રોગસ્થાનાંતરતા, કૅન્સરગત (cancer metastasis) : એક સ્થાનમાં ઉદભવેલા કૅન્સરના કોષો સ્થાનાંતર કરીને અન્યત્ર પ્રસ્થાપિત થાય તથા ત્યાં ગાંઠ સર્જે તેવી સ્થિતિ. કૅન્સરના રોગવાળા કોષો અમર્યાદ સંખ્યાવૃદ્ધિ કરે છે. આસપાસની પેશીમાં તથા લોહી અને લસિકા(lymph)ની નસોમાં આક્રમણ (invasion) કરે છે અને તેમના દ્વારા શરીરમાં અન્યત્ર ફેલાઈને બીજા અવયવોને અસરગ્રસ્ત કરે છે. ત્યાં તેઓ પ્રસ્થાપિત થાય છે અને ગાંઠો સર્જે છે. આ સમગ્ર પ્રક્રિયાને કૅન્સર-રોગસ્થાનાંતરતા કહે છે. આ સમગ્ર પ્રક્રિયાને વિવિધ પગલાંમાં વહેંચીને સમજી શકાય છે.
(1) સામાન્ય કોષોના કૅન્સર-કોષમાં રૂપાંતરણ અને સંખ્યાવૃદ્ધિના તબક્કામાં કૅન્સર-કોષો અન્ય સામાન્ય કોષોની માફક જ પોષણદ્રવ્યો મેળવે છે. (2) વ્યાપક વાહિનીકરણ(extensive vascularization)નો બીજો તબક્કો છે, જેમાં 1 મિમી.ના વ્યાસની ગાંઠ વાહિનીજનક ઘટકો(angiogenesic factors)નું ઉત્પાદન કરીને આસપાસ વિસ્રવણ કરે છે. આ ઘટકોને કારણે નવી નસો (વાહિનીઓ) બને છે; આ પ્રકારે બનતી સૂક્ષ્મ નસોને કેશવાહિનીઓ અથવા કેશિકાઓ (capillaries) કહે છે અને તે ગાંઠના કોષો સુધી લોહી લઈ જઈને ઑક્સિજન તથા પોષક દ્રવ્યો પૂરાં પાડે છે. (3) સ્થાનિક આક્રમણ(local invasion)નો ત્રીજો તબક્કો હવે શરૂ થાય છે. લઘુશિરાઓ (venules) અને કેશિકાઓની દીવાલ પાતળી હોય છે અને તેથી તેઓ કૅન્સર-કોષોના આક્રમણનો ભોગ બને છે અને આ સૂક્ષ્મ નળીઓ દ્વારા આ કોષો શરીરના રુધિરાભિસરણ-તંત્રમાં પ્રવેશ પામે છે અને શરીરમાં બધે પરિભ્રમણ કરી શકે છે. (4) એકાકી કૅન્સર-કોષો છૂટા પડે અને કોષગુલ્મસરક (cellular embolus) રૂપે લોહીમાં ફરવા માંડે તેવો ચોથો તબક્કો આવે છે. આ સ્થિતિમાં રોગસ્થાનાંતરતાની શરૂઆત થાય છે. (5) તેઓ રુધિરાભિસરણ સમયે જીવી શકે તેવી તેમની ક્ષમતા આ સમયે જોવા મળે છે. (6) તેઓ પરિભ્રમણ કરતાં કરતાં દૂરના અવયવની કેશિકાજાળમાં અટકી પડે છે અને ત્યાં કેશિકાઓના અંતશ્છદ(endothelium)ના કોષો સાથે ચોંટે છે અથવા જો અવ-અંતશ્ર્છદીય તલીયકલા (subendothelial basement membrane) ખુલ્લી થઈ ગયેલી હોય તો તેની સાથે ચોંટે છે. (7) સ્થાનિક સંખ્યાવૃદ્ધિ અને આક્રમકતાને કારણે કૅન્સર-કોષો નસોમાંથી બહાર નીકળીને આસપાસની પેશીમાં પ્રવેશે છે. (8) છેલ્લે તેઓ પેશીમાં સ્થાન જમાવે છે, નવી નસોનું સર્જન કરાવે છે. સંખ્યાવૃદ્ધિ કરે છે અને નવી ગાંઠ બનાવે છે. સ્થાનાંતરિત થયેલી ગાંઠ પુન: સ્થાનાંતરિત થઈ શકે છે. માટે મૂળ ગાંઠને શસ્ત્રક્રિયાથી કાઢી નાંખી હોય તોપણ તેના કોષોનું જો સૂક્ષ્મ સ્થાનાંતરણ થઈ ગયેલું હોય તો તેવા કોષો શરીરમાં અન્યત્ર ફેલાય છે. માટે આવા સૂક્ષ્મ સ્થાનાંતરિત કોષો સામે રક્ષણ મેળવવા માટે કૅન્સર-વિરોધી દવાઓ અપાય છે. આવી ચિકિત્સા-પદ્ધતિને સહવર્ધિત (adjuvant) ચિકિત્સા કહે છે.
શિલીન નં. શુક્લ