રોઝ, મરે (જ. 6 જાન્યુઆરી 1939, બર્મિંગહામ, ઇંગ્લૅન્ડ) : ઑસ્ટ્રેલિયાના તરણ-ખેલાડી. 1956માં મેલબૉર્ન ખાતેના ઓલિમ્પિક રમતોત્સવ ખાતે ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના ખેલાડી તરીકે 3 સુવર્ણ ચન્દ્રકના વિજેતા બન્યા અને તરણ-સ્પર્ધામાં વીરોચિત બહુમાન પામ્યા; 400 મી. અને 1,500 મી.ની તરણ-સ્પર્ધાના સુવર્ણ ચન્દ્રક ઉપરાંત ઑસ્ટ્રેલિયાની ટીમને 4 × 200 મી.ની રિલે સ્પર્ધામાં ત્રીજો સુવર્ણ ચન્દ્રક અપાવ્યો અને એ સ્પર્ધાનો વિશ્વવિક્રમ સ્થાપ્યો.

પછી તેઓ યુનિવર્સિટી ઑવ્ સધર્ન કૅલિફૉર્નિયાના વિદ્યાર્થી બન્યા અને 400 મી. વિજયપદક જાળવી રાખીને રજત ચન્દ્રકના વિજેતા બન્યા. 1960માં 1,500 મી.ની સ્પર્ધામાં પણ રજત ચન્દ્રકના વિજેતા નીવડ્યા,  રિલે સ્પર્ધામાં તેઓ કાંસ્ય ચંદ્રકના વિજેતા બની શક્યા. 1957માં તેમણે 400 મી. ફ્રીસ્ટાઇલમાં શૉર્ટ કોર્સ વિક્રમ તરીકે 4 મિ. : 25.9 સે.નો સમય  નોંધાવ્યો અને 1956ના ઓલિમ્પિક રમતોત્સવ ખાતેનો. 4 મિ. : 27.0  સે.નો સમય પ્રારંભિક લૉંગ કોર્સ વિક્રમ બની રહ્યો. તેમના અન્ય વિશ્વ-વિક્રમો તે 800 મી. 8 મિ. : 51.5 સે., 1962; 1,500 મી. 17 મિ. : 59.5 સે. અને 1956માં 17 મિ. : 0.8 સે. 1964માં. 1964માં 800 વાર (731.5 મી.) તથા 1,500 વાર(1371.6 મી)ની સ્પર્ધામાં વિશ્વવિક્રમ નોંધાવવા છતાં તેમને તે વર્ષની ઓલિમ્પિક રમતો માટેની ઑસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન અપાયું ન હતું, કારણ કે ઑસ્ટ્રેલિયન ચૅમ્પિયનશિપની સ્પર્ધા માટે તેમણે યુ.એસ.થી પાછા ફરવાની ના પાડી હતી. 1962માં 440 વાર (402.3 મી.) તથા 1,650 વાર(1508.8 મી.)ની સ્પર્ધામાં કૉમનવેલ્થ ચૅમ્પિયન બન્યા હતા અને રીલેની સ્પર્ધામાં 2 સુવર્ણ ચન્દ્રકના વિજેતા બન્યા હતા. તેઓ 1955માં  220 વાર (201.2 મી.)ની, 1955–56માં 440 વાર (402.3 મી.)ની સ્પર્ધામાં ઑસ્ટ્રેલિયન ચૅમ્પિયન નીવડ્યા હતા. 1958 અને 1962માં 400 મી. તથા 1,500 મી.માં યુ.એસ. ચૅમ્પિયન બન્યા હતા.

રોઝ બાળક હતા ત્યારે તેમનાં સ્કૉટિશ માતાપિતા ઑસ્ટ્રેલિયા સ્થળાંતર કરી આવ્યાં હતાં. રોઝ શાકાહારી હતા અને ‘સીવીડ સ્ટ્રીક’ તરીકે ઓળખાતા હતા. પાછલી ઉંમરમાં તેમણે થોડો વખત હૉલિવુડમાં ફિલ્મ-કારકિર્દી અપનાવી હતી.

મહેશ ચોકસી