રોલામાઇટ (rolamite) : યાંત્રિક સાધનો (પ્રયુક્તિઓ) માટે વપરાતી સાદી, નમ્ય (flexible) અને સહેલાઈથી ગોઠવી શકાય તેવી પ્રાથમિક યંત્રરચના (mechanism). સાદી, નાની યાંત્રિક સ્વિચની શોધ કરતાં ડૉનાલ્ડ વિલ્ક્સે 1966માં રોલામાઇટની શોધ કરી. પહેલાં આ પ્રકારના કામ માટે જે સ્વિચો વપરાતી તેનાં કદ અને ભાગોની સંખ્યામાં રોલામાઇટ ક્રિયાવિધિના ઉપયોગથી ઘટાડો થયો.

રોલામાઇટની રચના બહુ સાદી છે. લંબચોરસ આકારના ચોકઠામાં ઉપર-નીચે બે પાટિયાં, વચ્ચે બે રોલ અને ફેરફાર કરી શકાય તેવો ધાતુનો પટ્ટો (band), S આકારના લૂપ(પાશ)માં બંને રોલને લટકાવવામાં આવે છે. જ્યારે પટ્ટાને તંગ (ટાઇટ) કરવામાં આવે ત્યારે રોલ પટ્ટામાં માત્ર રોલિંગ ગતિ કરી શકે અને સરકી શકે નહિ તેવી સ્થિતિ થાય છે. આ પરિસ્થિતિને લીધે, સામાન્ય રીતે રોલિંગમાં જેટલું ઘર્ષણ થતું હોય તેના દસમા ભાગ જેટલું ઘર્ષણ અહીં ગાઇડ રેઇલ્સ વચ્ચેના રોલિંગમાં થાય છે. રોલામાઇટમાં રોલરોને લટકાવવાની સ્થિતિ રોલરોને ઘર્ષણશૂન્ય સ્થિતિ બક્ષે છે. જુદી જુદી પહોળાઈ કે આકારની ધાતુપટ્ટી (band) પસંદ કરી ગાઇડ રેઇલ્સ વચ્ચે રોલરોને પસંદગીની (ધારેલ) સ્થિતિમાં મૂકી (ગોઠવી) શકાય છે.

રોલામાઇટ ક્રિયાવિધિ : (A) એકસરખી પહોળાઈનો પટ (band) શૂન્ય બળ ઉત્પન્ન કરે છે; (B) પરિવર્તી (varying) પહોળાઈનો પટ ઋણ બળ-અચળાંકવાળી  સ્પ્રિંગની જેમ વર્તે છે; (C) પટમાં ત્રિકોણીય (triangular) ખાંચો ધન સ્પ્રિંગ-અચળાંક  ઉત્પન્ન કરે છે; (D) વર્તુળાકાર છિદ્રો બળમાં સાઇનવક્રીય (જ્યાવક્રીય) વિચરણ (variation) સાથેની ડિટેન્ટિંગ ક્રિયાવિધિ (detenting mechanism) દર્શાવે છે.

બંને બૅન્ડ લૂપને પોતાની મૂળ સ્થિતિ એટલે કે સીધી (સપાટ) સ્થિતિમાં જવાનું વલણ હોય છે. બંને રોલરોને વીંટળાયેલ પટ્ટાની પહોળાઈમાં ફેર હોય તો તેમને લાગતાં બળોમાં પણ ફેર પડે અને રોલરોને લીધે ઊભી થતી સ્પ્રિંગ(કમાન)ની અસર પણ જુદા જુદા પ્રકારની મળી રહે. આ રીતે રોલોમાઇટમાં જુદા જુદા પ્રકારની ધાતુપટ્ટીઓની મદદથી અનેકવિધ સ્પ્રિંગની અસર મેળવી શકાય છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ