રોહિષ ઘાસ : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cymbopogon nardus (Linn.) Rendle syn. Andropogon nardus Linn.; C. caesius syn. A. shoenanthus var. caesius Hack (સં. રોહિષ તૃણ, ધૂપસુગંધિકા; હિં. રોસા ઘાસ, પાલખડી, ગંધેજ ઘાસ; બં. રામકર્પૂર; ક. કિરૂગંજણી, કાચી હુલ્લી, કડિલ્લુ; મ. રોહિસ ગવત; અં. સિટ્રોનેલા ગ્રાસ, કાચી ગ્રાસ) છે. તે એક પ્રકારનું સુવાસિત ઘાસ છે. તેની બે જાતિઓ – લઘુ રોહિષ (C. nardus) અને દીર્ઘ રોહિષ કે રોહિષ (C. caesius) ખૂબ જાણીતી છે. આ ઘાસની સુગંધથી આખું વાતાવરણ સુવાસિત બને છે. આ ઘાસને ઢોર ખાતાં નથી.
તે ગુચ્છિત (tufted) બહુવર્ષાયુ ઘાસ છે. તેનાં પર્ણો ટોચેથી અણીદાર હોય છે. પર્ણ કે પુષ્પ મસળતાં બાષ્પશીલ તેલની સુગંધી આવે છે. ‘caesius’ જાતિમાંથી ‘જિરાનિયમ’ તેલ અને ‘nardus’ જાતિમાંથી ‘સિટ્રોનેલા’ તેલ પ્રાપ્ત થાય છે. ટોચ ઉપર રતાશ પડતી પીળી કે ભૂરા રંગની પુષ્પની ચમરી ઉત્પન્ન થાય છે. સૂકા રોહિષનો રંગ રતાશ પડતો હોય છે.
લઘુ રોહિષ ‘સિટ્રોનેલા’ તેલનો સ્રોત છે અને તેની બે જાતો વાવવામાં આવે છે : (1) લેના બાટુ અને (2) મહા પેંગીરી કે ઓલ્ડ સિટ્રોનેલા ગ્રાસ, અથવા વિન્ટર ગ્રાસ. બીજી જાતને જુદી જાતિ C. winterianus Jowittનો દરજ્જો આપવામાં આવ્યો છે. બંને જાતોને શ્રીલંકામાં ઉગાડવામાં આવે છે, પરંતુ લેના બાટુ વધારે બહોળા પ્રમાણમાં વવાય છે, કારણ કે તે સહિષ્ણુ (hardy) હોય છે અને હલકી મૃદામાં થાય છે અને તેની ખાસ કાળજી રાખવાની હોતી નથી. તેને હિંદી મહાસાગરમાં આવેલા સેશેલના ટાપુઓમાં પણ ઉગાડાય છે. મહાપેંગીરીનું જાવા, દક્ષિણ સુમાત્રા, મલાયા સ્ટેટ્સ સમવાયતંત્ર, મ્યાનમાર, ફિજી અને ટાંગાનીકામાં વાવેતર થાય છે. આ ઉપરાંત, લઘુ રોહિષનાં શ્રીલંકામાં સ્થાનિકપણે થતાં બે વન્ય (wild) સ્વરૂપો છે : (1) C. nardus var. Linnaei (typicus), જે ‘માના ઘાસ’ તરીકે જાણીતું છે, અને (2) C. nardus var. Confertiflorus. બીજી જાતને C. confertiflorus stupt. નામની અલગ જાતિ ગણવામાં આવે છે. બંને વન્ય જાતો સિટ્રોનેલા તેલ જેવું તેલ ઉત્પન્ન કરે છે, પરંતુ તે હલકી ગુણવત્તાવાળું હોય છે અને ઓછું ઉત્પાદન આપે છે. લઘુ રોહિષની ‘confertiflorus’ જાત ચેન્નાઈની નીલગિરિ, અનામલાઈ અને રામ્પા ટેકરીઓ, આસામના દૂરના ઈશાન ખૂણામાં અને મૈસૂર અને પંજાબમાં થાય છે.
લેના બાટુની વાવેતર પછી 8 મહિને લણણી અને વર્ષમાં ચાર વાર કાપણી થાય છે. તેનું પ્રતિવર્ષ 8 ટન/એકર ઉત્પાદન થાય છે. વાવેતર પછી ત્રીજા વર્ષે તેલનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. આ ઘાસમાં 4.0 % જેટલું તેલ હોય છે અને 30.6 કિગ્રા./એકર/વર્ષ ઉત્પાદન આપે છે. સિટ્રોનેલાના કૂચાનો અમેરિકામાં કાગળનો માવો બનાવવામાં ઉપયોગ થાય છે.
શ્રીલંકા અને જાવામાં સિટ્રોનેલા તેલનું ઉત્પાદન બાષ્પ-નિસ્યંદન (steam-distillation) દ્વારા કરવામાં આવે છે. મહા પેંગીરીમાંથી જાવા-તેલ, લેના બાટુમાંથી શ્રીલંકા-તેલ અને C. confertiflorusના તેલનું અનુક્રમે રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : કુલ આલ્કોહૉલ 79.0 %થી 84.8 %, 57.8 %થી 62.1 % અને 39.1 %થી 61.2 %; જિરાનિયોલ 24.1 %થી 32.5 %, 26.3 %થી 37.9 % અને 19.4 %થી 43.9 %; અને સિટ્રોનેલેલ 40.5 %થી 60.7 %, 24.2 %થી 33.6 % અને 17.2 %થી 33.2 %. જાવા-તેલમાં ટર્પીનો, મિથાઇલ યુજેનોલ (આશરે 1 %), સિટ્રોનેલૉક્સાઇડ, સેસ્ક્વીટર્પીન, ફીનૉલ (ચેવિકોલ) અને સિટ્રોનેલિક ઍસિડ પણ હોય છે. શ્રીલંકા-તેલમાં આ ઉપરાંત, એલ-બૉર્નિયોલ, મિથાઇલ હેપ્ટેનૉન અને ફાર્નેસોલ હોય છે.
સિટ્રોનેલા તેલ મુખ્યત્વે સાબુને સુગંધિત કરવામાં વપરાય છે. તે જિરાનિયોલ અને સિટ્રોનેલેલનો સ્રોત છે. સિન્નેમિક, ફીનિલ એસેટિક અને લૉરિક ઍસિડના જિરાનિયોલ ઍસ્ટરો અત્યંત કીમતી અત્તરોનું સ્થાન લઈ શકે તેમ છે. 10 % સિટ્રોનેલા તેલ ધરાવતો મલમ શરીરે લગાડવાથી મચ્છર કરડતાં નથી.
આયુર્વેદ અનુસાર, તે સ્વાદમાં તીખું, કડવું, તૂરું અને સુગંધી છે. તે પિત્ત, કફ, રક્તદોષ, ચળ, દમ, ઉધરસ, તાવ, શૂળ, અજીર્ણ, અરુચિ, કૉલેરા, બરોળ, કંઠરોગ, હૃદયરોગ, વાતરક્ત (gout), બાલગ્રહ અને શસ્ત્રના જખમ મટાડે છે. નવા મતે તે ધાવણ ઉત્પન્ન કરનાર, ગુણમાં ગરમ, પ્રસ્વેદક, મૂત્રલ, ઉત્તેજક, ચેતનાપ્રદ, વ્રણ, આમવાતની પીડા, માથાની ટાલ, ઝાડા, શરદી, વાતનાડીશૂલ, સંધિવાત, પક્ષાઘાત, ઊંદરી રોગ, હિસ્ટીરિયા, ખરજવું, ખૂજલી અને હાથ-પગની ખાલી મટાડે છે.
સંધિવાત, લકવો, પક્ષાઘાત, વાતનાડીશૂલ અને અંગશૂન્યતામાં તેના તેલની દુખતા અંગ ઉપર રોજ માલિસ કરવામાં આવે છે. શરદી, ઉદરશૂળ (વાતકફદોષજ) અને કફ-જ્વરમાં તેનો ફાંટ (ચા) પિવડાવાય છે અને તેના મૂળને પાણીમાં વાટી શરીરે લેપ કરાય છે. માથાની ઊંદરી કે ટાલ ઉપર સરસિયાના તેલમાં તેનું તેલ મેળવી રોજ માલિસ કરવામાં આવે છે. ખસ, ખૂજલી, સોરાયસિસ અને ખરજવામાં બિમ્બ અને કરંજના તેલમાં તેનું તેલ મેળવી રોજ લગાડવામાં આવે છે. હાથ-પગની ખાલીમાં તેનાં પર્ણો વાટી તેને બહેરા થયેલા અંગ ઉપર મસળવામાં આવે છે કે તેના તેલની રોજ માલિસ કરવામાં આવે છે. રોહિષ ઘાસ, ધમાસો, અરડૂસી, પિત્તપાપડો, ફૂલ પ્રિયંગુ અને કડુ સમભાગે લઈ, ખાંડ નાખી, ઉકાળો (રોહિષાદિ ક્વાથ) બનાવી સેવન કરવાથી મુખમાંથી લોહી પડવું બંધ થાય છે.
રોહિષ (C. caesius) ચેન્નાઈ, ત્રાવણકોર અને ગુજરાતમાં મળી આવે છે અને પશ્ચિમમાં અરબસ્તાન અને સોમાલીલૅંડ સુધી વિતરણ પામેલું ઘાસ છે. તે બાષ્પ-નિસ્યંદન દ્વારા લગભગ 0.22 %થી 0.53 % (શુષ્ક વજન પર આધારિત) જેટલું બાષ્પશીલ તેલ આપે છે. તે જિરાનિયોલ, પેરિલિક આલ્કોહૉલ, એલ-તિમોનિન, એલ–ડાઇપેન્ટીન ધરાવે છે. તેનું ‘જિરેનિયમ’ તેલ ઉષ્ણ, કડવું, સ્વેદલ, મૂત્રલ, જ્વરઘ્ન, ઉત્તેજક અને ચેતનાકારક છે. તેની માલિશ કરવાથી ચામડીમાં લાલી આવે છે. તે નવા આમવાતમાં લાભદાયક છે. માથામાં ટાલ પડી હોય તો તેના તેલની માલિશ કરાય છે. તે કફ, પિશાચબાધા, ગ્રહપીડા, ઉપદંશ, વ્રણ, વાયુ અને વિષનો નાશ કરે છે.
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ