રોહિલખંડ : ઉત્તરપ્રદેશના વાયવ્ય ભાગમાં ઉપલી ગંગાનાં કાંપનાં મેદાનોના ભાગરૂપ નીચાણવાળો પ્રદેશ. તેનો કુલ વિસ્તાર 25,000 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરમાં નેપાળ અને ચીન તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ ગંગા નદી આવેલાં છે. રામાયણ અને મહાભારતમાં તેનો મધ્યદેશ તરીકે ઉલ્લેખ મળે છે. મુસ્લિમ ઇતિહાસકારોએ તેને ‘હિન્દુસ્તાન’ તરીકે ઓળખાવ્યો છે. કહેવાય છે કે આર્યો સર્વપ્રથમ આવ્યા ત્યારે તેમણે આ પ્રદેશમાં વસવાટ શરૂ કરેલો. તે દિલ્હીના મુસ્લિમ શાસકોનો પ્રદેશ બન્યો તે પહેલાં અહીં એક પછી એક હિન્દુ રાજાઓનું શાસન હતું. મુઘલ સામ્રાજ્યના પતન સાથે આ પ્રદેશ જાટ, રોહિલ્લા અને મરાઠાઓની હકૂમત હેઠળ રહેલો. 1857ના બળવા પછી તે અંગ્રેજોના કબજામાં ગયો.
સિંધુ-ગંગાના કાંપથી ભરાયેલા ગર્તવાળો આ મેદાની ભાગ તરાઈ-ભાબરની તળેટી-ટેકરીઓના પટ્ટાથી બે ભાગોમાં વહેંચાઈ ગયેલો છે. પૂર્વ તરફ તે શિવાલિકની ટેકરીઓની તળેટીરૂપે વિસ્તરેલો છે. વાયવ્યથી અગ્નિ-દિશામાં રામગંગા, સુખતા, દેવના, શારદા, પિલખારા અને ગારા નદીઓ વહે છે. આ નદીઓએ અહીં કોતરો, સર્પાકાર વહનમાર્ગો અને આજુબાજુ ટેકરાઓ/ભેખડોની રચના કરી છે. આ વિસ્તાર ક્યારેક ગીચ જંગલોથી આચ્છાદિત હતો, પરંતુ આજે તો તેના કેટલાક ભાગોમાં સાગ, સાલ અને બાવળનાં વૃક્ષો નજરે પડે છે.
આ વિસ્તારમાં થતા ધાન્યપાકોની ખેતી પર અહીંનું અર્થતંત્ર આધાર રાખે છે. કાપડ-ઉદ્યોગ, ખાંડ-ઉદ્યોગ, સામાન્ય ઇજનેરી સાધનો અને રસાયણો જેવા મોટા પાયા પરના ઉદ્યોગો અહીંના મોરાદાબાદ, બરેલી, શાહજહાનપુર અને પીલીભીત જેવા શહેરી વિસ્તારો પૂરતા મર્યાદિત છે.
ઉત્તર ભારતમાં આ વિસ્તાર ગીચ વસ્તી ધરાવે છે. મોરાદાબાદ અને બરેલી ઉત્તર વિભાગીય અને ઉત્તર-પૂર્વીય રેલવેનાં જંક્શનો છે. આખોય વિસ્તાર સડકમાર્ગોની ગૂંથણીવાળો છે. મોરાદાબાદ ખાતે સત્તરમી સદીની જામી મસ્જિદ અને મુઘલ કાળનો કિલ્લો આવેલાં છે. બરેલી ખાતે તેરમી સદીના અભિલેખોવાળી એક મસ્જિદ છે.
ગિરીશભાઈ પંડ્યા