રોડવિટ્ટિયા, રેખા (જ. 1958, બેંગલોર) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરીને 1981માં ચિત્રકલાનાં સ્નાતક થયાં. આ પછી શિવદાસાની કુટુંબની આર્થિક સહાય મળતાં તેમણે લંડન જઈ અભ્યાસ ચાલુ રાખ્યો અને 1983માં ધ રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાંથી તેઓ ચિત્રકલાનાં અનુસ્નાતક થયાં. તે જ વર્ષે લંડનમાં યોજાયેલ એક ચિત્રસ્પર્ધામાં તેઓ વિજેતા થતાં તેમને ‘યુનિલિવર’ ખિતાબ મળ્યો.
1990માં તેમને અમેરિકાના ‘રૉકફેલર ફાઉન્ડેશન’ની ફેલોશિપ મળતાં ન્યૂયૉર્કમાં 2 વર્ષ સુધી તેમણે કલાસર્જન કર્યું.
રોડવિટ્ટિયાનાં ચિત્રોમાં નારી કેન્દ્રસ્થાને જોવા મળે છે અને તેમાં નારીપાત્રના જાતીય જીવનનાં વિવિધ પાસાં વ્યક્ત થયાં છે.
તેમનાં ચિત્રો નારીનાં ભગ, ભગોષ્ઠ અને તેમાંથી નીકળતાં વિવિધ પ્રવાહીઓ પર કેન્દ્રિત થયેલાં છે.
હાલ(2002)માં તેઓ વડોદરામાં કલાસર્જનમાં વ્યસ્ત છે.
અમિતાભ મડિયા