રોઝાનોવા, ઓલ્ગા

January, 2004

રોઝાનોવા, ઓલ્ગા (જ. 1886, રશિયા; અ. 1918, રશિયા) : રશિયન કન્સ્ટ્રક્ટિવિસ્ટ મહિલા ચિત્રકાર. તેમણે દુન્યવી ઘટનાઓ કે ચીજવસ્તુઓના આભાસો કૅન્વાસ પર ચીતરવાને સ્થાને અમૂર્ત સ્વયંભૂ (autonomous) આકૃતિઓ ચીતરવાનું મુનાસિબ માનેલું. તેમની ચિત્રકૃતિઓમાં સફેદ કે આછા પીળા રંગની એકસરખી પશ્ચાદભૂમાં વચ્ચે લીલી કે લાલ જાડી પટ્ટી ચિત્રિત હોય છે. ચિત્રની ખરબચડી સપાટી તુરત જ ધ્યાન ખેંચી શકતી હોય છે. જીવનના અંતિમ વર્ષમાં તાજી સોવિયેત સરકારે રોઝાનોવાને આ અમૂર્ત કલાનો ત્યાગ કરવા મજબૂર કરી સમાજને કોઈ રીતે સીધી ઉપયોગી થાય તેવી ઉપયોગિતાલક્ષી ચીજવસ્તુઓની ડિઝાઇન કરવા તરફ વાળેલાં.

અમિતાભ મડિયા