રોઝ, લાઇનલ

January, 2004

રોઝ, લાઇનલ (જ. 21 જૂન 1948, વૉરેગલ, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : મુક્કાબાજીની સ્પર્ધાના ઑસ્ટ્રેલિયાના ખેલાડી. કોઈ પણ રમતમાં વિશ્વવિજયપદક જીતનાર તેઓ એકમાત્ર આદિવાસી (aboriginal) ખેલાડી છે. 1964માં તેમણે વ્યવસાયી ધોરણે મુક્કાબાજી રમવાનો પ્રારંભ કર્યો; 1966માં તેઓ ઑસ્ટ્રેલિયાના ચૅમ્પિયન નીવડ્યા; 1968માં જાપાનના ‘ફાઇટિંગ હારડા’ને પૉઇન્ટના ધોરણે હરાવીને વિશ્વનું બૅન્ટમવેટ (54 કિગ્રા. સુધીનું વજન) વિજયપદક જીતી ગયા. મુક્કાબાજીની 3 સ્પર્ધાઓ સુધી આ વિજયપદક તેમણે જાળવી રાખ્યું હતું, પણ 1969માં રૂબિન ઑલિવર્સ સામે તે હારી ગયા હતા. એ હાર પછી ઑસ્ટ્રેલિયાની મુક્કાબાજીની સ્પર્ધાના ક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેમનું મેમ્બર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર(MBE)નો ખિતાબ આપી બહુમાન કરાયું હતું. 1971માં તેઓ વિશ્વવિજયપદકની એક વિવાદાસ્પદ સ્પર્ધામાં હારી ગયા, પછી 1976માં તેઓ નિવૃત્ત થયા.

મહેશ ચોકસી