રોગો, બાળકોના : શિશુઓ (infants), બાળકો અને તરુણો(adolescent)ના રોગો. તેને બાળરોગવિદ્યા(paediatrics) અંતર્ગત આવરી લેવામાં આવે છે. બાળરોગવિદ્યામાં શિશુઓ, બાળકો અને તરુણોની તબીબી સમસ્યાઓ અને તેના ઉકેલનો અભ્યાસ થાય છે. જુદા જુદા દેશોમાં જન્મસમયથી 14થી 18 વર્ષની વય સુધીના ગાળાનો તેમાં સમાવિષ્ટ કરાય છે. તેના નિષ્ણાતને બાળરોગવિદ (paediatrician) કહે છે.
પુખ્ત વય કરતાં બાળકોની સમસ્યાઓ અલગ અને વિશિષ્ટ હોય છે. તેમના દેહનું કદ જુદું હોય છે. વળી તેઓ વિકાસ અને વૃદ્ધિ પામી રહ્યાં હોય છે. તેમની પ્રમુખ સમસ્યાઓ જન્મજાત કુરચનાઓ, જનીની તફાવતો, વિકાસલક્ષી સમસ્યાઓ અને ચેપી રોગો અંગેની હોય છે. બાળકોના શરીરમાં વિવિધ અવયવો વૃદ્ધિ અને વિકાસ પામતાં હોય છે; તેથી બાળકને લઘુપુખ્તવ્યક્તિ ગણીને કાર્ય કરી શકાતું નથી. વળી તેઓ સગીર વયનાં હોવાથી તેમના અલગ વૈધાનિક (કાનૂની) મુદ્દાઓ હોય છે; જેમ કે, સગીરતા, વાલીપણું, સંમતિપ્રક્રિયા વગેરે. તરુણાવસ્થામાં લૈંગિક વિકાસ થવા સાથે વિશિષ્ટ માનસિક સમસ્યાઓ પણ ઉદભવે છે.
બાળકોના રોગો પર સૌપ્રથમ પુસ્તક પર્શિયન તબીબ મુહમદ ઇબ્ન ઝકરિયા રાઝીએ 9મી સદીમાં લખ્યું હતું; તેથી કેટલાક વિદ્વાનો તેમને આ વિદ્યાના પિતા કહે છે. સને 1536માં થૉમસ ફેઇરે પ્રથમ પશ્ચિમી જગતનું આ વિષયક પુસ્તક લખ્યું હતું. સન 1852માં લંડનમાં સૌપ્રથમ બાળકોની હૉસ્પિટલ સ્થપાઈ.
બાળરોગવિદ્યાની વિશિષ્ટ તાલીમ જરૂરી ગણાય છે અને તેથી તેને આયુર્વિજ્ઞાનમાં વિશિષ્ટ વિદ્યાશાખા (discipline) ગણવામાં આવે છે. હાલ આ વિદ્યાશાખામાં ઘણો વિકાસ થયો છે અને તેથી તેની પણ ઘણી ઉપશાખાઓ વિકસી છે; જેમ કે, નવજાતશિશુવિદ્યા (neonatology).
બાળરોગો એ કોઈ વિશિષ્ટ જૂથના રોગોનો સમૂહ નથી અને તેમાંના મોટા ભાગના રોગો પુખ્ત વયે પણ થાય છે. તેમાંના ઘણા મહત્વના રોગોમાં ચેપીરોગો (થૂલિયો, ઇન્ફ્લુએન્ઝા, પાતળા ઝાડા, શ્વસનિકાશોથ, રુબેલા, સાયટોમિગેલો, ગાલપચોળું, આમવાત જ્વર, ઓરી, અછબડા, ધનુર્વા, ઉટાંટિયું, યકૃતશોથ, વગેરે), દમ, લ્યૂકિમિયા, દાંતમાં સડો વગેરેનો સમાવેશ થાય છે.
શિલીન નં. શુક્લ