રોશન, રીતિક રાકેશ (જ. 10 જાન્યુઆરી 1974, મુંબઈ) : ફિલ્મ અભિનેતા.

રીતિક રોશનના નામનો અંગ્રેજી સ્પેલિંગ (Hrithik) કરવામાં આવે છે.

ફિલ્મજગત સાથે સંકળાયેલા એવા પરંપરાગત કુટુંબમાં રીતિક રોશનનો જન્મ થયો. રીતિકના પિતા રાકેશ રોશન પોતે એક અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે અને સંગીતકાર રોશનલાલ નાગર્થના પુત્ર છે. તો માતા પિંકી, જાણીતા ફિલ્મ નિર્માતા જે. ઓમ પ્રકાશનાં પુત્રી છે. રીતિકના કાકા રાજેશ રોશન ફિલ્મ સંગીતકાર તરીકે જાણીતા છે. રીતિક એક હિંદુ કુટુંબમાં જન્મ્યો છે પણ પોતે ધાર્મિક કરતા આધ્યાત્મિક વધુ છે તેમ કહે છે. તેને એક મોટી બહેન સુનયના છે. રીતિકે અભ્યાસ બૉમ્બે સ્કોટિશ સ્કૂલમાં કર્યો છે.

રીતિકને જન્મથી એક આંગળી અને અંગૂઠો જોડાયેલા હતાં. તથા નાનપણમાં બોલવામાં તેની જીભ અચકાતી હતી તેથી મૌખિક પરીક્ષા આપતાં તે ડરતો હતો. તેથી તેને સ્પીચ થેરાપી લેવી પડી હતી.

રીતિકની અભિનય કારકિર્દી છ વર્ષની ઉંમરે એક બાળકલાકાર તરીકે થઈ હતી. રીતિકના નાના ઓમપ્રકાશે તેમની ફિલ્મ આશા(1980)માં અભિનેતા જિતેન્દ્ર સાથેના નૃત્યમાં તેને તક આપી હતી અને તેને માટે તેને સો રૂપિયા આપવામાં આવ્યા હતા. એ સમયની કેટલીક ફિલ્મોમાં તેણે નાના નાના રોલ કરેલા જેમાં કોઈ સંવાદ બોલવાના નહોતા. 12 વર્ષની ઉંમરે ગોવિંદાના બાળપણના રોલમાં તેને સંવાદ બોલવાની તક ફિલ્મ ‘ભગવાન દાદા’ (1986)માં મળી જે પણ તેના નાના જે. ઓમપ્રકાશની ફિલ્મ હતી. આ સમયમાં જ રીતિકે અભિનેતા બનવું તેવું નક્કી કરી લીધેલું. પણ પિતાનો આગ્રહ એવો હતો કે પહેલાં અભ્યાસ પૂર્ણ કરવો. આગળ ઉપર રીતિક મુંબઈની સીડનહામ કૉલેજમાં દાખલ થયો અને કૉમર્સનો અભ્યાસ કર્યો. કૉલેજના દિવસોમાં તે અનેક કાર્યક્રમો, ખાસ કરીને નૃત્યના કાર્યક્રમોમાં ભાગ લેતાં. સાથે સાથે પિતા રાકેશ રોશનને તેમની ફિલ્મોના દિગ્દર્શનમાં પણ સહાયક તરીકે કાર્ય કરતા. આવી ફિલ્મોમાં ‘ખૂદગર્ઝ’ (1979), ‘કિંગ અંકલ’ (1993), ‘કરણ અર્જુન’ (1995) અને ‘કોયલા’ (1997)માં દિગ્દર્શનના પાઠ શીખ્યા. તો અભિનય માટે કિશોર નમીત કપૂરની એકૅડેમીમાં અભિનય શીખવા પણ ગયા.

રીતિક રાકેશ રોશન

રીતિકની પહેલી ફિલ્મ શેખર કપૂર દિગ્દર્શિત ‘તારા રમ પમ પમ’(2000) પણ કેટલાંક કારણસર રજૂ થઈ નહીં અને રાકેશ રોશન દિગ્દર્શિત ફિલ્મ ‘કહોના પ્યાર હે’ (2000) પહેલા રજૂઆત પામી તેથી  તેજ ગણાય. રીતિકની પહેલી જ ફિલ્મ વ્યવસાયિક રીતે અત્યંત સફળ થઈ. એટલું જ નહીં આ ફિલ્મને તે વર્ષના મોટા ભાગના પારિતોષિકો મળ્યાં. વ્યક્તિગત રીતે રીતિક રોશનને શ્રેષ્ઠ પ્રથમ ફિલ્મનો અને શ્રેષ્ઠ અભિનેતાનો એમ બંને ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યા. આ ઉપરાંત ઝી સિને ઍવૉર્ડ તથા બીજા પણ કેટલાક ઍવૉર્ડ મળ્યા.

2000ના વર્ષમાં અન્ય એક ફિલ્મ પણ રજૂઆત પામી તે ખાલીદ મોહમ્મદ દિગ્દર્શિત ફિલ્મ ફીઝા, જે 1992-93ની સાલમાં મુંબઈમાં થયેલાં હુલ્લડો પર આધારિત હતી. જેમ વ્યવસાયિક રીતે કહોના પ્યાર હે સફળ થયું તેમ ‘ફીઝા’નો અભિનય સમીક્ષકો દ્વારા ખૂબ પ્રશંસા પામ્યો.

રીતિકની કેટલીક મહત્વની ફિલ્મોમાં મિશન કાશ્મીર (2000), ‘કભી ખુશી કભી ગમ’ (2001), ‘કોઈ મીલ ગયા’ (2003), ‘લક્ષ્ય’ (2004), ‘ક્રીશ’ (2004), ‘ધૂમ-2’ (2006), જોધા અકબર (2008), ‘ગુઝારીશ’ (2010), ‘જિંદગી ના મીલેગી દુબારા’ (2011) અને ‘કાબીલ’ (2017) ઉલ્લેખનીય છે. રીતિકે બધી મળીને પાંચ ફિલ્મો બાળકલાકાર તરીકે, ચાર ફિલ્મો સહાયક દિગ્દર્શક તરીકે, 32 ફિલ્મો અભિનેતા તરીકે અત્યાર સુધીમાં કરી છે. આ ઉપરાંત એક ટેલિવિઝન ડૉક્યુમેન્ટ્રી ધ વર્લ્ડ હિસ્ટરી ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (The World History of Organised Crime) અને ચાર મ્યુઝિક આલબમો કર્યાં છે. હાલ છ જેટલી ફિલ્મો નિર્માણ હેઠળ છે. આ બધી ફિલ્મોમાંના તેના અભિનય માટે ચાર વખત શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર ઍવૉર્ડ તથા અગિયાર વખત નૉમિનેશન મળેલ છે. આ ઉપરાંત બીજા અનેક ઍવૉર્ડ પણ તેને મળેલ છે.

તેણે મુંબઈની દિલખુશ સ્પેશિયલ સ્કૂલ ફૉર મેન્ટલી ચેલેન્જ ચિલ્ડ્રન (Dilkhush Special School for mentally challenged children) અને નાણાવટી હૉસ્પિટલમાં મોટું દાન આપેલું છે. તો 2009માં દિવ્યાંગ બાળકો માટે એક ચૅરિટી સંસ્થા સ્થાપી છે. જે દ્વારા આ પ્રકારનાં અનેક બાળકોને સહાય કરવામાં આવે છે.

રીતિકે 20 ડિસેમ્બર, 2000ના રોજ જાણીતા અભિનેતા સંજયખાનની પુત્રી સુઝાનની સાથે બૅંગાલુરુમાં લગ્ન કરેલા. આ દંપતીને બે પુત્રો છે. રીતિક હિંદુ હોવા છતાં મુસ્લિમ સુઝાન સાથે લગ્ન કરે છે ત્યારે કહેલું કે હું બધા ધર્મનો આદર કરું છું. આ બંનેના 2014માં છૂટાછેડા થઈ ગયા છે.

અભિજિત વ્યાસ