રોપવે (aerial ropeway) : દુર્ગમ પર્વતો કે ઊંચી-નીચી ખડકાળ જમીન પર દૂર માલસામાન ને મુસાફરો માટે દોરડા(કેબલ)નો ઉપયોગ કરતી યાતાયાતની એક રીત. કારખાના માટે ખાણમાંથી કાચો માલ લાવવા કે મોટો બંધ બાંધવા માટે માટી, કાંકરી, રેતી જેવા પદાર્થો પહોંચાડવા રોપવેનો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે. હવે યાત્રાધામો અને પર્યટનસ્થળોમાં પણ રોપવેનો ઉપયોગ વધી રહ્યો છે. ભારતમાં હરદ્વાર, પાવાગઢ, અંબાજી વગેરે યાત્રાધામોમાં રોપવેનો ઉપયોગ જાણીતો છે.
રોપવે બે પ્રકારના હોય છે : એક દોરડાનો અને બે દોરડાનો. પહેલા પ્રકારમાં એક જ કેબલ (દોરડું) જે સતત ચાલતું (અંતરહિત – endless) હોય છે. આ કેબલ સતત ચાલ્યા કરે છે અને તેના પર લગાવેલ ડોલો/બાલટીઓ/પિંજરાંઓ/ટ્રૉલીઓ કે જેમાં વહન કરવાની વસ્તુઓ કે વ્યક્તિઓ મૂકવામાં આવી હોય તે સતત ફર્યા કરે છે અને એ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલસામાન કે વ્યક્તિઓને પહોંચાડાય છે. દોરડાને ખેંચીને ચલાવવા માટે મોટી ડ્રમપુલીઓ બંને છેડે આવેલી હોય છે. ડ્રમપુલીઓ ઊભા કરેલા લોખંડના મોટા ટાવર પર ટેકવેલી હોય છે અને તેમને ફેરવવા માટે જરૂરી ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટર કે એન્જિન હોય છે. યાતાયાત માટેનો માર્ગ ઘણો લાંબો હોય તો કેબલને વચ્ચે ટેકો આપવા માટે વધારાના ટાવરો રાખવામાં આવે છે.
આકૃતિ 1માં સ્ટીલના ટાવર પર ટેકવાયેલ બે કેબલ (હકીકતે તે બંને સતત એક કેબલના ભાગ જ હોય છે) તેમ જ કેબલ પર લગાવેલ માલ ભરવાની ડોલો દર્શાવી છે. આકૃતિ 2માં એક પ્રકારની ડોલ તેમ જ તે કેબલ પર કેવી રીતે લગાવવામાં આવે છે તે દર્શાવ્યું છે.
બે દોરડાંના રોપવેમાં એક દોરડાનો ઉપયોગ ડોલ, પિંજરા કે ટ્રૉલીને ટેકવવા માટે થાય છે, જ્યારે બીજાનો ડોલને ખેંચવા માટે થાય છે. ડોલ બે ગરગડીઓ દ્વારા ઉપરના દોરડે ટેકવાય છે, જ્યારે નીચેનું દોરડું જે પોતે ચાલે છે તેની સાથે ચુસ્તપણે જડેલી હોય છે.
દોરડું (કેબલ) સ્ટીલના તારોનું બનેલું હોય છે. સ્ટીલના તારોની ગૂંથણીથી કેબલ તૈયાર થયેલ હોય છે. કેબલની પસંદગીમાં આ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે : (1) દરેક ડોલમાં કુલ કેટલો ભાર મૂકવામાં આવશે ? (2) ભાર લાદવામાં અને ઉતારવામાં કેટલો સમય મળશે ? (3) કેબલને કેટલી ગતિએ ચલાવવામાં આવશે ? આ બાબતો ઉપર વિચાર કરીને રોપવેની કાર્યક્ષમતા નક્કી થાય છે. રોપવેની કાર્યક્ષમતા તે કેટલા તારનું કેટલી ગતિએ વહન કરે તેના પરથી નક્કી થાય છે. કેબલને પૂર્વનિશ્ચિત ગતિએ ચલાવવા એન્જિન જરૂરી છે. કયા પ્રકારનો કેટલો ઢાળ કે ચડાવ છે તે પણ પહેલેથી તપાસી લેવું જરૂરી હોય છે.
રોપવેની રચના કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે :
(1) રોપવેના દરેક ભાગની રચના (પસંદગી) કાળજીપૂર્વક થાય. (2) તેની મુખ્ય અક્ષ (axis) સીધી હોય. (3) જ્યાં આવવા તથા જવા માટે બે સમાંતર કેબલ ઉપરથી ટ્રૉલીઓ ફરતી હોય તેવા કિસ્સામાં બે ડોલ/ટ્રૉલી વચ્ચે ઓછામાં ઓછું 1 મીટરનું અંતર હોવું જરૂરી હોય છે. (4) ટ્રૉલીની મહત્તમ ગતિમર્યાદા 2 મીટર/પ્રતિસેકન્ડથી વધુ ન હોય એ જરૂરી છે.
રોપવેનો ઉપયોગ યાત્રાધામો અને પર્યટન-સ્થળોએ વધતો જતો હોઈ રોપવેની યોગ્ય પસંદગી તેમજ કાળજીપૂર્વકની સારસંભાળ અને નિભાવ મહત્વનાં બનતાં જાય છે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ
રાજેશ માનશંકર આચાર્ય