રોસેતી, દાંતે ગૅબ્રિયલ (Rosetti, Dante Gabrial)

January, 2004

રોસેતી, દાંતે ગૅબ્રિયલ (Rosetti, Dante Gabrial) (જ. 12 મે 1828, લંડન, બ્રિટન; અ. 9 એપ્રિલ 1882, કેન્ટ, બ્રિટન) : ‘પ્રિરફાયેલાઇટ બ્રધરહૂડ’ નામના ચિત્રકાર-સંગઠનના સ્થાપક અંગ્રેજ ચિત્રકાર અને કવિ. કિંગ્સ કૉલેજમાં 1836થી 1841 સુધી જળરંગી ચિત્રકાર જૉન સેલ કોટમેન પાસે ચિત્રકલાની તાલીમ લીધી. એ પછી છેક 1845 સુધી સેન્ટ્રલ લંડનમાં બ્લૂમ્સ્બરી ખાતે સાસ નામની ડ્રૉઇંગ સ્કૂલમાં તાલીમ લીધી. 1845માં તેઓ રૉયલ એકૅડેમીમાં ચિત્રકલાના વિદ્યાર્થી તરીકે દાખલ થયા.

આ દરમિયાન તેમણે શેક્સપિયર, ગેટે, બાયરન, સ્કૉટ જેવા સાહિત્યકારો અને ગૉથિક વાર્તાઓનો અભ્યાસ પણ કર્યો. દરમિયાન અમેરિકન લેખક એડ્ગર એલન પોની કવિતા ‘ધ રેવન’ વાંચી તે ખૂબ પ્રભાવિત થયા અને એના પર આધારિત ચિત્રો પણ દોર્યાં. 1847માં અંગ્રેજ ચિત્રકાર, કવિ અને દ્રષ્ટા વિલિયમ બ્લેઇકથી પણ આકર્ષાયા. પ્રતિષ્ઠિત કલા-વિવેચક સર જોશુઆ રેનોલ્ડ્સની સામે બ્લેઇકે કરેલા બળવાથી રોસેતી ખૂબ ખુશ થયા અને રૂઢ પરંપરાથી મુક્ત થવાની હિંમત કેળવી.

વીસ વરસની ઉંમરમાં જ તેમણે ઘણા ઇટાલિયન કવિઓની કૃતિઓના અંગ્રેજીમાં અનુવાદ કર્યા અને મૌલિક કાવ્યસર્જન શરૂ કર્યું હતું. હવે તે ફોર્ડ મેડોક્સ બ્રાઉન નામના ચિત્રકારના શિષ્ય બન્યા. પ્રાગ્-રેનેસાંસ તત્વોનું આહવાન કરતા જર્મન ચિત્રકાર નેઝારેનેસની માફક બ્રિટનમાં પણ પ્રાગ્-રેનેસાંસ તત્વોનો આવિષ્કાર કરવા માટે બ્રાઉને રોસેતીને ઉશ્કેર્યા અને 1848માં રોસેતીએ આ ચીલે ચાલનાર સાત ચિત્રકારોના સંગઠન ‘પ્રિરફાયેલાઇટ બ્રધરહુડ’ની સ્થાપના કરી. આ સંગઠનમાં એક ચિત્રકાર (અને દાંતે રોસેતીના ભાઈ) વિલિયમ પિકાયેલ રોસેતીને બાદ કરતાં બાકીના છ રૉયલ અકાદમીના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા હતા. મધ્યયુગની કવિતાને ચિત્રકલા સાથે સાંકળીને તેમણે ચિત્રસર્જન શરૂ કર્યું. તેમાં રોસેતી ઉપરાંત એવેરેટ મિલાઇસ અને વિલિયમ હોલ્માન હન્ટ ખૂબ ક્રિયાશીલ રહ્યા. રોસેતીની ચિત્રકલામાં હવે ગૉથિક અલંકરણ અને સુશોભન પ્રવેશ્યાં. ‘ધ ગર્લહુડ ઑવ્ મેરી’ અને ‘એકે એન્ચિલા ડૉમિની’ નામે બે તૈલચિત્રો ચીતર્યાં. 1850માં આ બે ચિત્રો પ્રદર્શિત થયાં અને આકરી ટીકાઓની વર્ષા થઈ. આથી રોસેતીએ જાહેર પ્રદર્શનમાં ચિત્રો મૂકવાનું બંધ કર્યું તથા તૈલરંગોને સ્થાને જળરંગોથી કામ કરવું શરૂ કર્યું. હવે તેમણે દાંતે, રૉબર્ટ બ્રાઉનિંગ અને શેક્સપિયરમાંથી વિષયો લઈ ચિત્રસર્જન કર્યું. ટેનિસનના ‘આઇડિલ્સ ઑવ્ ધ કિંગ’ અને સર ટૉમસ મેલોરીના ‘માર્ટે ડાર્થર’ પરથી તેમણે મધ્યયુગીન બ્રિટિશ રાજા આર્થરનાં ચિત્રો કર્યાં.

દાંતે ગૅબ્રિયલ રોસેતીની એક કલાકૃતિ

1850 પછી રૂપાળી એલિઝાબેથ સિડ્ડેલે પ્રિરફાયેલાઇટ બ્રધરહુડના સાતેય ચિત્રકારો માટે મૉડલિંગ કરવું શરૂ કર્યું ને પછી રોસેતીના પ્રેમમાં પડીને 1860માં તેની સાથે લગ્ન કર્યું. રોસેતીએ સિડ્ડેલનાં ઘણાં ચિત્રો કર્યાં.

1854માં કડક કલા-વિવેચક જૉન રસ્કિને રોસેતીનાં વખાણ કરવાં શરૂ કર્યાં. એ જ વર્ષે સંગઠન પ્રિરફાયેલાઇટ બ્રધરહુડ તૂટી ગયું, પણ રોસેતીની ખ્યાતિ વધી. ઑક્સફર્ડ અને કેમ્બ્રિજના વિદ્યાર્થીઓ એડ્વર્ડ બર્ન-જોન્સ અને વિલિયમ મોરિસે રોસેતીથી આકર્ષાઈને નવ-ગૉથિક ચળવળ ઉપાડી લીધી. રાજા આર્થરના જમાનાની પુરાકથાઓ તરફ લોકોનું આકર્ષણ વધ્યું. ટેનિસનનાં કાવ્યોની મોકસોન આવૃત્તિમાં રોસેતીએ 1857માં પ્રસંગચિત્રો (illustrations) આલેખ્યાં. લેન્ડેફ કથીડ્રલ માટે 1856માં ‘ધ સીડ ઑવ્ ડૅવિડ’ નામનું ચિત્ર તથા ઑક્સફર્ડ યુનિયન ડિબેટિંગ ચેમ્બર માટે આર્થરના જીવનને આલેખતી લાંબી ચિત્રશ્રેણી સર્જી.

વિલિયમ મોરિસ અને એડ્વર્ડ બર્ન-જોન્સની સાથે બ્રિટનમાં કારીગરી(crafts)ને ઉત્તેજન આપવા રોસેતીએ પ્રયત્નો કર્યા, પણ તે બધા નિષ્ફળ નીવડ્યા.

1860 પછી રોસેતીનું જીવન દુ:ખદ બન્યું. પત્ની સિડ્ડેલ સતત માંદી રહેતી અને 1862માં તે મૃત્યુ પામી, દુખી રોસેતીએ સિડ્ડેલ સાથે પોતાનાં કાવ્યોની પૂર્ણ હસ્તપ્રત પણ દફનાવી દીધી.

દાંતેની નાયિકા બિયેટ્રિસના છદ્મવેશમાં રોસેતીએ 1863માં સિડ્ડેલને ચીતરી. અમેરિકન ચિત્રકાર જેમ્સ વ્હિસ્લર સાથે દોસ્તી થતાં રોસેતી મધ્યયુગના વાતાવરણમાંથી થોડો બહાર આવ્યો. એ ફેની કૉર્નફોર્થ નામની યુવતીના પ્રેમમાં પડ્યો અને એનાં ઘણાં બધાં ચિત્રો ચીતર્યાં. ચિત્રો વેચાતાં હવે તે ધનાઢ્ય થયો અને બગીચા સાથેનું મોટું મકાન લંડનમાં ખરીદ્યું.

ઇટાલિયન કવિતાના તેણે કરેલા અંગ્રેજી અનુવાદની 1861માં પ્રકાશિત થયેલ આવૃત્તિ ‘ધી અર્લી ઇટાલિયન પોએટ્સ’માં તેણે પ્રસંગચિત્રો દોર્યાં. હવે આંખે દેખાતું ઓછું થતાં ચિત્રકલા ત્યજીને તે કવિતા ભણી વળ્યો. હાઇગેટ સેમેટરીમાં પત્ની સાથે દફનાવી દીધેલી કાવ્યોની હસ્તપ્રત પાછી ખોદી કાઢી તેનું 1870માં પ્રકાશન કર્યું.

રૉબર્ટ બુચેનેન નામના પત્રકાર અને વિવેચકે ‘ટૉમસ મેઇટલૅન્ડ’ ઉપનામ હેઠળ ‘ફલેશલી સ્કૂલ ઑવ્ પોયેટ્રી’ શબ્દો વાપરીને રોસેતીની કવિતાનાં છોતરાં ઉખાડી દીધાં; તેથી અકળાયેલા રોસેતીએ ‘સ્ટીલ્ધી સ્કૂલ ઑવ્ ક્રિટિસિઝમ’ કહી બુચેનેન પર વળતો પ્રહાર કર્યો. હવે રોસેતી દારૂની લતે ચઢી ગયો અને અનિદ્રાનો ભોગ બન્યો. અપંગ બનેલો રોસેતી વિલિયમ મોરિસ સાથે રહ્યો અને તેણે જેઇન મોરિસનાં વ્યક્તિચિત્રો દોર્યાં. યુવાનીમાં ચીતરેલું ચિત્ર ‘દાન્તે’ઝ ડ્રીમ’ તેણે 1880માં ફરીથી ચીતર્યું.

રોસેતીને હંમેશનો લંડનવાસ ગમતો તથા તે કદી ઇટાલી ગયો ન હોવા છતાં જૉન રસ્કિને તેને ‘લંડનના દાવાનળમાં ખોવાયેલો ઇટાલિયન’ કહી અંજલિ આપી હતી.

ચિત્રકાર તરીકે તેની અસર પછીના પ્રતીકવાદીઓ પર પડેલી જોવા મળે છે.

અમિતાભ મડિયા