રોરુક : સક્કર(સિંધ, પાકિસ્તાન)થી 9 કિમી. દૂર આવેલું આજના રોરી નગરની સમીપનું પ્રાચીન જનપદ. બુદ્ધકાલ (ઈ. પૂ. છઠ્ઠી સદી) દરમિયાન આ વિસ્તાર સૌવીર કે દક્ષિણ સિંધુ પ્રદેશમાં સમાવિષ્ટ હતો. ‘દિવ્યાવદાન’માં રોરી કે રોરુક જનપદના રાજા તરીકે રુદ્રાયણનો ઉલ્લેખ મળે છે. સિકંદરના ભારત પરના આક્રમણ (ઈ. પૂ. 326) વખતે રોરુકમાં મૂષિક જાતિનું રાજ્ય હતું. ગ્રીક ઇતિહાસકારોએ આ નગરનો મૌસિકાનોજ તરીકે ઉલ્લેખ કર્યો છે. 712માં આરબ સેનાપતિ મુહમ્મદ બિન કાસિમે આ નગરના રાજા દાહિરને હરાવી તે જીતી લીધું હતું. એક પ્રાચીન દંતકથા મુજબ 800ના અરસામાં સિંધુ નદીમાં પૂર આવવાને કારણે આ પ્રાચીન નગર નાશ પામ્યું હતું. વર્તમાન રોરીથી 8 કિમી. દૂર દક્ષિણ-પૂર્વમાં એનાં ખંડેરો જોવામાં આવે છે.
પ્રવીણચંદ્ર પરીખ