રોમન હૉલિડે : અંગ્રેજી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1953. શ્વેત અને શ્યામ. ભાષા : અંગ્રેજી. નિર્માણ-સંસ્થા : પૅરેમાઉન્ટ પિક્ચર્સ. નિર્માતા અને દિગ્દર્શક : વિલિયમ વાઇલર. પટકથા : ઇયાન મેકલેલન હન્ટર, જૉન ડાયટન. કથા : ઇયાન મેકલેલન હન્ટરની વાર્તા પર આધારિત. છબિકલા : ફ્રાન્ઝ પ્લાનર. મુખ્ય કલાકારો : ગ્રૅગરી પૅક, ઓડ્રી હેપબર્ન, એડી આલ્બર્ટ, હાર્ટલી પાવર, લૉરા સોલારી, હાર્કોર્ટ વિલિયમ્સ.
મનમસ્તિષ્કને તરોતાજા કરી દેતું ચિત્ર. કથાનક પરીકથા જેવું છે, પણ સમય આજનો છે. કથાની ગતિ, છબિકલા, હાસ્યનું તત્વ, તથા મુખ્ય કલાકારોના બેમિસાલ અભિનયે આ ચિત્રને પ્રશિષ્ટની કક્ષામાં મૂકી દીધું છે. મધ્ય યુરોપના રાજઘરાનાની એક રાજકન્યા એન વૈભવી અને વધુ પડતા સુરક્ષિત જીવનથી કંટાળી જાય છે. તેને બહારની દુનિયા જોવી છે. એક વાર રોમની સફરે જતી વખતે તે શાહી રસાલાને છોડીને ભાગી નીકળે છે. શાહી તોરતરીકાઓમાં જકડાયેલી રાજકુંવરીને પહેલી વાર મુક્તિનો અહેસાસ થાય છે. તેને સામાન્ય માણસ જેવું જીવન જીવવું છે. તે એક પત્રકારો જૉ બ્રેડલીને મળે છે. જૉ પણ બીજા ઘણા પત્રકારની જેમ રાજકુમારી એનની મુલાકાત લેવા માંગતો હોય છે. તે રાજકુમારીને ઓળખી જાય છે, પણ ન ઓળખતો હોય એ રીતે તેની સાથે વર્તાવ કરે છે. તે આખો દિવસ રાજકુમારી સાથે હરેફરે છે. તેને રોમનાં જાણીતાં અને જોવાલાયક સ્થળોએ લઈ જાય છે. સાથોસાથ રાજકુમારી ગાયબ થઈ હોવાથી તેને શોધી રહેલી પોલીસની નજરથી તેને બચાવતો રહે છે. અંતે 24 કલાક પૂરા થતાં બંનેને છૂટાં પડવાનો વખત આવે છે. વીતેલા સમય દરમિયાન બંને એકમેકના પ્રેમમાં પડી ચૂક્યાં હોય છે, પણ પત્રકાર જાણે છે કે બંનેનું મિલન થઈ શકવાનું નથી. તે રાજકુમારીને સલામત રીતે તેના રસાલા સુધી પહોંચાડી દે છે. રાજકુમારી સાથે વિતાવેલા સમય અંગે તે અહેવાલ લખે તો તેને નામના મળે તેમ છે એ પણ તે જાણતો હોય છે, પણ તે એ વિશે કંઈ ન લખવાનો નિર્ણય કરીને રાજકુમારીના આ રહસ્યને તે રહસ્ય જ રહેવા દે છે. તેણે રાત્રિના સહવાસ દરમિયાન રાજકુમારીના મુક્ત જીવનના પ્રસંગોની તેની જાણ બહાર છબિઓ પાડી લીધેલી. તેની પ્રસિદ્ધિ દ્વારા મોટી કમાણી કરવાનો તેનો વિચાર હતો; પણ રાત્રિના અનુભવે રાજકુમારીના વૈભવી જીવન પાછળની કરુણતાનું તેને ભાન થાય છે. તે વિચાર બદલે છે અને બીજે દિવસે સવારની રાજસભામાં અજાણ્યા પ્રજાજન રૂપે છબિઓનો સંપુટ રાજકુમારીને કરુણ-મધુર સ્મૃતિ રૂપે ભેટ આપી જાય છે. ચિત્રમાં ઘણા મનોરંજક પ્રસંગો છે. ચુસ્ત પટકથા અને કુશળ દિગ્દર્શને આ ચિત્રને યાદગાર બનાવી દીધું છે. આ ચિત્રને શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ કથા, શ્રેષ્ઠ પટકથા, શ્રેષ્ઠ કલાનિર્દેશન, શ્રેષ્ઠ છબિકલા, શ્રેષ્ઠ પોશાક અને શ્રેષ્ઠ સંપાદન માટે ઑસ્કરનાં દસ નામાંકન મળ્યાં હતાં અને તેમાંથી શ્રેષ્ઠ અભિનેત્રી ઓડ્રી હેપબર્ન, શ્રેષ્ઠ કથાલેખક ઇયાન મેકલેલન હન્ટર તથા શ્રેષ્ઠ પોશાક માટે એડિથ હેડને ઑસ્કાર મળ્યા હતા. એક નોંધપાત્ર બાબત એ છે કે આ ચિત્રની કથા મૂળ ડેલ્ટન ટ્રમ્બોએ લખી હતી, પણ તેઓ કાળી યાદીમાં મુકાયા હોવાને કારણે હન્ટરે આ વાર્તા લખી હોવાનું જાહેર કરાયું હતું અને લગભગ 40 વર્ષ સુધી આ વાર્તા હન્ટરે જ લખી હોવાનું માનવામાં આવતું હતું. 1987માં આ ચિત્ર પરથી દિગ્દર્શક નોએલ નૉસેકે આ જ નામે પુનર્નિર્માણ કર્યું હતું, પણ તેમાં સફળતા મળી નહોતી.
હરસુખ થાનકી