રોઝેનુ, એન્જેલિકા (જ. 15 ઑક્ટોબર 1921, બુખારેસ્ટ, રુમાનિયા) : રુમાનિયાના ટેબલટેનિસનાં મહિલા-ખેલાડી. બીજા વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોમાં તેઓ ગિઝ ફર્કાસના અનુગામી તરીકે વિશ્વના પ્રથમ ક્રમનાં મહિલા-ખેલાડી બન્યાં. પ્રારંભમાં 1936માં તેઓ 15 વર્ષની વયે રુમાનિયાના સિંગલ્સ વિજયપદકનાં વિજેતા બન્યાં અને લગભગ નિવૃત્તિ સુધી તેમણે એ પદ જાળવી રાખ્યું.
1936માં તેમણે વિશ્વ-ચૅમ્પિયનશિપમાં સૌપ્રથમ ભાગ લીધો અને સિંગલ્સમાં ત્રીજા રાઉન્ડ સુધી પહોંચ્યાં. બે વર્ષ પછી, હંગેરિયન ચૅમ્પિયનશિપમાં વિજેતા બનવાથી તેમને પ્રથમ મહત્ત્વની આંતરરાષ્ટ્રીય સફળતા સાંપડી; પરંતુ લંડન ખાતેની વિશ્વ-ચૅમ્પિયનશિપ સ્પર્ધામાં ભાગ લેવા માટે રુમાનિયાની યહૂદી-વિરોધી સરકારે તેમને પાસપૉર્ટ આપવાની ના પાડી; 1950માં તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ફરીથી પ્રવેશ્યાં અને વિશ્વકક્ષાના 6 સિંગલ્સ વિજયપદક લગાતાર 6 વખત જીત્યાં અને રુમાનિયાની મહિલાટીમને ટીમ-સ્પર્ધામાં 5 પૈકીની પ્રથમ જીત અપાવી. 1951થી 1956 વચ્ચે વિશ્વ-ચૅમ્પિયનશિપમાં તેઓ મહિલા ડબલ્સમાં 3 વખત વિજેતા બન્યાં અને મિશ્ર ડબલ્સમાં 3 વખત વિજેતા બન્યાં. તેમનું સૌથી મહાન અને ઉત્તમ વર્ષ તે 1953; એ વર્ષે તેઓ સિંગલ્સ તથા બંને ડબલ્સમાં વિજેતા બનવા ઉપરાંત વિજેતા કૉર્બિલિયન કપ ટીમનાં સભ્ય પણ રહ્યાં. 1958 અને 1960માં તેઓ યુરોપિયન મહિલા ડબલ્સ વિજયપદકનાં વિજેતા બન્યાં.
1960માં તેઓ ઇઝરાયેલ ચાલ્યાં ગયાં અને 1961માં મૅકબિયા ગેમ્સમાં વિજેતા નીવડ્યાં પછી તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરની કારકિર્દી સમેટી લીધી.
મહેશ ચોકસી