રોમા : ઑસ્ટ્રેલિયાના દક્ષિણ-મધ્ય ક્વીન્સલૅન્ડમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : જિલ્લાનો વિસ્તાર 27° 15´ દ. અ. અને 148° 30´ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલો છે, જ્યારે રોમા નગર 26° 35´ દ. અ. અને 148° 47´ પૂ. રે. પર આવેલું છે. આ નગર દેનહામ હારમાળામાંથી નીકળતી બંગિલ નદી(ડાર્લિંગ નદીની શાખા-નદીની સહાયક નદી)ને પશ્ચિમ કાંઠે વસેલું છે અને તે જિલ્લાનું મુખ્ય મથક છે.
જિલ્લામાં પથરાયેલી બંગિલ ખાડીનાં ગોચરો અને ખેતીની પેદાશોનું મથક પણ આ શહેર છે. આ જિલ્લો અહીંના ડેરી-ઉદ્યોગ માટે મહત્વનો છે. અહીં ઘઉં, દ્રાક્ષ અને ફળોની ખેતી થાય છે, સાથે સાથે ઘેટાં અને ઢોરનો ઉછેર થાય છે. 1960ના દાયકામાં આ વિસ્તારમાંથી કુદરતી વાયુનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ વાયુનો ઉપયોગ સ્થાનિક ઊર્જા-ઉત્પાદન માટે થાય છે; બ્રિસ્બેન સુધી તે પાઇપો દ્વારા પહોંચાડવામાં આવે છે. નજીકમાં તેલના કૂવા પણ ખોદાયા છે.
1862માં આ નગરનું સર્વેક્ષણ કરવામાં આવેલું. 1867માં મ્યુનિસિપાલિટીની સ્થાપના કરવામાં આવી છે. આ નગરમાં કતલખાનાં, આટાની મિલો, લાટીઓ, માખણના એકમો, ઢોરબજાર અને દારૂનાં પીઠાં આવેલાં છે. અહીંથી 510 કિમી. દૂર પૂર્વ-અગ્નિ (ESE) તરફ આવેલા બ્રિસ્બેન સાથે તે રેલમાર્ગે, ધોરી માર્ગે અને હવાઈ માર્ગે જોડાયેલું છે. આ રાજ્યનાં પ્રથમ ગવર્નરનાં પત્ની ડાયામેન્ટિના રોમા બોવેનની યાદમાં આ નગરને ‘રોમા’ નામ અપાયેલું છે.
જાહ્નવી ભટ્ટ