રોજગાર વિનિમય કચેરી : નોકરીવાંચ્છુઓને તથા નોકરીદાતાઓને એકબીજા સાથે મેળવી આપવાનું કામ કરતી સરકાર હસ્તકની કચેરી. ઘણી વાર એવું બનતું હોય છે કે અમુક લોકોને નોકરીની જરૂર હોય છે, પરંતુ પોતાને જેની જરૂર છે તેવી નોકરી કઈ જગ્યાએ મળી શકે તેમ છે તેની માહિતી તેમને હોતી નથી. પરિણામે કાં તો તેઓ બેકાર રહે છે અથવા તો પોતાને પસંદ હોય તેવી નોકરીથી વંચિત રહી જતા હોય છે. વળી કેટલીક વાર એવું પણ બને છે કે નોકરીદાતાઓને જે પ્રકારના કર્મચારીઓ કે કામદારોની જરૂર હોય તેવા કર્મચારીઓ કે કામદારો તેમને મળતા હોતા નથી, કારણ કે તેવા કર્મચારીઓ કે કામદારો કઈ જગ્યાએથી પ્રાપ્ત થશે તેની માહિતી તેમને હોતી નથી. આવા સંજોગોમાં કોઈ એવી મધ્યસ્થ સંસ્થાની જરૂર પડે છે કે જે ઉપર્યુક્ત બંને વર્ગોને જરૂરી માહિતી પૂરી પાડે તથા તેમનો પરસ્પર સંપર્ક કરાવી આપે. આવો સંપર્ક કરાવી આપનારી સંસ્થા તે રોજગાર વિનિમય કચેરી.
જેઓને નોકરીની જરૂર હોય તેઓએ પોતાનું નામ તથા પોતાનું ભણતર, આવડત, તાલીમ, ભૂતકાળમાં કરેલી નોકરી કે નોકરીઓનો અનુભવ વગેરે વિગતો રોજગાર વિનિમય કચેરીમાં આપવાની હોય છે. આ રીતે નોકરીવાંચ્છુઓની એક વિસ્તૃત યાદી આવી કચેરી પાસે તૈયાર થાય છે. બીજી બાજુ નોકરીદાતાઓને જણાવવામાં આવે છે કે તેમને કયા પ્રકારના કર્મચારીઓની કેટલા પ્રમાણમાં જરૂર છે તેની માહિતી તેઓ રોજગાર વિનિમય કચેરીને આપે. આવી માહિતીને આધારે નોકરીની કેટલી તકો ક્યાં ઉપલબ્ધ છે તેની એક વિસ્તૃત યાદી આ કચેરી પાસે તૈયાર થાય છે. આ માહિતીને આધારે કયા પ્રકારની નોકરી ક્યાં ઉપલબ્ધ છે તેની જાણ નોકરીવાંચ્છુઓને કરવામાં આવે છે અને તેમને નોકરીદાતાઓ પાસે મોકલવામાં આવે છે. તેમાંથી પસંદ થયેલી વ્યક્તિઓને નોકરી મળે છે; જ્યારે પસંદ ન થઈ શકેલી વ્યક્તિઓની યાદી રોજગાર વિનિમય કચેરીમાં સાચવી રાખવામાં આવે છે અને ભવિષ્યમાં જ્યારે તેમને અનુરૂપ જગ્યા ઊભી થાય અથવા ખાલી પડે ત્યારે તે અંગેની જાણ તેમને કરવામાં આવે છે. આવા પ્રયાસોને લીધે એક તરફ નોકરી ઇચ્છતી વ્યક્તિને પોતાની જરૂરિયાત મુજબનું કામ મળી રહે છે, જ્યારે બીજી તરફ નોકરીદાતાને પોતાની જરૂરિયાત મુજબના કર્મચારીઓ મળી રહે છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો શ્રમની માંગ અને શ્રમના પુરવઠા વચ્ચે સમાયોજન કરવાનું કામ રોજગાર વિનિમય કચેરીઓ કરતી હોય છે.
વિકસિત દેશોમાં આવી કચેરીઓ સ્થાપવાના પ્રયાસો સૌપ્રથમ 1930ના દાયકામાં થયા હતા. ભારતમાં હાલ Employment Exchanges (Compulsory Notification of Vacancies) Act, 1959 હેઠળ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે જાહેર ક્ષેત્રના તમામ એકમો તથા કૃષિક્ષેત્ર સિવાયના 25થી વધુ સંખ્યામાં મજૂરો રોકતા તમામ એકમોએ પોતાને ત્યાં ઊભી થતી અથવા ખાલી પડતી જગ્યાઓ અંગેની જાણ ફરજિયાત રીતે રોજગાર વિનિમય કચેરીઓને કરવી પડે છે અને રોજગારી અંગેની નિયત માહિતી ચોક્કસ સમયના અંતરે રોજગાર વિનિમય કચેરીઓમાં પૂરી પાડવી પડે છે. આ વિષયમાં સામાન્ય નીતિનિયમો નક્કી કરવાની, અધિકારીઓને તાલીમ આપવાની તથા કાર્યક્રમોનું મૂલ્યાંકન કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે; જ્યારે રોજગાર વિનિમય કચેરીઓના રોજબરોજના વહીવટની જવાબદારી રાજ્ય સરકારોની છે.
રોજગાર વિનિમય કચેરીનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે : (1) નોકરી શોધનારાઓને માટે કઈ કઈ જગ્યાએ નોકરીની તકો ઉપલબ્ધ છે તે અંગેની તથા નોકરીદાતાઓને કયા પ્રકારના કર્મચારીઓની જરૂર છે તે અંગેની માહિતી ભેગી કરવી. આ રીતે એકત્રિત થયેલી માહિતીની જાણ સંબંધિત વ્યક્તિઓને કરવાનું કામ રોજગાર વિનિમય કચેરીઓ બજાવે છે.
(2) નોકરીની શોધમાં હોય તેવી વ્યક્તિઓને તેમના ભણતર અને કૌશલ્યને અનુરૂપ નોકરી પૂરી પાડવામાં મદદરૂપ બનવું.
(3) શ્રમિકોને માટે કયા પ્રકારની તાલીમની જરૂરિયાત છે તથા હાલ કયા પ્રકારની તાલીમની સગવડો ઉપલબ્ધ છે તેની સમીક્ષા કરવી.
(4) વ્યવસાયલક્ષી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવું.
(5) સરકારી એજન્સીઓને, નોકરીદાતાઓને તથા આમજનતાને ઉપયોગી થાય તેવી નોકરીઓ અંગેની સામાન્ય માહિતી પૂરી પાડવી.
(6) સરકારના સહયોગમાં શ્રમબજાર સાથે સંકળાયેલાં વિવિધ જૂથો સાથે સુસંકલન સાધવું.
(7) શ્રમિકોની ગતિશીલતામાં વધારો કરવો.
(8) નોકરી માટે ઉપલબ્ધ શ્રમિકો અંગેની તથા તેમને ઉપલભ્ય નોકરીઓ અંગેની સમગ્રલક્ષી આંકડાકીય માહિતી એકત્રિત કરવી અને તેને આધારે દેશના શ્રમબજાર અંગેનું એક સુગ્રથિત ચિત્ર પ્રાપ્ત કરવું.
(9) શ્રમિકો અંગેની વિવિધ યોજનાઓના અમલમાં મદદરૂપ થવું.
ભારતમાં રોજગાર વિનિમય કચેરીઓનો ઇતિહાસ તપાસતાં જણાય છે કે સૌપ્રથમ 1943–44માં બીજા વિશ્વયુદ્ધના સંદર્ભમાં ટેક્નિશિયનોનો પુરવઠો પૂરો પાડવા માટે નવ જેટલી રોજગાર વિનિમય કચેરીઓ સ્થાપવામાં આવી હતી.
બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી લશ્કરમાંથી છૂટા થયેલા કર્મચારીઓને નોકરી પૂરી પાડવાનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો તેને હલ કરવા માટે 1945માં બીજી 70 જેટલી રોજગાર વિનિમય કચેરીઓ શરૂ કરવામાં આવી હતી. 1948માં આવી કચેરીઓનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવ્યું અને માત્ર લશ્કરના જ નહિ, પરંતુ તમામ પ્રકારના શ્રમિકોને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા આવરી લેવામાં આવ્યા. 1951 પછી રોજગાર વિનિમય કચેરીઓના વિકાસનું ચિત્ર નીચે દર્શાવેલ સારણીમાંથી પ્રાપ્ત થાય છે.
રોજગાર વિનિમય કચેરીઓની પ્રગતિ : 1951થી 1991
વર્ષ |
રોજગાર વિનિમય કચેરીઓની સંખ્યા | નોંધાયેલા બેકારોની સંખ્યા |
કચેરીઓ દ્વારા જેમને નોકરી મળી તેવા શ્રમિકોની સંખ્યા |
1951 | 126 | 13,75,351 | 4,16,858 |
1961 | 325 | 32,30,314 | 4,04,077 |
1971 | 437 | 51,29,900 | 5,07,000 |
1981 | 592 | 62,76,900 | 5,04,100 |
1991 | 854 | 62,35,900 | 2,53,000 |
રોજગાર વિનિમય કચેરીઓની કામગીરીને હાલ રાષ્ટ્રીય રોજગારી યોજનાના વ્યાપક નેજા હેઠળ આવરી લેવામાં આવી છે. આ યોજના હેઠળ 30 જૂન 1999ના રોજ 953 જેટલી રોજગાર વિનિમય કચેરીઓ તથા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રો દેશમાં કામ કરી રહ્યાં હતાં. આવી કચેરીઓ નોકરી ઇચ્છતા તમામ લોકોને મદદરૂપ થાય છે, જેમાં અમુક વિશિષ્ટ જૂથના લોકોનો પણ સમાવેશ થાય છે. દા.ત., શારીરિક રીતે અપંગ લોકો, લશ્કરમાંથી છૂટા થયેલા કર્મચારીઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો, મહિલાઓ વગેરે. રોજગાર વિનિમય કચેરીઓની કામગીરીને અદ્યતન બનાવવા માટે હાલ ત્યાં કમ્પ્યૂટરાઇઝેશનની કામગીરી ચાલી રહી છે.
અનિલ સોનેજી