રોહરર, હેન્રિક (જ. 6 જૂન 1933, બૉક્સ, સેટ ગૅલેન, સ્વિટ્ઝર્લૅન્ડ) : ક્રમવીક્ષણ ટનેલીંગ (scanning tunneling) માઇક્રોસ્કોપની રચના માટે ગર્ડ બિનિંગ સાથે 1986ના વર્ષનો નોબેલ પુરસ્કારનો અર્ધભાગ મેળવનાર સ્વિસ ભૌતિકવિજ્ઞાની. બાકીનો અર્ધભાગ અર્ન્સ્ટ રુસ્કાને ફાળે ગયો હતો.
રોહરરે સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી 1955માં સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ ત્યાંથી જ 1960માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1963થી તેઓ ઝૂરિક ખાતે આઇબીએમ(IBM)માં જોડાયા, જ્યાં તેઓ આજ લગી છે.
આ માઇક્રોસ્કોપ વડે સપાટી ઉપરની પારમાણ્વિક સંરચનાનું આવર્ધન કરી શકાય છે. તેમાં સૂક્ષ્મ સોય જેવા ઇલેક્ટ્રૉન અને સપાટી (પૃષ્ઠ) વચ્ચે બોગદા-પ્રવાહનું વહન થાય છે. પ્રવાહનું મૂલ્ય સોય અને સપાટી વચ્ચેના અંતર ઉપર ચુસ્ત રીતે આધાર રાખે છે. આ અંતર અચળ રાખીને 10–11mના વિભેદ સાથે ઇલેક્ટ્રોડ વડે સપાટીનું ક્રમવીક્ષણ કરવામાં આવે છે.
ક્રમવીક્ષણ બોગદા પ્રકારના માઇક્રોસ્કોપ વડે એકબે પરમાણુનું અવલોકન કરી શકાય છે.
રોહરર અને ગર્ડ બિનિંગે આઇબીએમ ઝૂરિક સંશોધન પ્રયોગશાળામાં આ પ્રકારના માઇક્રોસ્કોપની 1979 અને 1981 વચ્ચે રચના કરી. આ માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ કરતાં બિલકુલ ભિન્ન છે.
ઉપર કથિત માઇક્રોસ્કોપ વડે રોહરર અને બિનિંગ દ્રવ્યની સપાટી ઉપરના પરમાણુનું પ્રતિબિંબ મેળવી શક્યા. તેના વડે પરમાણુના વ્યાસ કરતાં 1/25 મા ભાગ જેટલી સૂક્ષ્મ વિગતો મેળવી શક્યા.
પ્રશિષ્ટ ભૌતિકવિજ્ઞાન પ્રમાણે સોયની ઊંચાઈને નિયંત્રિત કરતાં સૂક્ષ્મ પ્રવાહ બિલકુલ પસાર થવા જોઈએ નહિ. તેનું કારણ એ છે કે સોય અને સપાટીને જુદાં પાડનાર રોધક શૂન્યાવકાશ વચ્ચે ઇલેક્ટ્રૉનના વહન માટે વિદ્યુત-પ્રવાહના સંવાહકો જેવું કશું જ હોતું નથી; પણ આધુનિક ક્વૉન્ટમ સિદ્ધાંત અનુસાર થોડાક ઇલેક્ટ્રૉન કોઈ પણ રીતે કૂદકો મારી જાય છે. કૂદકો મારી જતા ઇલેક્ટ્રૉનની સંખ્યા ખાલી અવકાશ ઉપર આધારિત છે. વિદ્યુતપ્રવાહનું મૉનિટરિંગ કરતા માઇક્રોસ્કોપનો પરિપથ સતત સોયની ઊંચાઈનું વાચન કરે છે.
આ પ્રયુક્તિ સંપૂર્ણપણે નવી જ છે અને વિકાસની આ શરૂઆત છે.
આશા પ્ર. પટેલ