રોડરિગ્ઝ ટાપુ : હિન્દી મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલા મૉરિશિયસ હેઠળની ટાપુ-જાગીર. ભૌગોલિક સ્થાન : તે 19° 42´ ઉ. અ. અને 63° 25´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 104 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 1507માં જ્યારે કોઈ પૉર્ટુગીઝે તેને જોયેલો ત્યારે તે નિર્જન હતો. તે પછીથી ત્યાં સર્વપ્રથમ ફ્રેન્ચ વસાહત શરૂ થઈ. ફ્રેન્ચોએ શેરડીની ખેતી શરૂ કરી. તેમણે શેરડીની ખેતી કરવા માટે આફ્રિકી શ્રમિકોને ગુલામો તરીકે લાવીને વસાવ્યા.
1800થી 1815 દરમિયાન નેપોલિયનનાં યુદ્ધો પૂરાં થયાં તે વખતે અંગ્રેજોએ આ ટાપુ મેળવી લીધો. ગુલામોને રહેવા દઈને બધા જ ફ્રેન્ચોને આ ટાપુ છોડી દેવાની ફરજ પાડી. આજે જોવા મળતા રોડરિગ્ઝનિવાસીઓ આ ગુલામોના વંશજો છે. આ ઉપરાંત અહીં થોડાક ચીની તથા ભારતી-મૉરિશિયનો પણ છે.
રોડરિગ્ઝની આબોહવા ઉપ-અયનવૃત્તીય-ભેજવાળી છે. અહીં મોટાભાગનો વરસાદ ઉનાળામાં પડે છે. કિનારાના ભાગોમાં વરસાદનું પ્રમાણ 1,000 મિમી.થી મધ્યના ઉચ્ચપ્રદેશ પર 5,000 મિમી. વચ્ચેનું રહે છે; પરંતુ પશ્ચિમ કિનારે માત્ર 875 મિમી. જેટલો જ વરસાદ પડે છે. તાપમાન 23°થી 27° સે. વચ્ચે રહે છે.
આ ટાપુનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી અને માછીમારી પર નભે છે. અહીંથી થોડા પ્રમાણમાં પ્રક્રમિત ખારી માછલીઓ, પ્રાણીઓ અને ડુંગળી-મરચાં જેવા પાકોની નિકાસ થાય છે. આ ટાપુના ઘણા લોકો શ્રમિકો તરીકે મૉરિશિયસ સુધી અવરજવર પણ કરે છે. પૉર્ટ મથુરિન અહીંનું મુખ્ય નગર અને નાનું બારું છે, ત્યાંથી મૉરિશિયસ જવા-આવવા માટે નિયમિત જહાજી સેવા ચાલે છે. 1993 મુજબ આ ટાપુની વસ્તી 34,536 જેટલી છે.
જાહ્નવી ભટ્ટ