રોઝેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : ઉપવર્ગ-મુક્તદલા (Polypetalae), શ્રેણી કેલિસીફ્લોરી, ગોત્ર રૉઝેલ્સ અને કુળ રોઝેસી. આ કુળમાં લગભગ 115 પ્રજાતિઓ અને 3,200 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું વિતરણ પૃથ્વીના મોટાભાગના પ્રદેશોમાં થયેલું છે. તે પૂર્વ એશિયા, ઉત્તર અમેરિકા અને યુરોપમાં થાય છે. ભારતમાં આ કુળ ઉત્તર હિમાલયમાં ઘણું સામાન્ય છે. Pontentilla (300 જાતિઓ, 50 સ્થાનિક જાતિઓ), Rubus (600થી 1,000 જાતિઓ, 20થી 400 સ્થાનિક જાતિઓ), Rosa (150 જાતિઓ, 50 સ્થાનિક જાતિઓ), Crataegus (300થી 1,000 જાતિઓ, 75થી 200 સ્થાનિક જાતિઓ), Prunus (150થી 175 જાતિઓ, 25થી 30 સ્થાનિક જાતિઓ) અને Spiraea (75 જાતિઓ, 12 સ્થાનિક જાતિઓ) આ કુળની મોટી પ્રજાતિઓ છે. ભારતમાં આ કુળની લગભગ 244 જેટલી જાતિઓ થાય છે. Pontentilla supina L. નર્મદાકિનારે અને પાવાગઢનાં તળાવોની કિનારે નોંધાયેલી સ્થાનિક જાતિ છે (શાહ, 1964). આ કુળ ઘણું મોટું હોવાથી તેને સ્પાઇરિયૉઇડી, પોમોઇડી, પ્રુનૉઇડી, ક્રાઇસોબેલેનૉઇડી, ન્યુરેડૉઇડી અને રોઝોઇડી ઉપકુળોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓ આ ઉપકુળોને હવે સ્વતંત્ર કુળની કક્ષામાં મૂકે છે (દા.ત., સ્પાઇરિયૉઇડીને સ્પાઇરિયેસી, પોમોઇડીને પોમેસી કે મેલેસી, રોઝોઇડીને પોટેરિયેસી, પ્રુનોઇડીને ઍમિગ્ડેલેસી, ક્રાઇસોબેલેનૉઇડીને ક્રાઇસોબેલેનેસી કુળમાં મૂકવામાં આવે છે.)
આ કુળની વનસ્પતિઓ વૃક્ષ, ક્ષુપ કે શાકીય, ઘણી વખત કંટકીય કે આરોહી સ્વરૂપ ધરાવે છે. Rosa (ગુલાબ) અને Rubus(રાસ્પબેરી)ની ગાંઠો અને આંતરગાંઠોના બાહ્યકમાંથી છાલશૂળો (prickles) નીકળે છે. કેટલીક જાતિઓનું વાનસ્પતિક પ્રજનન ભૂસ્તારી (runner), અંત:ભૂસ્તારી (sucker) કે કટકારોપણ (cutting) દ્વારા થાય છે. પર્ણો સાદાં કે પિચ્છાકાર (pinnately), સંયુક્ત, એકાંતરિક કે ભાગ્યે જ સમ્મુખ, ઉપપર્ણીય (stipulate), ઉપપર્ણો શીઘ્રપાતી (caducous) અથવા પર્ણદંડ સાથે સંલગ્ન (adnate) હોય છે. પત્રાક્ષ ઉપર કંટ (spines) જોવા મળે છે.
પુષ્પવિન્યાસ એકાકી (solitary) અથવા અપરિમિત (racemose) કે પરિમિત (cymose) પ્રકારનો હોય છે. પુષ્પ નિયમિત (Hirtellaમાં અનિયમિત), દ્વિલિંગી [Aruncusમાં એકલિંગી, દ્વિગૃહી (dioecious)], સામાન્યત: પરિજાય (perigynous) કે ઉપરિજાય (epigynous), દા.ત., Pyrus (સફરજન, નાસપતી), ચતુર્-અવયવી તથા પંચાવયવી અને સુંદર હોય છે. Fragaria (સ્ટ્રૉબેરી) અને Potentillaમાં ઉપવજ્ર (epicalyx) જોવા મળે છે; જે વજ્રપત્રોનાં ઉપપર્ણો છે. વજ્ર સામાન્યત: 5 કે કેટલીક વાર 4, લીલા રંગનાં વજ્રપત્રોનું બનેલું અને ધારાસ્પર્શી (valvate) કે કોરછાદી (imbricate) હોય છે. Pyrusમાં વજ્રનલિકા અને બીજાશય જોડાયેલાં હોય છે અને હાઇપેન્થિયમની રચના બનાવે છે. દલપુંજ 5 કે અસંખ્ય સફેદ, લાલ કે પીળાં અથવા ભાગ્યે જ વાદળી રંગનાં ગુલાબવત્(rosaceious) મોટાં દલપત્રોનો બનેલો અને કોરછાદી [Gilleniaમાં સંવલિત (convolute)] હોય છે અને હાઇપેન્થિયમની કિનારી ઉપરથી ઉત્પન્ન થાય છે. હાઇપેન્થિયમ મધુગ્રંથિમય (nectiferous) બિંબ ધરાવે છે. કેટલીક વિકસાવેલી જાતિઓમાં પુંકેસરો દલાભ (petaloid) બન્યાં હોય છે. Alchemilla, Sanguisobra, Poterium અને Acaenaમાં દલપત્રોનો અભાવ હોય છે. પુંકેસરચક્ર સામાન્યત: અસંખ્ય કે કેટલીક વાર 5 કે 10 પુંકેસરોનું બનેલું હોય છે અને તેઓ સ્ત્રીકેસરચક્રની ફરતે એક કે તેથી વધારે ચક્રોમાં પરિજાય (perigynous) સ્થિતિમાં ગોઠવાયેલાં હોય્ છે.
Alchemilla arvensisમાં એક જ પુંકેસર હોય છે. તેઓ મુક્ત [Chrysobalanusમાં એકગુચ્છી (monoadelphous)] હોય છે અને કલિકા અવસ્થામાં અંદરની તરફ વળેલાં હોય છે. પરાગાશયો નાનાં અને દ્વિખંડી હોય છે અને તેનું સ્ફોટન લંબવર્તી કે ક્વચિત્ અનુપ્રસ્થ તલમાં કે છિદ્રો દ્વારા થાય છે. સ્ત્રીકેસરચક્ર એક (દા.ત., Prunus)થી પાંચ (દા.ત., Pyrus) કે અસંખ્ય (દા.ત., Rosa અને Fragaria) સ્ત્રીકેસરોનું બનેલું, મુક્ત કે વિવિધ રીતે જોડાયેલું, મોટેભાગે ઊર્ધ્વસ્થ (superior), કેટલીક વાર અધ:સ્થ [(inferior), દા.ત. Pyrus] હોય છે. તેઓ હાઇપેન્થિયમમાં ચક્રત: (cyclically) કે કુંતલાકારે (spirally) ગોઠવાયેલાં હોય છે અથવા યુક્ત બીજાશય હાઇપેન્થિયમ સાથે સંલગ્ન હોય છે. યુક્ત બીજાશય 2થી 5 કોટરોવાળું હોય છે અને અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં એક કે બે અંડકો હોય છે. મુક્ત બહુસ્ત્રીકેસરી કે એક-સ્ત્રીકેસરી બીજાશયમાં તલસ્થ જરાયુવિન્યાસ જોવા મળે છે. પરાગવાહિનીઓ મુક્ત કે જોડાયેલી અને સામાન્ય રીતે સ્ત્રીકેસરોની સંખ્યા જેટલી હોય છે. ફળ ચર્મફળ (achene), એકસ્ફોટી (follicle), ઉત્કોલક (pome), અષ્ઠિલ (drupe) કે અષ્ઠિલ-સમૂહફળ (druplet-aggregate) પ્રકારનાં જોવા મળે છે. બીજ અભ્રૂણપોષી (non-endospermic) અને નાનું હોય છે.
આ કુળની જાણીતી આર્થિક અગત્યની વનસ્પતિઓ આ પ્રમાણે છે : Rubus fruticosus (રાસ્પબેરી), Pyrus communis (નાસપતી), P. malus (સફરજન), Prunus amygdalus (બદામ), P. armeniaca (જરદાળુ), P. cerasus (ખાટાં ચેરી), P. avium (મીઠાં ચેરી) જેવી ખાદ્ય ફળ કે બીજ ધરાવતી જાતિઓ.
Prunus cerasioidesનાં ફળો બ્રાન્ડી બનાવવામાં, Geum urbanum L. અતિસાર અને એકાંતરિયા તાવની ચિકિત્સામાં, Rosa damescenaનાં પુષ્પો અત્તર બનાવવામાં, Agrimonia cuputoria રંગ માટે, Potentilla anserina L. પથરીની ચિકિત્સામાં, Quillaja, saponaria, molinaની છાલ શૅમ્પૂ અને ડિટરજન્ટની બનાવટમાં ઉપયોગી છે. Rosa, Spiraea, Rubus, Sorbus અને Potentillaનાં પુષ્પો સુંદર અને આકર્ષક હોવાથી ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉછેરવામાં આવે છે.
આ કુળનાં કેટલાંક સભ્યો રેનન્ક્યુલેસી સાથે સામ્ય દર્શાવે છે પરંતુ પરિજાય પુષ્પો અને પુંકેસરોની ચક્રીય ગોઠવણી દ્વારા રેનન્ક્યુલેસીથી તે જુદું પડે છે. આ કુળ ઉપપર્ણો અને હાઇપેન્થિયમની હાજરી પરિજાય પંચાવયવી પુષ્પો, એકસ્ત્રીકેસરી (સ્ત્રીકેસર) ચક્ર અને ભ્રૂણપોષની ગેરહાજરીની બાબતમાં ફૅબેસી (લેગ્યુમિનોઝી) અને સેક્સીફ્રેગેસી સાથે સામ્ય દર્શાવે છે.
યોગેશ ડબગર
બળદેવભાઈ પટેલ