રોનાન, કોલિન એ. (Colin A. Ronan) (જ. 1920; અ. 1995) : અંગ્રેજીમાં ખગોળ ઉપરના અને વિજ્ઞાનના ઇતિહાસને લગતા સંખ્યાબંધ ગ્રંથોના અંગ્રેજ લેખક.
કારકિર્દીના આરંભે કોલિન લશ્કર સાથે સંકળાયેલા હતા અને વિજ્ઞાનના સલાહકાર તરીકે ક્રમશ: સોપાન સર કરતા જઈને મેજરના દરજ્જે પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રકાશીય (optical) ટૅકનૉલૉજીમાં નોંધપાત્ર કામ કર્યું હતું. રોનાન કોલિન લંડન યુનિવર્સિટીમાંથી ખગોળશાસ્ત્રમાં સ્નાતક થઈને પછી વિજ્ઞાનના ઇતિહાસ અને તત્વજ્ઞાનમાં અનુસ્નાતક (માસ્ટર ઑફ સાયન્સ) થયા હતા. તે પછી રૉયલ સોસાયટીના મંત્રીમંડળના એક વરિષ્ઠ સભ્ય તરીકે તેર વર્ષ સુધી કામગીરી બજાવી. પછી વિજ્ઞાનમાં સ્વતંત્ર લેખન કરવાના આશયથી 1960માં આ સંસ્થામાંથી છૂટા થયા. ખગોળ-રસિયાઓ માટે અને ખગોળના ઇતિહાસપ્રેમીઓના લાભાર્થે રોનાને જે કામ કર્યું તેની યોગ્ય કદર રૂપે સન 1990માં બ્રિટિશ ઍસ્ટ્રોનૉમિકલ ઍસોસિયેશનની શતાબ્દીના અવસરે તેમને સંસ્થાના પ્રમુખ બનાવવામાં આવેલા. આ સંસ્થાના મુખપત્રનું સંપાદન પણ તેઓ કરતા હતા. વળી ઘણા લાંબા કાળ સુધી રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીની કાર્યવાહક સભાના સભ્ય (FRAS) પણ તેઓ રહ્યા હતા. ખગોળશાસ્ત્રી એવા આ વિજ્ઞાનલેખકે ટેલિસ્કોપના આરંભકાળના ઇતિહાસ ઉપર સંશોધન કરવાનું કામ પણ કર્યું હતું.
અકસ્માત જાણે તેમને કોઠે પડી ગયા હતા. થથરાવી દેતા આવા બે અકસ્માતમાંથી તેઓ હેમખેમ બચ્યા હતા. એક વખત કાર-અકસ્માતમાં ખરાબ રીતે ઘવાયા હતા, તો નિવૃત્ત થયા પછી હેસ્ટિન્ગ્સમાં દારૂ પીધેલા ગાડીચાલકે તેમને અડફેટમાં લેતાં તેઓ શારીરિક તેમજ માનસિક રીતે ઘવાયા હતા. તેમ છતાંય નાહિંમત થયા વગર લખવાનું તથા પ્રવચન આપવાનું કામ તેમણે પુન: શરૂ કર્યું હતું.
સામાન્ય રીતે જે ઉંમરે માણસ આરામ કરવાનું પસંદ કરે તે વયે તેમણે કેમ્બ્રિજ ખાતે આવેલા નીડહામ ઇન્સ્ટિટ્યૂટના સચિવનું પદ સંભાળ્યું અને લંડનમાં જન્મેલા મૂળે જીવરસાયણશાસ્ત્રી અને પ્રાચીન ચીનને લગતી બાબતોના પ્રકાંડ પંડિત એવા ડૉ. જોસેફ નીડહામ(1900–1995)-કૃત ચીનમાં વિજ્ઞાન અને ચીની સંસ્કૃતિને લગતી એક વિશાળ ગ્રંથશ્રેણીનો સામાન્ય જન સમજી શકે તેવી શૈલીમાં છ ખંડોમાં સંક્ષેપ કરવાની ભગીરથ કામગીરી પણ સંભાળી. અનેક ભાગોમાં વહેંચાયેલી ‘‘Science and Civilization in China’’ નામની નીડહામની આ ગ્રંથશ્રેણીનો પહેલો ખંડ 1956માં પ્રસિદ્ધ થયો હતો અને તે પછી બીજા ગ્રંથો ક્રમશ: પ્રગટ થતા ગયેલા. આ ગ્રંથ તેના વિષયનો બહુ પ્રમાણભૂત સંદર્ભકોશ ગણાય છે. કોલિને કરેલી નીડહામની આ સંક્ષિપ્ત શ્રેણી ‘‘The Shorter Science and Civilization in China’’ શીર્ષકથી પ્રસિદ્ધ થઈ છે.
તેમણે ‘Encyclopedia Britanica’, ‘Dictionary of Scientific Biography’ અને ‘Interdisciplinary Science Review’ જેવા સંદર્ભગ્રંથો માટે પણ લખ્યું છે.
કોલિને લખેલાં, સંપાદિત કરેલાં કે સહલેખકરૂપે પ્રસિદ્ધ કરેલાં પુસ્તકોની સંખ્યા બહુ મોટી થવા જાય છે; પણ તેમાં 1970માં પ્રસિદ્ધ એડમંડ હેલીના અને 1974માં પ્રસિદ્ધ ગૅલિલિયોનાં જીવનચરિત્રો આજે પણ, આ બંને ખગોળશાસ્ત્રીઓ ઉપર તે પછી તો સંખ્યાબંધ પુસ્તકો લખાયાં હોવા છતાંય, એટલાં જ બહુમૂલ્ય અને વિશેષ સંદર્ભ તરીકે ઉપયોગી બની રહેલાં છે.
તેમનાં ઘણાં પુસ્તકો વિવિધ ભાષાઓમાં અનૂદિત થયાં છે અને બહુ મોટી સંખ્યામાં વેચાયાં છે; જેમ કે, 1981માં પ્રસિદ્ધ થયેલું ‘The Practical Astronomer’ નામનું તેમનું પુસ્તક નવ ભાષામાં અનૂદિત થયું છે અને પ્રસિદ્ધ થયાના એક જ વર્ષમાં તેની 2,50,000 કરતાં પણ વધુ પ્રતો વેચાઈ હતી. તેમનાં કેટલાંક જાણીતાં પુસ્તકોમાં ‘The Cambridge Illustrated History of the World’s Science’ (1983), ‘Deep Space’ (1982), ‘The Atlas of Scientific Discovery’ (1983), ‘Natural History of the Universe’ (1991) વગેરેનો સમાવેશ થાય છે.
તેમનાં પુસ્તકો લોકપ્રિય થવા પાછળનું એક કારણ તેમની સરળ ભાષા અને તેમાંનાં ચિત્રો છે. તેમનાં લગભગ બધાં જ પુસ્તકોમાં પુષ્કળ ચિત્રો, નકશાઓ, આકૃતિઓ વગેરે જોવા મળે છે. 1973માં પ્રસિદ્ધ થયેલું ‘Lost Discoveries : The Forgotten Science of the Ancient World’ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
સુશ્રુત પટેલ