્રમણિને કારણે ઉદભવતી અનેકબિન્દુલક્ષ્યતા, (27) સામાન્ય આંખમાં દૂરથી આવતાં લગભગ સમાંતર કિરણો, (28) નજીકનું લખાણ, (29) નજીકથી આવતાં ત્રાંસાં કિરણો, (30) અનુકૂલન (accomodation) માટે જાડો થતો નેત્રમણિ, (31) આંખની ર્દષ્ટિઅક્ષ (visual axis).

લઘુર્દષ્ટિવાળી ખામીનો દર્દી નજીકનું બરાબર જોઈ શકે છે પરંતુ તે દૂરનું બરાબર જોઈ શકતો નથી. જો તે નજીકનું જોવા માટે આંખોનું અનુકૂલન (accomodation) કરે તો દૂરનું જોવાની તકલીફ વધે છે. સામાન્ય રીતે આ વિકારથી માથાનો દુખાવો થતો નથી. જેને રોગજન્ય  વિકાર થયો હોય તેના કાચરસમાં અપારદર્શક દ્રવ્યો થતાં હોવાથી તેવો દર્દી ર્દષ્ટિક્ષેત્રમાં હરતાફરતા કાળા ડાઘા જોવાની તકલીફ અનુભવે છે. ર્દષ્ટિપટલનિરીક્ષા (retinoscopy) તથા સ્નેલેનના ચાર્ટની મદદથી દૂરની જોવાની તકલીફનું નિદાન કરીને ર્દષ્ટિની તીવ્રતા શોધી કઢાય છે. યોગ્ય ક્ષમતાના ગોળાકારી અથવા ગોલકીય (spherical) અંતર્ગોળ ગકાચનાં ચશ્માં વડે આ પ્રકારની ખામી દૂર કરાય છે. આંખમાં પહેરી શકાતા સ્પર્શકાચ(contact lens)નો ઉપયોગ વધુ સારો ગણાય છે. હાલ સ્વચ્છા પર છેદ મૂકવાની ત્રિજ્યાસમ અથવા અરીસમ સ્વચ્છાછેદન(radial keratomy) અને એક્ઝીમર લેસર (excimer laser) વડે શસ્ત્રક્રિયાઓ વધુ ને વધુ પ્રચલિત થઈ રહી છે. લઘુર્દષ્ટિવાળી ખામીની સારવારમાં વપરાતી વિવિધ પદ્ધતિઓને સારણી 1માં દર્શાવી છે.

(2) દીર્ઘર્દષ્ટિવાળી ખામી : બહારથી આવતાં સમાંતર કિરણો ર્દષ્ટિપટલની પાછળ એકઠાં થઈ શકે તેમ હોય તો તેને દીર્ઘર્દષ્ટિવાળી ખામી કહે છે. તેમાં પાસેનું જોવામાં/વાંચવામાં મુશ્કેલી પડે છે. તે પણ લઘુર્દષ્ટિવાળી ખામીની માફક 3 પ્રકારની છે : અક્ષીય, વક્રીય અને વક્રીભવનાંકીય અને તે 3 જુદી જુદી રીતે થતી જોવા મળે છે – જન્મજાત, સાદી અથવા વિકાસલક્ષી અને રોગજન્ય ખામી. મોતિયો દૂર કરવાથી ઉત્પન્ન થતી નેત્રમણિવિહીનતા(aphakia)ની સ્થિતિથી થતી દીર્ઘર્દષ્ટિની ખામીને રોગજન્ય ખામી કહે છે. જન્મજાત ખામી ભાગ્યે જ થાય છે. જ્યારે આંખનો ગોળો નાનો હોય ત્યારે તેને લઘુનેત્રતા (microophthalmia) કહે છે. તેમાં જન્મજાત દીર્ઘર્દષ્ટિવાળી ખામી થાય છે. જો બાળકના વિકાસ સાથે આંખનું કદ પૂરેપૂરું ન વધે તો સાદો કે વિકાસલક્ષી વિકાર થાય છે. દરેક નવજાત શિશુમાં આ વિકાર હોય છે. નેત્રમણિ કાઢી નાંખવાથી થતા વિકારમાં નજીકનું જોવાની ખામી  ઘણી જ વધુ હોય છે. વ્યક્તિ જ્યારે નજીકનું જુએ છે ત્યારે તેની બંને આંખો સહેજ નાક તરફ વળે છે, નેત્રમણિ જાડો થાય છે અને કનીનિકા (pupil) સાંકડી થાય છે. તેને કારણે નજીકથી આવતાં કિરણો પીતબિંદુ  પર એકઠાં થઈ શકે. તેને આંખોનું અનુકૂલન (accomodation) કહે છે. વ્યક્તિ જ્યારે નજીકનું જોવા માટે બંને આંખનું અનુકૂલન કરે ત્યારે ઘણી વખતે પૂરેપૂરી કે થોડા પ્રમાણમાં આ ખામી દૂર થાય છે તેથી અનુકૂલન સંબંધિત 3 પ્રકારની ખામીઓ જોવા મળે છે. એટ્રોપિન વડે અનુકૂલનને સંપૂર્ણપણે અટકાવી દેવાય ત્યારે જોવા મળતી ખામીને પૂર્ણખામી કહે છે. જો નેત્રમણિની આસપાસના સકશાસ્નાયુ(ciliary muscle)ની સામાન્ય સ્થિતિમાં કોઈ ખામી જોવા ન મળતી હોય તો તેને સુષુપ્ત (latent) ખામી કહે છે અને જો સામાન્ય સ્થિતિમાં પણ ર્દષ્ટિની ખામી ઉદભવતી હોય તો તેને પ્રગટ (manifest) ખામી કહે છે. આમ, પૂર્ણ ખામીમાંથી સુષુપ્ત ખામીને બાદ કરવાથી જે સ્થિતિ રહે તેને પ્રગટ ખામી કહે છે. જો આવી ખામી અનુકૂલન કરવાથી દૂર થાય તો તેને અપૂર્ણ ખામી અને જો તે દૂર ન થાય તો તેને સંપૂર્ણ (absolute) ખામી કહે છે. નજીકનું વાંચવાની તથા નજીકનું જોઈને કામ કરવામાં મુશ્કેલી અનુભવાતી હોવાથી માથું દુખે છે. ર્દષ્ટિપટલનિરીક્ષા (retinoscopy) તથા ર્દષ્ટિની તીવ્રતા જાણવાના ચાર્ટ વડે તેનું નિદાન કરાય છે. યોગ્ય ક્ષમતાવાળા ગોળાકારીય બહિર્ગોળ ગકાચવાળાં ચશ્માંથી ખામી દૂર કરાય છે.

(3) અનેકબિંદુલક્ષ્યતા (astigmatism) : જ્યારે સ્વચ્છા કે નેત્રમણિની સપાટી એકસરખા વળાંકવાળી સપાટ અને ગોળાકાર (spherical) ન હોય ત્યારે તેના પરથી વાંકાં વળતાં (વક્રીભવન પામતાં) સમાંતર આપાત કિરણો કોઈ એક બિંદુલક્ષ્ય (point focus) પર એકઠાં થવાને બદલે લક્ષ્યરેખાઓ(focus lines)નાં જુદાં જુદાં બિંદુઓ પર પડે છે તેને અનેકબિંદુલક્ષ્યતા કહે છે. જો નેત્રમણિ તેના સ્થાનેથી ખસી ગયો હોય (નેત્રમણિભ્રંશ, subluxation of lens) તોપણ આ પ્રકારની સ્થિતિ ઉદભવે છે. તેના કારણે અસ્પષ્ટ પ્રતિબિંબ ઉદભવે છે અને વ્યક્તિને ઝાંખું દેખાય છે.

કોઈ પણ ર્દગકાચને એક મોટા ગોળા(ગોલક, sphere)નો એક ભાગ ગણવામાં આવે છે. તેથી જો ગકાચની સપાટી તે મોટા ગોળાની સપાટીને સંપૂર્ણ અનુરૂપ હોય તો તેને ગોળાકારીય (ગોલકીય, spherical) કહેવાય છે. ગોળાની સપાટી પર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ દોરવામાં આવે છે. આડી રેખાઓને કટિબંધ કહે છે. બરાબર મધ્યમાં, જ્યાં ગોળો સૌથી વધુ પહોળો હોય ત્યાં આવેલા કટિબંધને મધ્યકટિબંધ અથવા વિષુવવૃત્ત (equator) કહે છે. મધ્યકટિબંધને લંબરૂપ ગોળાની ઉપર તથા નીચે તરફ જતી રેખાઓ ગોળાનાં ઉપલાં અને નીચલાં શિરોબિંદુઓ અથવા ધ્રુવબિંદુઓમાંથી પસાર થાય છે. આ રેખાઓને વક્રલંબરેખાઓ (meridians) કહે છે.

જો ર્દગકાચની સપાટી કોઈ એક ચોક્કસ ગોળાકારને અનુરૂપ હોય તો તેની જુદી જુદી વક્રલંબરેખાઓ પર પડતાં પ્રકાશનાં સમાંતર કિરણો વાંકાં વળીને એક સ્થળે (બિંદુ પર) એકઠાં થાય છે. તેને લક્ષ્યબિંદુ (focal point) કહે છે. પરંતુ જો જુદી જુદી વક્રલંબરેખા પરની સપાટીમાં ખાંચાખૂંચી હોય અને એક મોટા ગોળાકારની સપાટીને અનુકૂળ ન હોય તો જુદી જુદી વક્રલંબરેખાઓ પર પડતાં સમાંતર પ્રકાશનાં કિરણોનું વક્રીભવન અનિયમિત થાય છે અને તે એક લક્ષ્યબિંદુને સ્થાને અનેક બિંદુઓ પર પડે છે. માટે આ સ્થિતિને અનેકબિંદુલક્ષ્યતા (astigmatism) કહે છે.

અનેકબિંદુલક્ષ્યતાના વિકારમાં પ્રકાશનાં કિરણો એક બિંદુ પર એકઠાં થતાં નથી માટે તેનાથી ઉદભવતું પ્રતિબિંબ ઝાંખું લાગે છે. તેના મુખ્ય 2 પ્રકારો છે : (1) નિયમિત અનેકબિંદુલક્ષ્યતા અને (2) અનિયમિત અનેકબિંદુલક્ષ્યતા. જો બે પાસેપાસેની વક્રલંબરેખાઓના વક્રીભવનાંક નિયમિત રૂપે બદલાય તો તેને નિયમિત અનેકબિંદુલક્ષ્યતા કહે છે. સ્વચ્છાની સપાટી લીસી અને સપાટ ન હોય પણ પાસાદાર (faceted) હોય તો તેમાં જુદી જુદી વક્રલંબરેખાઓ પર વક્રીભવનાંક જુદો જુદો રહે છે. તેને અનિયમિત પ્રકારની અનેકબિંદુલક્ષ્યતા કહે છે. જો અલગ અલગ લક્ષ્યરેખાઓમાંની એક રેખા ર્દષ્ટિપટલ પર પડતી હોય તો તેને સાદી અનેકબિંદુલક્ષ્યતા કહે છે. તેમાં એક લક્ષ્યરેખા ર્દષ્ટિપટલ પર અને બીજી લક્ષ્યરેખા કાં તો ર્દષ્ટિપટલની આગળ કે ર્દષ્ટિપટલની પાછળ પડે છે. જો તે આગળ પડતી હોય તો તેને સાદી લઘુર્દષ્ટિવાળી ખામીયુક્ત અનેકબિંદુલક્ષ્યતા (simple myopic astigmatism) કહે છે. જો બીજી લક્ષ્યરેખા ર્દષ્ટિપટલની પાછળ પડતી હોય તો તે સાદી દીર્ઘર્દષ્ટિવાળી ખામીયુક્ત અનેકબિંદુલક્ષ્યતા (simple hypermetropic astigmatism) કહે છે. આમ, સાદી અનેકબિંદુલક્ષ્યતાના 2 ઉપપ્રકારો છે.

જો બંને લક્ષ્યરેખાઓ ર્દષ્ટિપટલની એક બાજુએ – આગળ કે પાછળ – પડે તો તેને સંયુક્ત (compound) અનેકબિંદુલક્ષ્યતા કહે છે. તેથી જો બંને રેખાઓ આગળ પડતી હોય તો તેને લઘુર્દષ્ટિવાળી ખામીયુક્ત અને જો બંને રેખાઓ પાછળ પડતી હોય તો તેને દીર્ઘર્દષ્ટિવાળી ખામીયુક્ત સંયુક્ત અનેકબિંદુતાનો વિકાર થાય છે. ક્યારેક એક લક્ષ્યરેખા ર્દષ્ટિપટલની આગળ અને બીજી ર્દષ્ટિપટલની પાછળ પડે છે. તેને મિશ્રપ્રકારની (mixed) અનેકબિંદુલક્ષ્યતા કહે છે. અનેકબિંદુલક્ષ્યતાના વિવિધ પ્રકારો સારણી 1માં દર્શાવ્યા છે.

અનેકબિંદુલક્ષ્યતાના કારણે ઝાંખું દેખાય છે અને નજીકનું જોવા માટે વિશેષ અનુકૂલનની જરૂર પડે છે. માટે દીર્ઘર્દષ્ટિવાળી ખામીયુક્ત સાદી કે સંયુક્ત અનેકબિંદુલક્ષ્યતાનો વિકાર હોય તો માથું દુખે છે. સપાટ દર્પણ વાપરીને તથા કનીનિકાને પહોળી કરીને ર્દષ્ટિપટલનિરીક્ષા (retinoscopy) કરવાથી નિદાન કરાય છે. નિયમિત અનેકબિંદુલક્ષ્યતાના વિકારમાં નળાકારી ગકાચ-(cylindrical lens)વાળાં ચશ્માં પહેરવાથી સ્પષ્ટ જોઈ શકાય છે. તેના વક્રીભવનાંકની ક્ષતિને ચોકસાઈથી માપવા માટે ર્દષ્ટિપટલ-નિરીક્ષા ઉપયોગી રહે છે. જો અનિયમિત પ્રકારની અનેકબિંદુલક્ષ્યતા હોય તો સ્પર્શગકાચ(contact lens)ને આંખમાં પહેરીની ર્દષ્ટિની ખામી દૂર કરાય છે.

(4) અસમમાપનેત્રતા (anisometropia) : જો બે આંખમાં થતા વક્રીભવન વચ્ચેનો તફાવત 1 ડાયોપ્ટરથી વધુ હોય તો તેને અસમમાપનેત્રતા કહે છે. તેના 3 ઉપપ્રકારો છે : (i) બેમાંથી એક આંખમાં વક્રીભવનલક્ષી ર્દષ્ટિની ખામી હોય તો, (ii) બંને આંખમાં એક પ્રકારની પણ જુદી જુદી તીવ્રતાવાળી ખામી હોય તથા (iii) બંને આંખમાં જુદા જુદા પ્રકારની (લઘુર્દષ્ટિ અને દીર્ઘર્દષ્ટિવાળી) ખામી હોય. આ પ્રકારનો વિકાર જન્મજાત હોય છે અથવા તો એક આંખનો મોતિયો દૂર કરવાથી થાય છે. બંને આંખોના પ્રતિબિંબમાં દર 0.25 ડાયોપ્ટરના તફાવતે 0.5 % જેટલો તફાવત પડે છે. જો બે આંખો વચ્ચે 4 ડાયોપ્ટરનો તફાવત હોય તો 7 % જેટલો પ્રતિબિંબોમાં તફાવત પડે છે. તેનાથી વધુ તફાવત હોય તો વ્યક્તિને બેવડું દેખાય છે. તેને દ્વિષ્ટિ(diplopia)નો વિકાર કહે છે. જો બંને આંખમાં જુદી જુદી ખામી હોય તો વ્યક્તિ નજીકનું જોવામાં એક આંખ અને દૂરનું જોવા માટે બીજી આંખ વાપરે છે. ર્દષ્ટિપટલનિરીક્ષા વડે નિદાન કરાય છે. જો તફાવત નાનો હોય તો ચશ્માં વડે તેની અસર ઘટાડી શકાય છે. પરંતુ જો તફાવત વધુ હોય તો તે સ્પર્શગકાચ વડે દૂર કરાય છે. મોતિયા માટેની શસ્ત્રક્રિયા કર્યા પછી બંને આંખની વક્રીભવનક્ષમતા ઘણી જુદી પડે છે. તે દૂર કરવા ગકાચનો ઉપયોગ કરી શકાય છે. હાલ કૃત્રિમ નેત્રમણિ (artificial lens) આંખની અંદર મૂકવામાં આવે છે.

બેતાલાંનો વિકાર : મોટી ઉંમરે વક્રીભવનની ખામીને કારણે નહિ, પરંતુ નજીકનું જોવા માટે આંખોનું અનુકૂલન (accomodation) બરોબર થઈ શકતું ન હોવાથી જોવામાં તકલીફ પડે છે. તેને વાર્ધક્યર્દષ્ટિવિકાર (presbiopia) કહે છે. સામાન્ય રીતે 40–42 વર્ષની વયે તે થાય છે માટે તેને બેતાલાંનો વિકાર પણ કહે છે.

નજીકનું જોવા માટે (વાંચવા માટે) સામાન્ય રીતે બંને આંખોને એકબીજીની નજીક લેવાય છે. (નાક તરફ સહેજ ત્રાંસી કરાય છે.) કીકીમાંનું કનીનિકા નામનું છિદ્ર પહોળું કરાય છે અને સકશાસ્નાયુ(ciliary muscle)ની મદદથી નેત્રમણિને જાડો કરાય છે. આ પ્રક્રિયાને અનુકૂલન કહે છે. મોટી ઉંમરે નેત્રમણિ પૂરતા પ્રમાણમાં  જાડો થઈ શકતો નથી. તે સમયે આંખની અંદરના કે બહારના સ્નાયુઓ કે તેમની ચેતાઓ(nerves)માં કોઈ વિકાર હોતો નથી.

સારણી 2 : લઘુર્દષ્ટિવાળી ખામી દૂર કરવા માટેની સારવારપદ્ધતિઓ

 

પદ્ધતિ

નોંધ

1 ચશ્માં ર્દગકાચનો ઉપયોગ, સૌથી વધુ વપરાશ.
2 સ્પર્શકાચ (contact lens)

સારો દેખાવ, વધુ પ્રમાણમાં વક્રીભવનની ખામી હોય તો ખાસ ઉપયોગી; અનેકબિંદુલક્ષ્યતા હોય ત્યારે પણ ઉપયોગી.

(અ) કડક (rigid) વાયુનું આવાગમન થવા દે તેવા અથવા તેવું ન થવા દે એવા બે પ્રકારના સ્પર્શકાચ.
(આ) મૃદુ (soft)

રોજેરોજ વપરાશના ઓછા પાણીવાળા, લાંબા વપરાશના વધારે પાણીવાળા તથા વાપરીને ફેંકી દેવાય તેવા (disposable) એમ 3 ઉપપ્રકારો.

3 શસ્ત્રક્રિયા

(અ)

કીકીમાંની સ્વચ્છા (cornea) પર ત્રિજ્યાસમ અથવા અરીસમ (radial) છેદ મૂકવા (ત્રિજ્યાસમ સ્વચ્છાછેદન).
(આ) એક્સાઇમર લેઝર વડે સ્વચ્છા પર છેદ મૂકવા. તેને પ્રકાશકૃત સમવક્રીભવનકારી સ્વચ્છાછેદન (photo-refractive keratectomy) કહે છે. તે 2.5થી–6 ડાયોપ્ટર જેટલી ખામીને દૂર કરવામાં સફળ રહે છે. તે +1થી +6 ડાયોપ્ટર જેટલી દીર્ઘર્દષ્ટિવાળી ખામી પણ દૂર કરવામાં સફળ રહે છે.
(ઇ)

–6થી –25 ડાયોપ્ટરની ખામી દૂર કરવા એક્સાઇમર લેઝર અને સૂક્ષ્મછેદક- (microtome)નો ઉપયોગ થાય છે.

4 નેત્રમણિનિષ્કાસન (removal of lens) કેટલાક વિશિષ્ટ સંજોગોમાં નેત્રમણિને કાઢી નાંખવાથી પણ લઘુર્દષ્ટિવાળી ખામીનો ઉપચાર થાય છે.

બેતાલાંનો વિકાર થાય એટલે 25 સેમી.થી નજીકનું જોવામાં તકલીફ પડે છે. તેથી વ્યક્તિ પુસ્તક સહેજ દૂર રાખે તો વાંચી શકે છે. નજીકનું જોવાનું વધુ કામ હોય તેવા વ્યવસાયમાં બેતાલાંના વિકારની તકલીફ અંગે વહેલી ફરિયાદ કરાય છે. દીર્ઘર્દષ્ટિવાળી ખામી હોય તેવી વ્યક્તિમાં તે સહેજ વહેલો જોવા મળે છે, પરંતુ જેમને લઘુર્દષ્ટિવાળી ખામી હોય તેઓમાં તે કાં તો મોડેથી જોવા મળે છે અથવા તો ક્યારેક તે થતો પણ નથી. સામાન્ય રીતે સારવાર રૂપે બહિર્ગોળ ગોળાકારી ર્દગકાચવાળાં ચશ્માં વડે આ ખામી દૂર કરી શકાય છે.

શિલીન નં. શુક્લ

રોહિત દેસાઈ