રોમર, આલ્ફ્રેડ શેરવુડ (જ. 5 ડિસેમ્બર 1894, વ્હાઇટ પ્લેન્સ, ન્યૂયૉર્ક; અ. 5 નવેમ્બર 1973, કેમ્બ્રિજ) : પૃષ્ઠવંશી પ્રાણીઓની ઉત્ક્રાંતિનો સ્પષ્ટ ખ્યાલ આપનાર એક ખ્યાતનામ જીવાવશેષવિજ્ઞાની (palaeontologist). તેમણે તુલનાત્મક શારીરિકી (comparative anatomy) અને ગર્ભવિજ્ઞાન(embryology)ના સચોટ પુરાવાઓને આધારે પૃષ્ઠવંશી પ્રાણીઓના જીવાવશેષવિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
આલ્ફ્રેડ રોમરનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેમના પિતા વર્તમાનપત્ર વેચવાનો ધંધો કરતા હતા. પરિણામે આલ્ફ્રેડ શરૂઆતમાં સ્થિર જીવન પસાર કરી શક્યા નહોતા. તેમના પિતા 1909માં વ્હાઇટ પ્લેન્સ પાછા આવ્યા. આલ્ફ્રેડ પોતાનાં દાદીને ત્યાં રહેવા લાગ્યા. આર્થિક નબળાઈને લીધે આલ્ફ્રેડે જાતજાતની નોકરીઓ કરી અને 1913માં ઍમહર્સ્ટ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. કુટુંબની દૃષ્ટિએ આ એક અસાધારણ ઘટના હતી. શિષ્યવૃત્તિ મેળવીને, જાતજાતનું કામ કરીને અને પૈસા ઉછીના લઈને તેમણે શિક્ષણ ચાલુ રાખ્યું. ઇતિહાસ અને જર્મન એમના મનગમતા વિષયો હતા; પરંતુ તેઓ અન્ય વિષયોમાં પણ રસ લેતા હતા. તેમણે આ કારકિર્દી દરમિયાન ન્યૂયૉર્કમાં આવેલ ‘અમેરિકન મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી’નું નિરીક્ષણ કરેલું. ડાયનોસૉરના જીવાશ્મથી તેઓ અત્યંત પ્રભાવિત થયા. તેમણે વિજ્ઞાન-શિક્ષણના એક ભાગરૂપે ફ્રૅડ્રિક લુમિસના વિદ્યાર્થી બનીને ઉત્ક્રાંતિનો અભ્યાસક્રમ પૂરો કર્યો અને 1917માં સ્નાતક બન્યા. સ્નાતક થયા પછી પહેલા યુદ્ધ દરમિયાન અમેરિકન સૈનિક તરીકે ફરજ બજાવી. 1917માં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં ખ્યાતનામ પ્રાધ્યાપક વિલિયમ ગ્રેહામની દોરવણી નીચે સંશોધન કરીને તેમણે પીએચ.ડી. માટે એક મહાનિબંધ (thesis) રજૂ કર્યો. તુલનાત્મક સ્નાયુશાસ્ત્રમાં તેમણે કરેલું અધ્યયન નોંધપાત્ર નીવડ્યું. પીએચ.ડી.ની ઉપાધિ મેળવીને તેમણે બે વરસ સુધી ન્યૂયૉર્કની તબીબી કૉલેજમાં શારીરિકીના અધ્યાપક તરીકેની ફરજ બજાવી. શિકાગો વિશ્વવિદ્યાલયમાં ભૂસ્તરશાસ્ત્ર અને જીવાવશેષ વિભાગમાં ડૉ. રોમર સહ-અધ્યાપક (associate professor) તરીકે જોડાયા. ત્યાં તેમણે પ્રાચીન જીવયુગ(palaeozoic age)ની માછલીમાં તેમજ ઉભયજીવી અને સરીસૃપોના જીવાવશેષોમાં ઊંડો રસ લીધો. તેના નિરીક્ષણથી પ્રભાવિત થયેલા રોમરે પોતે શિક્ષણ-પ્રવાસ ખેડીને જીવાશ્મોને ભેગા કરી સંશોધન ચાલુ રાખ્યું. દરમિયાન તેઓ સહચારિણી તરીકે રુથ હિબર્ટ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. રુથે રોમરના શૈક્ષણિક પ્રવાસમાં પણ સાથ આપ્યો. જીવાશ્મોનાં કરેલ નિરીક્ષણના આધારે ‘પૃષ્ઠવંશીય જીવાશ્મવિજ્ઞાન’ (vertebrate palaeontology) પુસ્તકનું પ્રકાશન કર્યું. ઉપરાઉપરી તેની સુધારેલી 3 આવૃત્તિઓ બહાર પડી. આજે પણ પૃષ્ઠવંશી પ્રાણીઓના અભ્યાસમાં તેનું અગત્યનું સ્થાન છે.
પ્રાણીવિજ્ઞાનના નિષ્ણાત હોવા છતાં, તેમણે ભૂસ્તર વિભાગમાં 11 વરસ સુધી જીવવિજ્ઞાન શીખવ્યું અને 1934માં આમંત્રણ મળતાં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં ડૉ. રોમર જીવવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને 1945માં જીવવિજ્ઞાન વિભાગના અને 1946માં તુલનાત્મક પ્રાણીવિજ્ઞાન સંગ્રહાલયના અધ્યક્ષ બન્યા. પોતાના મનગમતા વિષયમાં અધ્યયન કરવાની આ સુવિધા ડૉ. રોમર તેમજ પૃષ્ઠવંશીય વિજ્ઞાનના અભ્યાસાર્થીઓ માટે મહત્વપૂર્ણ નીવડી. સાથે સાથે તેમના પ્રયત્નોથી સંગ્રહાલય પણ સમૃદ્ધ બન્યું. તેમણે સરીસૃપ પ્રાણીઓ પર બે પુસ્તકો લખ્યાં. તે ઉપરાંત 1956માં ‘પૃષ્ઠવંશીઓનું શરીર’ (The Vertebrate Body) પર એક પુસ્તક આપ્યું. પાર્યાવરણિક અસર હેઠળ પૃષ્ઠવંશી પ્રાણીઓના શરીરનાં વિવિધ અંગોનું બંધારણ નિયોજિત કાર્ય માટે કઈ રીતે અનુકૂલન પામેલું છે તેની છણાવટ એ આ પુસ્તકની વિશેષતા છે. તુલનાત્મક શારીરિકીનું વિવેચન કરતું આ પુસ્તક આજે પણ અમેરિકા તેમજ દુનિયાનાં ઘણાં વિશ્વવિદ્યાલયોમાં, પૃષ્ઠવંશી શરીરના અભ્યાસીઓ માટે અનિવાર્ય નીવડ્યું છે. રોમર તેમની પૃષ્ઠવંશી વિષય પ્રત્યેની અભિરુચિ અને વિષય પરત્વેની તલસ્પર્શી દૃષ્ટિને કારણે, આ વિષયના નિષ્ણાત તરીકે આજે પણ અનોખું સ્થાન ધરાવે છે.
ડૉ. રોમર 1965માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી નિવૃત્ત થયા. નિવૃત્ત હોવા છતાં, જીવનની અંતિમ ઘડી સુધી શૈક્ષણિક પ્રવાસો, જીવાશ્મોનું સંશોધન અને તેમનો સંગ્રહ, પરિસંવાદોમાં હાજરી તેમજ વિવિધ સંગ્રહાલયોની મુલાકાતો વગેરે દ્વારા પોતાના મનગમતા વિષય સાથેનો સંપર્ક સતત જાળવી રાખ્યો. ‘પૃષ્ઠવંશી’ વિષયના વિજ્ઞાનીઓમાં તેમનું નામ હંમેશ માટે ઉલ્લેખનીય રહેશે.
મ. શિ. દૂબળે