રોટોરુઆ (Rotorua) : ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુના જ્વાળામુખીનિર્મિત ઉચ્ચપ્રદેશમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન 38° 12´ દ. અ. અને 176° પૂ. રે. અહીં રોટોરુઆ સરોવર પણ આવેલું છે. તેની એક બાજુ તરફ શહેર વિકસ્યું છે. રોટોરુઆ ન્યૂઝીલૅન્ડ આખાનું એક અગત્યનું પ્રવાસમથક છે. રોટોરુઆનું પ્રવાસમથક રમણીય સરોવરો, ટ્રાઉટ-માછલી પકડવાનાં મથકો, ગરમ પાણીના ફુવારા (જે પૈકી પોહુટુ ફુવારો ખૂબ જાણીતો છે), માઓરી કલાકૃતિઓ અને મનોરંજનસ્થળોને કારણે ખૂબ જ લોકપ્રિય છે. પોહુટુ ફુવારો રોજ ત્રણ વખત 30 મિનિટ માટે 30 મીટર ઊંચાઈ સુધી ગરમ પાણીની સેરો છોડે છે. આ સ્થળ લાકડાંના ઉદ્યોગનું કેન્દ્ર પણ છે. અહીંની વસ્તી 56,928 (1996) જેટલી છે.

જાહ્નવી ભટ્ટ